: ૬ : આત્મધર્મ: ૧૯૭
પાસે આવીને આત્માનું સ્વરૂપ સમજવાનો અભિલાષી થયો છે, તેને આ વાત સમજાવે છે. અને
આચાર્યદેવને લક્ષમાં છે કે આવી પાત્રતાવાળો જીવ જરૂર આ વાત સમજી જશે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે
ભગવાન મહાવીરના બોધને પાત્ર કોણ?–કે સદૈવ સૂક્ષ્મબોધનો અભિલાષી હોય તે; તે સૂક્ષ્મબોધ એટલે
આત્માના સ્વભાવનો બોધ; સ્થૂળબોધ અર્થાત્ પુણ્ય–પાપની વાત તો જીવે અનંતકાળથી સાંભળી છે, પણ
પુણ્ય–પાપ રહિત ચિદાનંદ સ્વભાવની સૂક્ષ્મ વાત પૂર્વે કદી સાંભળી નથી–લક્ષમાં લીધી નથી. હવે જેને
અંતરમાં એમ થયું છે કે આ રાગની આકુળતાથી પાર મારું ચિદાનંદ સ્વરૂપ શું છે તેને હું સમજું!–આવી
જિજ્ઞાસાવાળા સૂક્ષ્મબોધના અભિલાષીને આચાર્યદેવ આ વાત સમજાવે છે, અને તે જિજ્ઞાસુ જીવ જરૂર
સમજી જાય છે.
(૭) અંતર્મુખદ્રષ્ટિના અભાવે......
આત્મા જ્ઞાનનો સમુદ્ર છે; તે જ્ઞાન સાથે આનંદ પણ છે. પોતામાં સ્વસન્મુખ થઈને જ્ઞાનનું
જ્ઞાનત્વ પ્રગટ કરવાને બદલે, બહિર્મુખપણે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે, તેનું નામ સંસાર છે.
અંતરમાં આનંદનો સમુદ્ર છે, પણ અંતર્મુખ દ્રષ્ટિના અભાવે જ આનંદનો અભાવ છે. ભાઈ! અંતર્મુખ
દ્રષ્ટિમાં આત્માને જ ધ્યેય બનાવીને જ્ઞાન–આનંદરૂપે પરિણમવું તે તારો સ્વભાવ છે.
(૮) અજ્ઞાનીનું કર્તાપણું
હું પરિપૂર્ણ જ્ઞાન ને આનંદપણે છું–એવું પોતાનું અસ્તિત્વ ન ભાસતાં, ક્ષણિક રાગ–દ્વેષની
વૃત્તિઓમાં જ ‘આ હું.....’ એમ પોતાનું અસ્તિત્વ માને છે, તે અજ્ઞાની જીવ પોતાને રાગી જ માનતો
થકો રાગનો કર્તા થાય છે. અજ્ઞાનીનું આ કર્તાપણું તે જ સંસારનું મૂળ છે.
(૯) જેની રુચિ તેનું કર્તૃત્વ
જેને જે રુચે છે તે તેને પોતાનું કાર્ય બનાવે છે. જેને રાગની જ રુચિ છે એવો અજ્ઞાની જીવ રાગને
જ પોતાનું કાર્ય બનાવે છે, રાગની રુચિ આડે તેને ચૈતન્યની પ્રીતિ નથી. અને જે જીવ આત્માર્થી છે, જેને
ચૈતન્યની પ્રીતિ છે તે જીવ ચૈતન્યથી વિરુદ્ધ એવા રાગાદિને પોતાનું કાર્ય બનાવતો નથી.
(૧૦) કર્તાપણાની મર્યાદા અને તેનું ફળ
જીવના કર્તાપણાની મર્યાદા પોતાના પરિણામમાં જ છે, પોતાના પરિણામની બહાર કોઈ પણ
પરદ્રવ્યનું કર્તાંપણું તો જ્ઞાનીને કે અજ્ઞાનીને કોઈને કદી નથી. અજ્ઞાની વિકારને જ પોતાનું કર્તવ્ય
માનતો થકો તેનો કર્તા થાય છે ને તેના આકુૃૃળ સ્વાદને અનુભવે છે. જ્ઞાની તો જ્ઞાન અને રાગનું
ભેદજ્ઞાન કરીને, જ્ઞાનને જ પોતાનું કાર્ય જાણતો થકો રાગનો કર્તા થતો નથી પણ જ્ઞાનનો જ કર્તા
થઈને નિરાકુળસ્વાદને અનુભવે છે. આત્માના નિરાકુળ આનંદનો સ્વાદ એવો છે કે જગતના કોઈ પણ
પદાર્થમાં–ઈંદ્ર પદના વૈભવમાં પણ તે સ્વાદની ગંધ નથી.
(૧૧) અરે જીવ! તું જાગ! તું તો જ્ઞાન છો
જેમ કોઈ માણસ ભ્રમથી પારકું વસ્ત્ર લાવીને, તેને પોતાનું માનીને, ઓઢીને સૂતો હોય.....ત્યાં
કોઈ સજ્જન જાણકાર આવીને તેને જગાડે અને કહે કે અરે ભાઈ! તું જાગ! આ વસ્ત્ર તારું નથી પણ
પારકું છે, માટે તેને પારકું જાણીને તું છોડ!–એ રીતે કહેવાથી, જાગીને તે વસ્ત્રને નિઃશંકપણે પારકું
જાણતાં જ તે તેને છોડી દે છે. તેમ અજ્ઞાની જીવ પોતાના જ્ઞાનાનંદ સ્વભાવને ભૂલીને, રાગાદિ
પરભાવોને જ પોતાના માનતો થકો, રાગથી લાગણીનું ઓઢણું ઓઢીને સૂતો છે, રાગની લાગણીના
ઓઢણામાં જ્ઞાનસ્વભાવને ઢાંકી દીધો છે; ત્યાં કોઈ સંતજન ધર્માત્મા તેને જગાડતાં કહે છે કે અરે જીવ!
તું જાગ! તું તો જ્ઞાન છો. આ રાગાદિની લાગણીઓ તે તારા સ્વભાવરૂપ નથી પણ પરભાવરૂપ છે,
માટે તેને તારા સ્વભાવથી ભિન્ન જાણીને તું છોડ! આ રીતે કહેવાથી, જાગીને એટલે કે અંતરમાં
ભેદજ્ઞાન કરીને, તે રાગાદિને નિશંકપણે પોતાના સ્વભાવથી ભિન્ન જાણતાં જ તે જીવ જ્ઞાની થયો થકો
રાગાદિનું કર્તૃત્વ છોડી દે છે. આ રીતે રાગાદિનું અકર્તાપણું થતાં તે આત્માને બંધન થતું નથી, પણ
મોક્ષ થાય છે.