: ૮ : આત્મધર્મ: ૧૯૭
ચેતનાના સ્વસંવેદનમાંથી “આ હું... આ હું” એવો ધ્વનિ ઊઠે છે
જીવ પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણવડે સદા અંતરમાં પ્રકાશમાન છે. પોતાના વેદનમાં
‘હું...હું’ એવો જે સ્વપણાનો ધ્વનિ ઊઠે છે તે ચૈતન્યમાંથી ઊઠે છે, રાગમાંથી નથી આવતો. આવા
ચૈતન્યભાવમાં હું–પણે જીવતત્ત્વ પ્રકાશમાન છે. પણ અજ્ઞાનીને રાગ તે જ હું એમ થઈ ગયું છે, તે
રાગમાં હું–પણાથી જીવતત્ત્વ નથી પ્રકાશતું, તેમાં તો અજ્ઞાન અને દુઃખ પ્રકાશે છે. રાગના વેદનમાં
જીવના સ્વભાવનું (–સુખનું) વેદન નથી, માટે તે જીવનો સ્વભાવ નથી. ચૈતન્યસ્વભાવના વેદનમાં જ
જીવના સ્વભાવનું વેદન છે, માટે તે જ જીવનો સ્વભાવ છે. આ રીતે ચેતનાગુણવડે પરમાર્થરૂપ જીવને
ઓળખવો.
કોઈની મદદ કે ટેકા વગર જ મોક્ષમાર્ગને સાધવાની ચેતનાની તાકાત છે
મોક્ષમાર્ગમાં રાગની કંઈ મદદ ખરી? જરાક ટેકો ખરો? તો કહે છે કે: અરે ભાઈ! મોક્ષમાર્ગ તો
શુદ્ધચેતનાસ્વરૂપ છે, અને તે ચેતના તો રાગનો નાશ કરનારી છે. જે જેનો નાશ કરનાર હોય તેને તે
મદદ કરનાર કેમ હોય?–માટે મોક્ષમાર્ગને રાગની મદદ કે ટેકો નથી. જ્યાં રાગની પણ મદદ કે ટેકો
નથી, ત્યાં દેહની ક્રિયાની કે બીજા પરદ્રવ્યની મદદ કે ટેકો ક્્યાંથી હોય? બધાથી સ્વતંત્રપણે (કોઈના
પણ ટેકા કે મદદ વગર) એકલી ચેતનામાં જ મોક્ષમાર્ગ સમાય છે. ચેતનાથી બહારના કોઈ પણ
ભાવમાં મોક્ષમાર્ગ નથી. સમ્યક્શ્રદ્ધા, સમ્યક્ચારિત્ર વગેરે બધા નિર્મળ ભાવો તો ચેતનામાં જ અંતર્ગત
છે, તે ચેતનાથી બહાર નથી. નિર્મળ ભાવોને પોતામાં સમાવી દેવાની, ને વિભાવોને પોતામાંથી બહાર
કાઢી નાંખવાની ચેતનાની તાકાત છે.
ચૈતન્યસ્વરૂપને પ્રાપ્ત કરવાનો અધિકાર ભેદજ્ઞાની જીવોને જ છે
ચેતનાગુણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે; એટલે કે ધર્મીજીવને ભેદજ્ઞાનમાં
એમ ભાન થયું છે કે જ્ઞાયક છે તે જ હું છું, બીજા કોઈ ભાવો તે હું નથી. આ રીતે ભેદજ્ઞાનવડે
ધર્માત્માએ પોતાનું સર્વસ્વ પ્રાપ્ત કરી લીધું છે, માટે કહ્યું કે ચેતનાએ પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને
સોંપી દીધું છે. ચેતનાએ પોતાનું કંઈપણ રાગને નથી સોપ્યું, પણ ભેદજ્ઞાનને પોતાનું સર્વસ્વ સોંપી દીધું
છે. ભેદજ્ઞાનીને સ્વસંવેદનમાં આખો આત્મા આવી ગયો છે. ચૈતન્યસ્વરૂપ ઉપર દ્રષ્ટિ પડતાં ‘આ
આનંદકંદ ચૈતન્ય જ મારું સર્વસ્વ છે’ એમ ધર્માત્માએ જાણી લીધું છે. અંતરમાં ભેદજ્ઞાન સિવાય
બીજાને આ ખબર પડે તેમ નથી. ચૈતન્યસ્વરૂપને પ્રાપ્ત કરવાનો અધિકાર ભેદજ્ઞાનીને જ છે. આ
ગાથાનો ભાવ બહુ અપૂર્વ છે. ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ પાસેથી આવેલ તે દિવ્ય ધ્વનિ છે,
પરંપરાએ આવેલા આગમમાં ભગવાનની આવેલી દિવ્યધ્વનિ છે. કુંદકુંદાચાર્યદેવે તેની અદ્ભુત રચના
કરી છે...ને અમૃતચંદ્રાચાર્યદેવે ટીકામાં તેના અદ્ભુત ગંભીર ભાવો ખોલ્યાં છે.
ચેતના અતીન્દ્રિય આનંદના અનુભવથી તૃપ્ત–તૃપ્ત વર્તે છે
કેવો છે આ ચેતનાગુણ? કે પોતાનુ સર્વસ્વ એટલે કે આખો આત્મા તેણે ભેદજ્ઞાની જીવોને
સોંપી દીધો છે, અર્થાત્ ચેતનાલક્ષણવડે આખો આત્મા રાગથી ભિન્ન લક્ષિત થાય છે અને તે ચેતના
અંતર્મુખ થઈને આત્માના અતીન્દ્રિય સુખના સંવેદનથી તુપ્ત–તૃપ્ત વર્તે છે ચેતનાપર્યાય અંતર્મુખ થઈ
તેની આ વાત છે. અંતર્મુખ થયેલી ચેતનાપરિણતિમાં અભેદપણે આખો આત્મા આવી ગયો છે, ને
આત્મા સાથે અભેદપણાને લીધે આનંદના અનુભવથી તે તુપ્ત–તુપ્ત થઈ ગઈ છે...હવે તે ચેતના
નિજસ્વરૂપથી જરાપણ ચલાયમાન થતી નથી, સ્વરૂપમાં જ નિશ્ચળ રહે છે. આ ચેતનાનો વિકાસ થતાં
સમસ્ત લોકાલોકને તે એકસાથે કોળિયો કરી લ્યે એવી તેની તાકાત છે, અર્થાત્ ચેતના પોતાના
કેવળજ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોકને એક સાથે જાણી લ્યે એવી તેની તાકાત છે.
–આવા ચેતનાસ્વરૂપ ભગવાન આત્માને જે ઓળખે તે જીવ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પામીને,
પોતાના સ્વરૂપસુખમાં જ તૃપ્ત વર્તતો થકો મોક્ષદશા પામે છે, માટે હે જીવો! તમે આત્મામાં જ તેના
અનુભવનો અભ્યાસ કરો. (સમયસાર ગાથા ૪૯ ઉપરનાં પ્રવચનોમાંથી)