: ૬: આત્મધર્મ: ૧૯૮
આપો. હે તાત! જિનશાસનના પ્રતાપે સિદ્ધપદને સાધવાનો જે અંતરનો માર્ગ તે અમે જોયો છે, તે
અંતરના જોયેલા માર્ગે હવે અમે જશું. આમ કહીને, જેમના રોમે રોમે–પ્રદેશે પ્રદેશે વૈરાગ્યની ધારા
ઉલ્લાસી છે. એવા....તે બંને રાજકુમારો મુનિદીક્ષા લેવા માટે રામચંદ્રજીને નમન કરીને વનમાં ચાલ્યા
જાય છે.
વાહ, એ રાજકુમારોની દશા! આજ તો આ પાવાગઢ ઉપર નજર પડી ત્યારથી તેમનું જીવન
નજરે તરવરે છે....ને એમના જ વિચાર ઘોળાય છે. અહા, ધન્ય એમની મુનિદશા! ધન્ય એમનો
વૈરાગ્ય! ને ધન્ય એમનું જીવન! જન્મીને પોતાનો અવતાર તેમણે સફળ કર્યો.
અંતરમાં આત્મભાન કર્યું ત્યારથી જ બંનેએ અંતરમાં ચૈતન્યની મુક્તિનો માર્ગ નીહાળ્યો હતો....આ
સંસારમાં ક્્યાંય સુખ નથી, અમારું સુખ ને અમારી મુક્તિનો માર્ગ અમારા અંતરમાં જ છે,–આવું ભાન તો
પહેલેથી હતું...તેઓ હવે જોયેલા માર્ગે ચૈતન્યના આનંદને સાધવા માટે અંતરમાં વળ્યા. જુઓ, એમ ને એમ
આંધળિયા (માર્ગ જાણ્યા વગર) દીક્ષા કે સાધુપણું માની લ્યે–એની આ વાત નથી; આ તો નિઃશંકપણે
અંતરમાં જોયેલા–જાણેલા ને અનુભવેલા માર્ગે મુક્તિપદ સાધવા માટે જેનું પ્રયાણ છે–એવી મુનિદશાની વાત
છે. બંને કુમારોને દીક્ષા લેતાં પહેલાં વિશ્વાસ છે કે અમારા ચૈતન્યપદમાં દ્રષ્ટિ કરીને અમારી મુક્તિનો માર્ગ
અમે નીહાળ્યો છે, તે ચૈતન્યપદમાં ઊંડા ઊતરીને–તેમાં લીન થઈને અમે આ ભવમાં જ અમારા મોક્ષપદને
સાધશું. અમારો માર્ગ અપ્રતિહત છે, તે માર્ગમાં અમને શંકા નથી, તેમજ અમે પાછા ફરવાના નથી,
અપ્રતિહતભાવે અંર્તસ્વરૂપમાં વળ્યા ને વળ્યા...હવે મોક્ષપદ લીધે જ છૂટકો.
–આવા ભાવથી મુનિ થઈને તે બંને મુનિવરો વનજંગલમાં વિચરે છે ને આત્મધ્યાનમાં
અતીન્દ્રિય આનંદનો અનુભવ કરતાં કરતાં કેવળજ્ઞાન સાથે કેલિ કરે છે.
ધન્ય લવ–કુશ મુનિ આતમહિતમેં છોડાસબ સંસાર
––કિ તુમને છોડા સબ સંસાર......
બળદેવ છોડા, વૈભવ સબ છોડા, જાના જગત અસાર
–કિ તુમને જાના જગત અસાર
–આવા તે લવ–કુશ મુનિવરો વિચરતાં વિચરતાં આ પાવાગઢ ક્ષેત્રે પધાર્યા... “અહા! જાણે
અત્યારે જ અહીં મુનિવરો વિચરતા હોય!” એવા ભાવથી ગુરુદેવ કહે છે: જુઓ, લવ–કુશ મુનિવરો
આ પાવાગઢ ક્ષેત્રે પધાર્યા...ને આ પર્વત ઉપર ધ્યાન કર્યું...ધ્યાન કરતાં કરતાં ચૈતન્યરસમાં એવા લીન
થયા કે ક્ષપકશ્રેણી માંડી...એમ કરતાં કરતાં શું થયું? ... કે–
ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ ‘અહીં’
ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો;
સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા,
કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો.....
આ પાવાગઢ પર્વત ઉપર ચૈતન્યનું ધ્યાન કરતાં કરતાં એ બંને મુનિવરો કેવળજ્ઞાન પામ્યા...
કૃત્યકૃત્ય પરમાત્મા થયા....
(તે પરમાત્માને અમારા નમસ્કાર હો.)
કેવળજ્ઞાન થયા પછી અલ્પકાળે અહીંથી જ તેઓ મોક્ષ પામ્યા....તેમનું આ સિદ્ધિધામ તીર્થ
છે....કાલે તેની જાત્રા કરવાની છે. આપણે તો હજી ઠેઠ દક્ષિણમાં બાહુબલી ભગવાનની જાત્રા કરવા
જવાનું છે......તેમાં વચ્ચે આવા અનેક તીર્થો પણ આવશે. આ તો હજી પહેલવહેલુ્રં મૂરત છે.
મણિ–રત્નની પૂતળી જેવા રાજકુમારોએ વૈરાગ્ય પામીને મુનિદીક્ષા લીધી, ને ‘પવિત્રધામ’માં
જઈને...કયું પવિત્ર ધામ?–નિર્મળ ચૈતન્યસ્વભાવરૂપ પવિત્ર ધામ; તેમા જઈને.....અંતરમાં ઊંડા ઉતરીને,
એકાંત–એકાંત શાંતધામમાં તેમણે ચૈતન્યની પરમાત્મદશાને આ પાવાગઢ ક્ષેત્રમાં સાધી છે; તે ઉપરાંત
લાટદેશના નરેન્દ્ર અને પ, ૦૦, ૦૦૦૦૦ (પાંચ કરોડ) મુનિવરો અહીંથી અપૂર્વ સિદ્ધપદ પામ્યા છે.