Atmadharma magazine - Ank 200
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 33

background image
____________________________________________________________________________
જન્મધામ ઉમરાળા–નગરીમાં ઉજવાયેલ
પૂ. ગુરુદેવનો ૭૧ મો ભવ્ય–જન્મોત્સવ
*
હર્ષ–ઉલ્લાસ અને વિવિધ–ભક્તિથી
ગુંજેલું ઉમરાળાનું વાતાવરણ

વૈશાખ સુદ બીજ એ પૂ. ગુરુદેવનો મંગલ જન્મ–દિવસ છે, ને ઉમરાળા તે પૂ. ગુરુદેવનું પાવન
જન્મધામ છે. આ વૈશાખ સુદ બીજે પૂ. ગુરુદેવની ૭૧મી જન્મજયંતિનો ઉત્સવ જન્મધામ ઉમરાળા
નગરીમાં જ ઉજવવાનું સૌભાગ્ય ભક્તોને પ્રાપ્ત થયું.....વૈશાખ સુદ ૧–૨–૩ એ ત્રણે દિવસ ભવ્ય
મહોત્સવ ઉજવાયો. આ ત્રણ દિવસ પૂ. ગુરુદેવ ઉમરાળા પધાર્યા હતા.
વૈશાખ સુદ એકમની સવારે પૂ. ગુરુદેવ સોનગઢથી ઉમરાળા પધારતાં ત્યાં ભાવભીનું ભવ્ય
સ્વાગત થયું. સ્વાગત બાદ ગુરુદેવે પોતાના જન્મધામમાં બિરાજમાન શ્રી સીમંધર ભગવાનને સોના–
ચાંદીના પુષ્પ સહિત અર્ઘ ચડાવ્યો. બપોરના પ્રવચન બાદ અજમેરની ભજનમંડળીદ્વારા ભક્તિનો
કાર્યક્રમ હતો. રાત્રે જન્મધામમાં ભક્તિ થઈ હતી. આ ભક્તિ જોવા માટે બેસુમાર ભીડ થઈ હતી,
અનેક માણસો ખોરડા ઉપર અને વંડી ઉપર ચડી ચડીને ભક્તિ જોતા હતા. ૭૧ દિપકોના શણગારથી
જન્મધામ શોભતું હતું. પૂ. બેનશ્રી બેને પણ ઉમંગભરી વધાઈ ગવડાવી હતી.
વૈશાખ સુદ બીજ: સવારમાં ૭૧ ઘંટાનાદ, શરણાઈ અને વાજાંથી વાતાવરણ ગૂંજી ઊઠયું.....
૭૧મા જન્મોત્સવની મંગલ વધાઈ લઈને ભક્તજનો આવી પહોંચ્યા.......ગુરુદેવના જન્મોત્સવની
મંગલવધાઈથી બધાય ભક્તોના હૈયા હર્ષ વિભોર હતા.....જન્મધામમાં જન્મવધાઈ નિમિત્તે ગુરુદેવના
ચરણે સેંકડો ભક્તોએ શ્રીફળ મૂકીને આનંદ વ્યક્ત કર્યો. જન્મવધાઈનાં ગીતો દ્વારા ગુણ–પુષ્પોની
માળા ગુંથાણી. ત્યારબાદ જન્મસ્થાને પૂ. બેનશ્રીબેને પ્રદક્ષિણા કરતાં કરતાં ઉલ્લાસકારી ભક્તિ કરી.
ભક્તિ બાદ જન્મગૃહમાં બિરાજમાન સીમંધર ભગવાનનું પૂજન થયું; ત્યારબાદ જિનેન્દ્રદેવની ભવ્ય
રથયાત્રા નીકળી, રથયાત્રામાં અજમેરની ભજન મંડળીનું વિશેષ આકર્ષણ હતું. ધામધૂમવાળી રથ–
યાત્રામાં ઠેરઠેર ભક્તોની મંડળી નાચી ઊઠતી હતી. રથયાત્રા દરબારી ઉતારે આવેલ, ત્યાં પૂજનભક્તિ
બાદ સૌ મંડપમાં આવ્યા અને ત્યાં ૭૧મા જન્મોત્સવ નિમિત્તે ખુશાલી વ્યક્ત કરતાં વિદ્વાન ભાઈ શ્રી
હિંમતલાલભાઈએ ભક્તિભર્યું ભાષણ કર્યું. ત્યારબાદ ૭૧મા જન્મોત્સવની ખુશાલી નિમિત્તે અનેક
ભક્તોએ ૭૧ રૂા. ના મેળવાળી રકમો જાહેર કરી....આ પ્રસંગે મુંબઈથી શેઠ શ્રી મોહનલાલ કાળીદાસ
જસાણીએ ગુરુદેવ પ્રત્યે પોતાની ભક્તિ વ્યક્ત કરતાં રૂા. ૨પ૦૦ કોઈ પુસ્તક છપાવવા માટે દિ. જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢને અર્પણ કર્યા હતા. આ ઉપરાંત દેશવિદેશથી આવેલા ૭૧ જેટલા
અભિનન્દન સન્દેશ તથા તાર વાંચવામાં આવ્યા હતા. જન્મોત્સવમાં ભાગ લેવા બહારગામના પ૦૦
જેટલા મહેમાનો આવ્યા હતા.......તે ઉપરાંત ગ્રામ્યજનતા મોટી સંખ્યામાં ભાગ લેતી હતી. ઉમરાળા
પાંચેક હજારની વસતીવાળું ધૂળીયું ગામ છે, ધોળાસ્ટેશનથી ચારેક માઈલ દૂર છે; કાળુભાર નદી સ્વચ્છ
જળથી ગામની શોભા વધારે છે...જન્મોત્સવ વખતે નદીકિનારે પણ જાણે મેળો ભરાયો હોય, એવો
દેખાવ લાગતો.