Atmadharma magazine - Ank 198
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૧૬: આત્મધર્મ: ૧૯૮
જીવ અટકે તો તેને પણ કાંઈ શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી. બંને પ્રકારના વિકલ્પોથી જુદો
પડીને, જ્ઞાનને જ્યારે અંતર્મુખ કરે ત્યારે જ શુદ્ધાત્માનો સાક્ષાત્કાર થાય છે.
૩. જુઓ, આમાં શું કહ્યું? આચાર્યદેવે આમાં ઘણું સરસ રહસ્ય ભર્યું છે. સ્વભાવનું અવલંબન
લઈને આત્માની શુદ્ધતાનો અનુભવ કરે ત્યારે સાધકપણું અને કૃતકૃત્યતા થાય છે. જ્યાં સુધી આવું
સ્વભાવનું અવલંબન ન લ્યે, ને વ્યવહારનું કે વિકલ્પોનું અવલંબન લઈને અટકે ત્યાં સુધી જીવને
સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી.
૪. નિશ્ચયમાં આરૂઢ ન થયો અને વ્યવહારરૂપ વિકલ્પો કરવામાં અટક્યો,–તો ‘તેથી શું?’–
આમ કહીને આચાર્યદેવ તે વ્યવહાર–વિકલ્પોને મોક્ષ માર્ગમાંથી બહાર કાઢી નાંખે છે. ભાઈ, એ
વિકલ્પોના અવલંબનમાં ક્્યાંય મોક્ષમાર્ગ નથી; માટે તેનું અવલંબન છોડ, તેનાથી જુદો થા, ને
જ્ઞાનસ્વભાવમાં તારા ઉપયોગને જોડ. અંતર્મુખ થઈને અતીન્દ્રિય આનંદરસના ઘૂટડાં પી.
પ. દેહમાં રહેલો દરેક આત્મા ભિન્નભિન્ન, પોતાના શાંતિ સ્વભાવથી ભરેલો છે; તે અજ્ઞાનથી
પોતાની શાંતિ બહારમાં માનીને પરનો કર્તા થાય છે; બહારમાં જે શાંતિ શોધે છે તે પોતે જ શાંતિથી
ભરેલો છે; પોતામાં જ પોતાની શાંતિ છે, તે શાંતિ કેમ શોધવી તેની આ વાત છે.
૬. અંતર્મુખ થઈને શોધતાં શાંતિ મળે છે, એ સિવાય બહારમાં તો શાંતિ નથી, ને અંતરના
વિકલ્પોમાં પણ શાંતિ નથી. ‘હું બંધાયેલો છું’ એવા વિકલ્પના શાંતિ નથી; ‘હું અબંધ છું’ એવી
વિકલ્પમાંય શાંતિ નથી. અબંધપણાના વિચાર કર્યા કરવાથી શાંતિ ન મળે પણ અબંધભાવે
પરિણમવાથી શાંતિ મળે છે.
૭. આવી શાંતિ કોણ શોધે? ચારે ગતિના જન્મમરણથી જે થાક્્યો હોય, ચારે ગતિના ફેરા જેને
ટાળવા હોય, જે આત્માનો શોધક હોય, તે જીવ અંતર્મુખ થઈને શાંતિને શોધે. સંસારમાં જેને મજા
લાગતી હોય, ને દુઃખ જ ન ભાસતું હોય, તે તેનાથી છૂટવાનો ઉપાય કેમ કરે?
૮. ભાઈ, બહારમાં વલણ જાય તે જ દુઃખ છે, પછી અશુભવૃત્તિ હો કે શુભવૃત્તિ હો, બંનેમાં
દુઃખ જ છે. ચિદાનંદતત્ત્વ નિર્વિકલ્પ છે તેની પ્રાપ્તિ વિકલ્પવડે કેમ થાય? વિકલ્પવડે ચૈતન્યતત્ત્વને
સ્પર્શાતું નથી. ચૈતન્યસત્તાને વિકલ્પનું શરણ નથી. જ્ઞાની વિકલ્પનું શરણું લેતા નથી.
૯. જે જીવ વિકલ્પનું શરણ માને છે તે જીવ તે વિકલ્પનો જ કર્તા થઈને રોકાઈ જાય છે, એટલે
નિર્વિકલ્પ ચૈતન્યની શાંતિનું તેને વેદન થતું નથી. વિકલ્પનું શરણું માને છે તે વિકલ્પથી આઘો ખસતો
નથી, વિકલ્પને ઓળંગીને સ્વભાવમાં આવતો નથી; વિકલ્પમાં જ તેને શાંતિ લાગે છે એટલે વિકલ્પના
વેદનમાં જ તન્મય થઈને તેના કર્તૃત્વમાં રોકાય છે, એટલે ચૈતન્ય ઘન નિર્વિકલ્પ આત્માનું સમ્યગ્દર્શન
તેને થતું નથી.
૧૦. “હું જ્ઞાનસ્વભાવ જ છું” એમ પોતાના જ્ઞાનમાં દ્રઢપણે નિર્ણય કરે, અને અંતરના સૂક્ષ્મ
વિકલ્પમાં પણ અશાંતિ ભાસે એટલે તે વિકલ્પને પોતાના જ્ઞાનથી ભિન્ન જાણે, તે જીવ વિકલ્પને
ઓળંગીને ચૈતન્યસ્વભાવમાં પ્રવેશે છે, ને તેને ભગવાન આત્માનું સમ્યક્દર્શન થાય છે, તેનું નામ
આત્માની પ્રસિદ્ધિ છે, તે જ પ્રથમ ધર્મ છે, તે જ મોક્ષનું દ્વાર છે.
૧૧. જેમ વિકલ્પમાં શાંતિ માનીને તેના કર્તૃત્વમાં અટકનાર તેનાથી આઘો ખસીને
આત્મશાંતિને પામતો નથી, તેમ જે જીવ પરમાં શાંતિ માને છે ને પરનું કર્તૃત્વ માને છે તે જીવ પરથી
પરાંગ્મુખ થતો નથી ને આત્મશાંતિ પામતો નથી. ચૈતન્યસ્વભાવી આત્મા પરથી ભિન્ન અને વિકલ્પથી
પણ ભિન્ન છે એટલે તેને પરનું કે વિકલ્પનું કર્તૃત્વ