ફાગણ: ૨૪૮૬ : પ:
રાજકોટ શહેરમાં પૂ. ગુરુદેવનાં
પ્રવચનોનો થોડોક નમૂનો
(રાજકોટ શહેરમાં સમયસાર ગા. ૯૨ અને પછીની ગાથા ઉપરનાં વચનોમાંથી)
(૧) કર્તાકર્મપણું
આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપ આત્માને વાસ્તવિક કર્તાકર્મપણું કોની સાથે છે તેની
ઓળખાણ વિના, અજ્ઞાનને લીધે રાગાદિ પરભાવો સાથે એકતા માનીને તેના જ કર્તાકર્મપણે
પરિણમતો થકો જીવ સંસારપરિભ્રમણ કરી રહ્યો છે. તે સંસારભ્રમણ કેમ ટળે? તે માટે આચાર્યદેવ
આત્માનું વાસ્તવિક કર્તાકર્મપણું સમજાવે છે.
(૨) દશાંતર થાય...દ્રવ્યાંતર ન થાય
આ જગતમાં અનંતા જીવ અને અજીવ દ્રવ્યો છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર ભિન્ન ભિન્ન છે. કોઈ દ્રવ્ય
પલટીને બીજા દ્રવ્યરૂપે થઈ જતું નથી. દ્રવ્યપણે નિત્યટકીને તેની દશા પલટાયા કરે છે. એટલે દ્રવ્યનું
દ્રવ્યાંતર થતું નથી પણ દશાંતર થાય છે. જેમકે જીવ દ્રવ્યમાં તેની અજ્ઞાનદશા પલટીને જ્ઞાનદશા થાય,
સંસારદશા પલટીને સિદ્ધદશા થાય, એ રીતે દશાંતર થાય, પણ જીવી પલટીને અજીવ થઈ જાય એમ ન
બને, અર્થાત્ દ્રવ્યાંતર ન થાય.–આ રીતે ભિન્ન ભિન્ન દ્રવ્યો પોતપોતાની દશા પલટતા હોવા છતાં ભિન્ન
ભિન્ન સ્વરૂપે જ રહે છે.
(૩) ધર્મનું મૂળ છે–ભેદજ્ઞાન
જ્ઞાનસ્વરૂપ આત્મા કર્તા થઈને જ્ઞાનભાવને કરે તે તો તેનું વાસ્તવિક કર્તાકર્મપણું છે; પરંતુ
જ્ઞાનસ્વરૂપ આત્મા કર્તા થઈને રાગાદિ પરભાવોને કરે તો તે તેનું વાસ્તવિક કર્તાકર્મપણું નથી, પરંતુ
અજ્ઞાનથી જ તે કર્તાકર્મપણું ઊભું થયું છે. જ્ઞાનરૂપ નિજભાવને અને રાગાદિ પરભાવને ભિન્ન ભિન્ન
ઓળખીને ભેદજ્ઞાન કરવાથી રાગાદિનું કર્તાપણું છોડીને જીવ પોતાના જ્ઞાન–આનંદભાવનો જ કર્તા
થાય છે, તેનું નામ ધર્મ છે. આ રીતે ભેદજ્ઞાન તે ધર્મનું મૂળ છે.
(૪) અજ્ઞાન જ સંસારનું મૂળ છે.
અહીં આચાર્યદેવ એમ સમજાવે છે કે અજ્ઞાનથી જ આત્મા કર્મનો કર્તા થાય છે; જ્યારે તેને
ભેદજ્ઞાન થાય છે ત્યારે પોતાના જ્ઞાનભાવમાં જ તન્મયપણે પરિણમતો થકો તે કર્મનો કર્તા થતો નથી.
જેને પોતાના સ્વભાવથી ભિન્ન જાણ્યા તેમાં તન્મય કેમ થાય? અને જેમાં તન્મય ન થાય, એટલે કે
જેનાથી જુદો રહે તેનો કર્તા કેમ થાય?–ન જ થાય. આ રીતે જ્યાંસુધી આત્મસ્વભાવનું અને રાગાદિનું
ભેદજ્ઞાન નથી ત્યાંસુધી જ અજ્ઞાનને લીધે કર્મનું કર્તાપણું છે, અને ત્યાંસુધી જ સંસાર છે. એટલે
અજ્ઞાન જ સંસારનું મૂળ છે.
(પ) રાગ તે જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાનનું કાર્ય નથી
ધર્મીજીવ એમ જાણે છે કે જે જ્ઞાન થાય છે તે મારા સ્વભાવથી અભિન્ન છે, અને જે રાગાદિ
પરભાવો છે તે મારા સ્વભાવથી ભિન્ન છે. જે રાગાદિ ભાવો છે તે મારા જ્ઞાનમાં જ્ઞેયપણે નિમિત્ત છે,
પણ તે મારા જ્ઞાનના કાર્યપણે નથી. અજ્ઞાની તો, જ્ઞાનમાં રાગ જણાય ત્યાં તેને જ્ઞાનનું કાર્ય માની લે
છે, એટલે રાગથી જુદું કોઈ કાર્ય તેને ભાસતું નથી; રાગ જ હું છું, એમ માનતો થકો રાગનો કર્તા
થઈને પરિણમતો થકો તે કર્મને બાંધે છે. જ્ઞાની તો રાગને જાણતી વખતે પણ તે રાગને પોતાથી ભિન્ન
જાણતો થકો, તેને જ્ઞાનનું કાર્ય માનતો નથી એટલે રાગથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વરૂપને જાણીને, તે
જ્ઞાનભાવરૂપે જ પરિણમતો થકો કર્મને બાંધતો નથી.–આ મોક્ષનો ઉપાય છે.
(૬) કોને સમજાવે છે આ વાત? સ્વભાવના અભિલાષીને
આ વાત કોને સમજાવે છે?–જેના અંતરમાં બંધનથી છૂટકારાની ધગશ જાગી છે, અને શ્રીગુરુ