Atmadharma magazine - Ank 197
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 19

background image
: ૧૦: આત્મધર્મ: ૧૯૭
જેમ આખા દિવસની મજૂરીથી થાકીને સાંજે ઘરભણી આવતાં બળદને એવો ઉત્સાહ હોય છે કે
દોડતા દોડતા આવે છે. ખેતરમાં જતી વખતે તો ધીમે ધીમે જાય પણ સાંજે ઘેર આવતી વખતે તો
દોડતો આવે, કેમ કે તેને ખબર છે કે હવે મજૂરીથી છૂટીને ઘરે શાંતિથી ઘાસ ખાવાનું છે. તેમ
અનંતકાળના ભવભ્રમણથી થાકીને હવે સ્વભાવ સમજવાનો અવસર આવતાં આત્માર્થીને એવો
ઉત્સાહ હોય છે કે અંતરમાં તેનો પુરુષાર્થ ઉલ્લસે છે–પરિણતિ દોડતી દોડતી સ્વ–ઘર તરફ વળે છે.
સંસારભ્રમણ વખતે તો પુરુષાર્થ હણાઈ ગયો હતો પણ સ્વભાવને સાધવાનો અવસર આવતાં
આત્માર્થીનો પુરુષાર્થ વેગપૂર્વક અંતરમાં વળે છે; કેમ કે તેને ખબર છે કે હવે અનંતકાળના
ભવભ્રમણના દુઃખથી છૂટીને સ્વભાવના પરમ આનંદનો શાંતિથી અનુભવ કરવાનો છે.–આ રીતે
પોતાના સ્વભાવકાર્યને સાધવા માટે અંતરમાં ઉત્સાહ આવવો જોઈએ.
આત્મસ્વભાવને સાધવા માટે જેના અંતરમાં આવો ઉત્સાહ જાગ્યો છે, તેની જ જેને લગની
લાગી છે, અને શ્રીગુરુ પાસે આવીને વિનયથી તેનો ઉપાય પૂછે છે, તેને અનુગ્રહપૂર્વક શ્રી આચાર્યદેવ
વીશ બોલથી વિધવિધ પ્રકારે અલૌકિક રીતે આત્માનું સ્વરૂપ સમજાવે છે.
દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તેને દેહ જ નથી તો ઈંદ્રિયો ક્્યાંથી હોય? આત્મા
અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે, તે ઈન્દ્રિયોવડે જાણતો નથી. પાંચ ઈન્દ્રિયોરૂપ જે લિંગ તેના વડે પદાર્થોનું
ગ્રહણ એટલે કે જાણવું જેને થતું નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્માને અલિંગગ્રહણ કહેતાં
અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપે તે લક્ષમાં આવે છે.
આત્માની ચેતના ઈંદ્રિયોને આશ્રિત નથી પણ સ્વદ્રવ્યને આશ્રિત છે. રાગનો કે ઈન્દ્રિયોનો
આશ્રય કરીને જાણે એવું ચેતનાનું સ્વરૂપ નથી, પણ ઈંદ્રિયોથી ને રાગની ભિન્ન રહીને અતીન્દ્રિયપણે
જાણે એવું ચેતનાનું સ્વરૂપ છે. આવી અતીન્દ્રિયચેતનાસ્વરૂપ આત્મા છે, તેને જ અહીં ‘અલિંગગ્રહણ’
કહીને ઓળખાવ્યો છે.
ઈન્દ્રિયો જડસ્વરૂપ છે, આત્મા ચેતનસ્વરૂપ છે. ઈંદ્રિયો તો આત્મા નથી, ને ઈંદ્રિયોના સંબંધથી
ઓળખાય તે પણ આત્મા નથી. ઈન્દ્રિયોના સંબંધ વગરનો અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ આત્મા છે.
જેમ જડ તે ચેતનથી વિરુદ્ધ છે, તેમ ઈંદ્રિયો અતીન્દ્રિય આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળી છે. તેના
વડે આત્માને ઓળખાવવો કે ઈન્દ્રિયોવાળો આત્મા, ઈન્દ્રિયોવડે જાણનારો આત્મા ‘–તો તે આત્માની
વાસ્તવિક ઓળખાણ નથી. અને આત્માની વાસ્તવિક ઓળખાણ વગર સર્વજ્ઞની કે સંતોની પણ સાચી
ઓળખાણ કે સ્તુતિ થતી નથી.
સમયસાર ગાથા ૩૧માં સર્વજ્ઞભગવાનની પરમાર્થસ્તુતિનું સ્વરૂપ સમજાવતાં કુંદાકુંદાચાર્યદેવ
કહે છે કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, અને તેમના વિષયભૂત બાહ્ય પદાર્થો–એ ત્રણેથી ભિન્ન અતીન્દ્રિય
જ્ઞાનસ્વરૂપ પોતાના આત્માને જાણવો તે સર્વજ્ઞ ભગવાનની નિશ્ચયસ્તુતિ છે. આ રીતે સ્વસન્મુખ
થઈને આત્માની સાચી ઓળખાણ કરવાથી જ સર્વજ્ઞની અને સંતજ્ઞાનીઓની સાચી ઓળખાણ થાય
છે, ને એવી ઓળખાણ થાય ત્યારે જ તેમની સાચી સ્તુતિ હોય છે. ઓળખ્યા વગર સ્તુતિ કોની?
‘ઈન્દ્રિયોવડે જાણે તે આત્મા’–તો કહે છે કે ના; આત્મા તો સર્વજ્ઞસ્વભાવી છે. ‘ઈન્દ્રિયોવડે
જાણે તે આત્મા’ એમ માનતાં તેના સર્વજ્ઞસ્વભાવનો અપવાદ થાય છે. તેમજ તેમાં સર્વજ્ઞનો પણ
અપવાદ થાય છે. સર્વજ્ઞનું જ્ઞાન અતીન્દ્રિય છે, તેને ઈન્દ્રિયનું અવલંબન જરા પણ નથી. આવા
અતીન્દ્રિયસ્વરૂપે આત્માને લક્ષમાં લેવો તે જ સર્વજ્ઞની ખરી સ્તુતિ છે. અતીન્દ્રિય આત્માને ઈંદ્રિયવડે
જાણનાર માનવો તેમાં સર્વજ્ઞની સ્તુતિ નથી પણ સર્વજ્ઞનો અપવાદ છે.