Atmadharma magazine - Ank 200
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 33

background image
જન્મોત્સવ દિવસે ગુરુદેવ જન્મધામમાં ભોજન કરતા હતા તે વખતે ૬૦ વર્ષ પહેલાંના એ
દ્રશ્યો યાદ કરતા હતા કે જ્યારે આ સ્થાને માતા ઉજમબા પોતાના પુત્રને લાડપૂર્વક જમાડતા હશે.
ગુરુદેવના ભોજન વખતે બેનશ્રીબેને અતિ વાત્સલ્ય ભરેલા ગીતદ્વારા ભક્તિની ઊર્મિઓ વ્યક્ત કરી
હતી; તે વખતે; માતા ઉજમબા કહાનકુંવરને કેવી રીતે રમાડતા–જમાડતા હશે, શું જમાડતા હશે,
કહાનકુંવર આ સ્થાને કેવી પા–પા પગલી માંડતા હશે ને કેવું બોલતા હશે–એ બધું જાણે કે તાદ્રશ થતું
હતું. ગુરુદેવના મનમાં પણ પોતાના માતાની અને બાલપણની સ્મૃતિઓ તરવતરી હતી.–ભક્તિના આ
પ્રસંગથી સૌને આનંદ થયો હતો.
બપોરે પ્રવચન બાદ અજમેરની ભજનમંડળીએ ભક્તિ કરી હતી...જન્મવધાઈ લઈને ભક્ત
ઉજમબા પાસે આવેે છે ને ભેટ ધરીને ખુશાલી વ્યક્ત કરે છે, અભિષેક માટે કાળુભારનું પાણી લાવે છે,
નૃત્ય કરે છે,–ઈત્યાદિ દ્રશ્યો વડે સુંદર ભક્તિ થઈ હતી.
ત્રણ દિવસમાં ભક્તિનો સૌથી ઉત્કૃષ્ટ પ્રસંગ તો બીજની સાંજે બન્યો...આરતિ પછી
જન્મધામના સ્વસ્તિકની આસપાસ પ્રદક્ષિણા કરતાં કરતાં બેનશ્રી–બેન બંનેએ હાવભાવપૂર્વક
આશ્ચર્યકારી ભક્તિ કરાવીને અદ્ભુત દ્રશ્યો ઉપસ્થિત કર્યા હતા...જેમાં ગુરુદેવનો જન્મ, ઉજમબા
ગોદમાં લઈને તેમને આશીર્વાદ આપે છે, પારણે પોઢાડે છે, ઓવારણા લ્યે છે, કહાનકુંવર નાની ડગલી
ભરે છે, ગોઠણભર ચાલે છે, માતા આશીર્વાદ આપે છે ઈત્યાદિ દ્રશ્યો દેખીને ભક્તોને અપાર હર્ષ થતો
હતો...એમાંય સર્વોત્તમ દ્રશ્ય હતું–માતા આશીર્વાદ આપે છે તેનું! શું આશીર્વાદ આપે છે? બેટા તું
આત્માનો રંગી થાજે...ને ધર્મનો પ્રભાવક થાજે...”–એમ માતા આશીર્વાદ આપે છે. આ પ્રસંગે હાથમાં
હાથ મિલાવીને ભક્તિ કરી રહેલા બંને બહેનોની અજોડ જોડીને જોતાં ભક્તિની ઉત્કૃષ્ટતા કેવી હોઈ
શકે તેનો ભાસ થતો હતો. અહા! માતાના આશીર્વાદનું સર્વોત્તમ દ્રશ્ય તો ભક્તો કદી નહિ ભૂલે.
માતાના આશીર્વાદ બાળક ઉપર વરસતા હોય,–એ વખતનું વાત્સલ્યઝરણું દર્શકોને પણ પાવન કરતું
હતું...અને ખરેખર માતાના વાત્સલ્યભર્યા આશીર્વાદ સુપુત્ર કહાનકુંવરે સફળ કર્યા છે–એ દેખીને
વિશેષ આનંદ થતો હતો. જીવનની કોઈ વિરલ–ક્ષણે જ જોવા મળે એવા એ વખતની ભક્તિનાં દ્રશ્યો
હતાં. અહીં તો એક આશીર્વાદનો જ પ્રસંગ સંક્ષેપમાં લખ્યો છે...બાકી એ વખતની ભક્તિમાં તો એવા
એવા ઘણાય રંગ–ઉમંગભર્યા દ્રશ્યો જોવાનું સદ્ભાગ્ય સાંપડયું હતું.
રાત્રે મંડપમાં ભક્તિ થઈ હતી, તેમાં કહાનજન્મ વધાઈ, ગોદી લે...લે...વગેરે દ્રશ્યો ઉપરાંત
સર્પનૃત્ય થયું હતું...
ગુરુદેવ ઉમરાળાનું અને જન્મધામનું પ્રસન્નતાથી અવલોકન કરતા હતા...ને ત્યાંની વસ્તુઓ
જોઈને બાળપણના સંસ્મરણો યાદ કરતા હતા...બે વર્ષના બાળપણથી માંડીને અનેક પ્રસંગો તેઓ
કહેતા...ગુરુદેવના શ્રીમુખેથી તેમના બાળપણની વાર્તા સાંભળીને આનંદ થતો હતો...
ગામના તેમજ બહારગામના સેંકડો બાળકો હોંસેહોંસે ગુરુદેવના દર્શન કરવા આવતા...ગુરુદેવ
પ્રસન્નતાપૂર્વક દરેક બાળકને જૈનબાળપોથી અને આત્મસિદ્ધિ–એ બે પુસ્તકો ભેટ આપતા...એ રીતે
ગુરુદેવના જન્મધામમાં, ગુરુદેવના જન્મદિવસે અને ગુરુદેવના જ સુહસ્તે ‘બેસતા વર્ષની બોણી’
મળતાં બાળકો ખૂબ રાજી થતા.–અને, જ્ઞાનપ્રભાવના માટે મફત સાહિત્ય વેંચવાની ગુરુદેવને કેટલી
હોંસ છે–તે પણ દેખાઈ આવતું હતું.
ત્રીજને દિવસે સવારમાં પૂજન–પ્રવચન બાદ ગુરુદેવ પ્રત્યે સ્તુતિરૂપ એક માનપત્ર અપાયું હતું.
આજનું ભોજન ગુરુદેવે શેઠ કુંવરજીભાઈને ઘેર કર્યું હતું, તેથી તેમનું કુટુંબ આનંદથી નાચી ઊઠયું હતું.
બપોરના પ્રવચન પછી સુંદર ભક્તિ થઈ હતી...રાત્રે જન્મગૃહમાં ભક્તિ થઈ હતી. ભક્તોની બેસુમાર
ભીડ વચ્ચે સુંદર ભક્તિ થઈ હતી. આ રીતે જન્મધામમાં ત્રણ દિવસનો જન્મોત્સવ ઘણા આનંદથી
ઊજવાયો હતો...ને વૈશાખ સુદ ૪ના રોજ પૂ. ગુરુદેવ પૂન: સોનગઢ પધાર્યા હતા.