ફાગણ: ૨૪૮૬ : ૭ :
ચેતના ગુણની તાકાત
આત્માને વિભાવથી જુદો રાખે છે
સમસ્ત વિભાવોથી ભિન્ન એવો શુદ્ધઆત્મા શુદ્ધચેતનાવડે અંતરમાં સદા પ્રકાશમાન છે.
ચેતનાગુણની એવી તાકાત છે કે કોઈ પણ વિભાવભાવોને આત્માના સ્વભાવમાં તે પ્રવેશવા દેતો
નથી, શુદ્ધઆત્માને વિભાવથી જુદો ને જુદો જ રાખે છે.
મિથ્યા માન્યતાઓને દૂર કરે છે
શુદ્ધ આત્માને પ્રકાશનારો તે ચેતનાગુણ સમસ્ત વિરુદ્ધ માન્યતાઓનો નાશ કરનાર છે. દેહ તે
જીવ, રાગ તે જીવ, કર્મવાળો જીવ,–ઈત્યાદિ પ્રકારે જીવના સ્વભાવને વિપરીત માનવારૂપ જે અનેક
પ્રકારની ઊંધી માન્યતા, તેને ચેતનાગુણ નાશ કરે છે; ‘જીવ તો ચેતનાસ્વરૂપ છે’–એમ પ્રકાશતો થકો
ચેતનાગુણ મિથ્યા માન્યતાઓને દૂર કરી નાંખે છે.
શુદ્ધ જીવને પ્રકાશમાન કરે છે
‘શુદ્ધ ચેતનામય જીવ’ એમ જ્યાં લક્ષમાં લીધું ત્યાં ચેતના અંતર્મુખ થઈ, સમસ્ત રાગાદિથી
જુદી પડીને જીવ સાથે તેની એકતા થઈ, એટલે સમસ્ત રાગાદિથી ભિન્ન શુદ્ધ જીવને તે ચેતનાએ
પ્રકાશમાન કર્યો. અ રીતે ચૈતન્યજ્યોતિમાં આખાં જીવને પ્રકાશિત કરવાની તાકાત છે.
શાંતિ આપવાની તાકાત છે.
રાગમાં એવી તાકાત નથી કે શુદ્ધ આત્માને દર્શાવે. શુદ્ધ આત્માને દર્શાવવાની તાકાત ચેતનામાં
જ છે. આત્મા દેહનો કર્તા, આત્મા રાગનો કર્તા, તે રાગાદિથી આત્માને લાભ, –આમ માનીને, દેહની
ક્રિયામાં ને રાગાદિમાં જે જીવ શુદ્ધ આત્મા ગોતશે તેને તેમાંથી શુદ્ધ આત્મા કદી નહિ મળે, પણ તેની
પર્યાયમાં મિથ્યાત્વરૂપી કલેશ ઊભો થશે. “ચેતનસ્વરૂપ જીવ” એમ માનીને ચેતનામાં જીવને શોધતાં
શુદ્ધ આત્માની પ્રાપ્તિ થશે, ને વિપરીત માન્યતારૂપ કલેશ શાંત થઈ જશે. આ રીતે ચેતનામાં કલેશ દૂર
કરીને શાંતિ આપવાની તાકાત છે.
તેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે
આ ચેતનાગુણ કેવો છે? તે રાગાદિ કોઈ પણ પરભાવોને આધીન થતો નથી, પરંતુ તેણે
પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે. ‘શુદ્ધ આત્મા’ તે ચેતનાનું સર્વસ્વ છે. ચેતનાના
સર્વસ્વરૂપ એવો શુદ્ધ આત્મા, ભેદજ્ઞાની જીવોએ સ્વસંવેદનવડે પ્રાપ્ત કર્યો છે. અહા! જ્ઞાની કહે છે કે
ભેદજ્ઞાનમાં ચેતનાગુણે મને આખો આત્મા આપ્યો...જ્યાં ચેતનાસ્વરૂપ આત્માનું સ્વસંવેદન થયું ત્યાં
સમસ્ત વિભાવોથી ભિન્ન આખોય શુદ્ધ આત્મા અનુભવમાં આવી ગયો; ચેતનાએ પોતાનું સર્વસ્વ તે
ભેદજ્ઞાનીને સોંપી દીધું. આખો આત્મા ભેદજ્ઞાની જીવોને સોંપ્યો ને રાગાદિ સમસ્ત પરભાવોને
આત્મામાંથી બહાર કાઢી નાંખ્યા.–આ રીતે ભેદજ્ઞાનવડે અનુભવમાં આવતો શુદ્ધચૈતન્યરૂપ જીવ તે જ
પરમાર્થસ્વરૂપ જીવ છે.
માટે, ચૈતન્ય સિવાયના સમસ્ત પરભાવોને જુદા કરીને ચૈતન્યસ્વરૂપ શુદ્ધ જીવનો અંતરમાં
અભ્યાસ કરો......તેનો સાક્ષાત્ અનુભવ કરો.