Atmadharma magazine - Ank 205
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 25

background image
કારતક : ૨૪૮૭ : ૧૭ :
તેમનું બહુમાન કરે છે તે વ્યવહારસ્તુતિ છે. મુનિઓ ક્ષણક્ષણમાં નિર્વિકલ્પ થઈને ચિદાનંદગોળાને છુટો
અનુભવે છે,–આવા અનુભવમાં ઝૂલતા મુનિઓને પણ છઠ્ઠે ગુણસ્થાને વિકલ્પ ઉઠતાં સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે
ભક્તિનો ઉલ્લાસ આવે છે. મોટા મોટા આચાર્યોએ પણ સિદ્ધભક્તિ વગેરેની રચના કરી છે. પોતાના ચૈતન્ય
પરમેશ્વરને અંતરના શ્રદ્ધાજ્ઞાનમાં સાથે ને સાથે રાખીને આ સ્તુતિ થાય છે.
હે ભગવાન સર્વજ્ઞ પરમાત્મા! રત્ન મણિઓની પ્રભાથી ચિત્ર–વિચિત્ર એવા દિવ્ય સિંહાસન ઉપર
અદ્ધર બિરાજમાન આપને જે દેખે છે તે ધન્ય છે. અંતરમાં તો સર્વજ્ઞસ્વભાવી પોતાના આત્માને દેખે છે અને
બહારમાં સર્વજ્ઞ પરમાત્માને દેખે છે તે ધન્ય છે. આહા! આવો ચૈતન્ય સ્વભાવ! આવો જ્ઞાયકબિંબ સ્વભાવ!
એમ ચિદાનંદસ્વભાવના બહુમાન પૂર્વક ભગવાનને જે દેખે છે તેને ધન્ય છે. સાક્ષાત્ જ્ઞાનમૂર્તિ ભગવાનને જે
દેખે છે, સ્તવે છે, જપે છે ને ધ્યાવે છે તે ધન્ય છે.
જગતના મોહી જીવો સ્ત્રીના રૂપ વગેરેને દેખે છે, તેની પ્રશંસા કરે છે, તેને જપે છે ને તેને ધ્યાવે છે–
તેમાં તો પાપનું બંધન છે, કડકડતું દુઃખ છે; પરંતુ રાગરહિત એવા હે વીતરાગી પરમાત્મા! આપને દેખતાં,
સ્તવતાં, જપતાં અને ધ્યાવતાં ચૈતન્યસ્વભાવનો મહિમા જાગે છે, તેમાં શાંતિ મળે છે, તેથી જે જીવ આપને
દેખે છે–ધ્યાવે છે તે ધન્ય છે. જુઓ, આમાં ભગવાનનું સ્વરૂપ લક્ષમાં લઈને, એટલે કે ભગવાન જેવા
આત્માના સ્વભાવને લક્ષમાં લઈને તેની સ્તુતિ થાય છે. જગતના મોટા મોટા ઈન્દ્રો–ચક્રવર્તીઓ પણ અંતરમાં
ચૈતન્યભગવાનને દેખે છે–ધ્યાવે છે ને બહારમાં સર્વજ્ઞ પરમાત્માને દેખે છે–ધ્યાવે છે.
કુંદકુંદ આચાર્ય અને અમૃતચંદ્ર આચાર્ય જેવા મહા સંતો પણ ભક્તિથી અર્હંતો અને સિદ્ધોને પોતાને
આંગણે બોલાવે છે કે હે ભગવંતો! સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક વીતરાગી ઉપશમભાવને હું અંગીકાર કરું છું,
મોક્ષલક્ષ્મીના સ્વયંવર સમાન જે આ વીતરાગી શાંત ઉપશમભાવરૂપ ચારિત્રનો અવસર છે તેમાં હે ભગવંતો
હું આપને પરમભક્તિથી યાદ કરીને આમંત્રું છું, નાથ! મારા આંગણે પધારો.
સંતોને આ સંસારમાં ભગવાન સર્વજ્ઞપરમાત્મા જ પ્રિયતમ છે, બીજું કાંઈ પ્રિય નથી. (‘પ્રિતમ’ એ
પ્રિયતમનો અપભ્રંશ છે.) સંત ધર્માત્માને પ્રિયતમ કાંઈ હોય તો, અંતરમાં તો પોતાનો ચિદાનંદસ્વભાવ છે
અને બહારમાં સર્વજ્ઞપરમાત્મા તેમને પ્રિયતમ છે. તેમને રાગની પ્રીતિ નથી, પુણ્યની કે પુણ્યના ફળની પ્રીતિ
નથી. ભગવાનની ભક્તિમાં ભલે પુણ્ય બંધાય છે પરંતુ ધર્મીને તે પુણ્યની કે તેના ફળની પ્રીતિ નથી; પ્રીતિ
તો એક ચિદાનંદસ્વભાવની અને તે સ્વભાવના પ્રતિબિંબસ્વરૂપ પરમાત્માની જ છે, એ જ એમની સૌથી પ્રિય
વસ્તુ છે; એટલે એવા પરમાત્મા પ્રત્યે ભક્તિનો ભાવ ઉલ્લસી જાય છે.
હે પરમાત્મા! જે જીવ ભક્તિથી પુષ્પવડે આપને પૂજે છે તે જીવ તેના ફળમાં સ્વર્ગમાં ઈન્દ્રાણીના
નેત્રરૂપી પુષ્પવડે પુજાય છે. જુઓ, આમાં એમ ન કહ્યું કે જે પુણ્યને પૂજે છે તે ઈન્દ્રાણીવડે પૂજાય છે, પરંતુ
એમ કહ્યું કે જે ભગવાનને પૂજે છે તે ઈન્દ્રાણીવડે પૂજાય છે; ભગવાનને પૂજનારો પુણ્યનો આદર ન કરે. જે
પુણ્યનો આદર કરે છે તે ઈન્દ્રાણીવડે નથી પુજાતો પરંતુ તે તો મિથ્યાત્વથી ઘેરાઈને સંસારમાં રખડે છે. હે
તરણતારણ જિનનાથ! અંતરમાં ચૈતન્યના ઉલ્લાસપૂર્વક આપના પ્રત્યે જેને ભક્તિનો ભાવ ઉલ્લસે છે તેને
એવા સાતિશય પુણ્ય બંધાઈ જાય છે કે તીર્થંકરપદ ગણધરપદ વગેરે પામીને તે જીવ ઈન્દ્રો વડે પણ પુજાય છે.
આરાધક ધર્માત્માના પુણ્ય પણ લોકોત્તર હોય છે. તેનાં વચનમાં જાણે કે અમૃત ઝરતું હોય! લોકો