ફાગણ: ૨૪૮૬ : ૯ :
રાજકોટ શહેરમાં
પ્રવચનસાર ઉપરનાં
પ્રવચનોનો થોડોક નમૂનો
(રાજકોટ શહેરમાં પ્રવચનસાર ગા. ૧૭૨ ઉપરનાં પ્રવચનોમાંથી)
‘આત્માનું અસાધારણ ચિહ્ન શું છે, કે જેનાવડે આત્મા વાસ્તવિકરૂપે જણાય? ’–આમ જેને પ્રશ્ન
ઊઠ્યો છે તેને આચાર્યદેવ આત્માનું અસાધારણ ચિહ્ન ઓળખાવે છે.
જે આત્માને જાણ્યા વિના અનંત દુઃખ ભોગવ્યું અને જેને જાણવાથી અતીન્દ્રિય સુખનો
અનુભવ થાય, એવા આત્માને જાણવાની જેને ખરેખરી જિજ્ઞાસા જાગી છે તેને આચાર્યદેવ કહે છે કે
સાંભળ ભાઈ! ચૈતન્યલક્ષણવાળો તારો આત્મા છે તે કોઈ બાહ્મચિહ્નવડે જણાય તેવો નથી પણ તારી
ચેતનાને અંતર્મુખ કરતાં તે ચિહ્નવડે આત્મા અનુભવાય છે.
આત્માને સમસ્ત પરદ્રવ્યો અને પરભાવોથી જુદો જાણવા માટે તેની અસાધારણ ચેતના જ
સાધન છે, તેનાથી ભિન્ન બીજું કોઈ સાધન નથી. જેમ શરીરના અંતભૂત એવી આંગળીવડે આખા
શરીરના સ્પર્શનો ખ્યાલ આવે છે, પણ નખવડે કે લાકડાવડે તેના સ્પર્શનો ખ્યાલ આવતો નથી કેમકે
તે તેનો અવયવ નથી. તેમ ચૈતન્યશરીરી આત્માના સ્વરૂપનો ખ્યાલ તેના અવયવરૂપ એવા
મતિશ્રુતજ્ઞાનવડે આવે છે, પરંતુ નખ જેવા રાગદ્વેષવડે કે લાકડા જેવી ઈંદ્રિયોવડે આત્માના સ્વરૂપનો
ખ્યાલ આવતો નથી કેમકે તે તેના અવયવરૂપ નથી.
જેમ લાકડું જડ છે તેમ શરીરની ક્રિયાઓ પણ જડ છે; અને જેમ નખ તે શરીરનો ભાગ નથી
પણ વધારાની ઉપાધિ છે, તેમ રાગાદિ ભાવો તે ચૈતન્યના સ્વભાવનો ભાગ નથી પણ બહારની
ઉપાધિ છે. ચૈતન્યમૂર્તિ આત્મામાં તે જડની ક્રિયાનો કે રાગનો પ્રવેશ નથી; એટલે તેમનાવડે
ચૈતન્યસ્વરૂપ આત્માની ઓળખાણ કે ધર્મ થાય નહીં.
ચૈતન્યની ચેતના તે જાગૃતસ્વરૂપ છે એટલે કે તે સ્વપરને જાણનારી છે; અને પુણ્ય–પાપ તો
અજાગૃત છે, તે સ્વને કે પરને જાણતાં નથી. આ રીતે ચેતનાને અને પુણ્ય–પાપ ભિનેન્નપણું છે. માટે
પુણ્ય–પાપને આત્માના સ્વરૂપમાંથી બાદ કરીને, માત્ર શુદ્ધ ચેતનારૂપે આત્મસ્વરૂપને લક્ષિત કરવું.–આ
આત્માને જાણવાની રીત છે.
જુઓ ભાઈ, આત્માને જાણવાની આ રીત સાંભળતાં પણ અંદર ચૈતન્યનો ઉત્સાહ આવવો
જોઈએ. અનંત કાળના પરિભ્રમણના દુઃખથી છૂટીને ચૈતન્ય ઘરમાં આવીને આનંદનો અનુભવ
કરવાની આ વાત છે, તે અવસરે આત્માર્થીને ઉલ્લાસ આવે છે.