श्रीवीतरागाय नमः
नमः श्रीवर्द्धमानाय निद्धूतकलिलात्मने।
सलोकानां त्रिलोकानां यद्विद्या दर्पणायते।।१।।
પરમશ્રધ્ધેય, પરમાત્મતત્ત્વવેત્તા, સૌરાષ્ટ્રના સંત, આત્માર્થી નરપુંગવ,
શ્રીમત્ માનનીય પૂજ્ય શ્રી કાનજીસ્વામી
ના પુનિત કરકમલોમાં સાદરસમર્પિત
અભિનંદન પત્ર
પરમશ્રધ્ધેય,
સૌરાષ્ટ્રના આત્માર્થી સંતની અને તેઓશ્રીની અમૃતસમાન વાણી સુણવાની ઘણા
લાંબા સમયથી ગુજરાતના જૈન સમાજે જિજ્ઞાસા રાખેલી, તે અમારા સદ્ભાગ્યે આપની
પધરામણી થવાથી જેમ “ચકોરાણાં ચંદ્ર કુસુમસમયકાનાનૈ ભુવામ.” તે રીતે
સોનાસણના સાધર્મી ભાઈઓનાં હૃદય આજે આનંદસાગરમાં ઉછળી રહ્યાં છે.
,
જ્યાં જુઓ ત્યાં પરદ્રવ્યની કર્તાબુધ્ધિની અને રાગદ્વેષયુક્ત કષાયી પ્રવૃત્તિઓ ચાલી
રહી છે પરંતુ પંચમકાળમાં આપનો વીતરાગી ઉપદેશ મિથ્યાત્વનો નાશ કરી રહ્યો છે એટલું
જ નહિ પરંતુ નિમિત્ત આધીન દ્રષ્ટિમાંથી છોડાવી પરમાત્મા પ્રતિ દ્રષ્ટિ કરાવી રહ્યો છે.
આધ્યાત્મિક સંત,
સૌરાષ્ટ્રમાં જેમ દિગંબર સમર્થ ધરસેન આચાર્યવર તેમજ શ્રીમદ્ રાજચંદ્ર
આધ્યાત્મિક સંતો થઈ ગયા તેવી રીતે આ કાળે આપે પણ આખા સૌરાષ્ટ્રભરમાં
દિગંબર જૈન માર્ગની સ્થાપના કરી આખા સૌરાષ્ટ્રને દિગંબરત્વથી મઢી દીધું. ઉપાદાન,
નિમિત્ત, દ્રવ્ય ગુણપર્યાય, છ દ્રવ્ય, સાત તત્ત્વો, પંચાસ્તિકાય, ઉત્પાદ–વ્યય ધ્રૌવ્ય,
નિશ્ચય–વ્યવહાર વગેરેનું અને આગમ અને આધ્યાત્મિક શાસ્ત્રોનું દોહન કરી જગતના
જીવોના કલ્યાણઅર્થે આધ્યાત્મિક ધોધ વહેવરાવ્યો છે. વળી શ્રી ભગવાન કુંદકુંદાચાર્ય
આદિ મુનિવરોદ્વારા રચિત સમયસારાદિ ગ્રંથોનું અધ્યયન કરી તેનો ગુજરાતીમાં
અનુવાદ કરાવરાવી જિનશાસનને શોભાવ્યું છે.
જેમ ૧૦૦૮ ત્રિલોકનાથ ધર્મતીર્થનાયક તીર્થંકરદેવ ધર્મપિતાઓએ સમોસરણ દ્વારા
વિહાર કરી ઉપદેશ દ્વારા દુનિયાને મોક્ષનો સાચો રસ્તો બતાવ્યો હતો અને હજારો
ભવ્યજીવો બૂઝી પોતાનું આત્મકલ્યાણ કરી ગયા તેમ ભારતનો આખો દિ. જૈન સમાજ
આપની મધુર આધ્યાત્મિક વાણીથી વીતરાગ માર્ગ પ્રતિ વળી રહ્યો છે તેથી હે
સૌરાષ્ટ્રના સંત, આપને ધન્ય છે! ધન્ય છે.!
અંતમાં અમે અંતઃકરણપૂર્વક અમારા ભાવો ઉછળવાથી આપનું ભવ્ય સ્વાગત
ઉમળકાપૂર્વક કરી આ પુષ્પમાળ આપને અભિનંદનપત્રરૂપે સમર્પિત કરીએ છીએ અને
શ્રી આદિનાથ ભગવાનશ્રીને પ્રાર્થના કરીએ છીએ કે આપનું આયુષ્ય દીર્ઘાયું થાઓ
અને ભવ્યજીવોને ધર્મપ્રાપ્તિના લાભનું કારણ બનો.
તા. ૭–પ–પ૯ લિ. વિનયવંત
શ્રી સોનાસણ દિગમ્બર જૈન સમાજ
નવલ કુસુમ અર્પું હું, સૌરાષ્ટ્રના આધ્યાત્મિક સંત
ગુજરાત જૈન સંઘ ચાહે, આપો જ્ઞાન ગુણવંત