Atmadharma magazine - Ank 205
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 25

background image
કારતક : ૨૪૮૭ : :
પાવાપુરીમાં મુક્તિનો મહોત્સવ
સિદ્ધાલયવાસી હે વીર પ્રભો! આપ તો આજે આ પાવાપુરીધામથી પરમ મંગલ એવા
મોક્ષપદને પામ્યા... અનાદિકાળના સંસારનો અંત લાવીને આપશ્રી અભૂતપૂર્વ સિદ્ધપદ
પામ્યા...અને...અનાદિઅનંતકાળમાં મોક્ષગામી જીવને માત્ર એક જ સમય જેની પ્રાપ્તિ થાય છે
એવા સ્વભાવઊર્ધ્વગમનવડે આપ સિદ્ધાલયમાં લોકાગ્રે પધાર્યા.
આપનાં પાવન ચરણોથી...ને આપના મોક્ષગમનથી પાવન થયેલી પાવાપુરી...આજે
પણ ભવ્ય જીવોને જાણે મોક્ષમાં બોલાવી રહી છે. એ પાવનભૂમિમાંથી આજે પણ મોક્ષના
રણકાર ગૂંજી રહ્યા છે કે હે જીવો! આત્માનું અંતિમ ધ્યેય અને પરમ ઈષ્ટ એવું સિદ્ધપદ
ભગવાન અહીંથી પામ્યા. પદ્મસરોવરના કમળ પણ જાણે ઊંચે આપના તરફ
નીહાળી...નીહાળીને સાક્ષી પૂરી રહ્યા છે કે ભગવાન, પાણીમાં કમળની જેમ વિભાવોથી અને
કર્મોથી અલિપ્ત હતા...એ અલિપ્ત ભગવાનના સંગથી અમે પણ અલિપ્ત થઈ ગયા.
હે ભગવાન! આપ સિદ્ધાલયમાં અનંત સિદ્ધભગવંતોની સાથે વસતા હોવા છતાં,
સાધક બાળકો અભેદભક્તિના બળે પોતાના હૃદયમાં આપને ઉતારીને પરમધ્યેયરૂપે ધ્યાવે
છે...ને એ ધ્યાન બળે આપના પુનિત પગલે ચાલ્યા આવે છે.
પાવાપુરી! આપનાં મોક્ષનું પવિત્ર સ્થાન!! અહા! એ મોક્ષધામને સ્પર્શતાં જ મુમુક્ષુનું
હૈયું આનંદથી નાચી ઊઠે છે...મુમુક્ષુના આત્મામાં મોક્ષમાર્ગની સ્ફુરણા થાય છે. પરમ
સ્વાશ્રયરૂપ આપના મોક્ષમાર્ગનું ત્યાં સ્મરણ થાય છે. મોક્ષનો સ્વાશ્રિત પંથ આપના પવિત્ર
પદ–ચિહ્નોથી આજે પણ શોભી રહ્યો છે...ને સ્વાશ્રય તરફ ઝૂકી ઝૂકીને અમે આપના પંથે
આપના પુનિત પગલે–પગલે આવીએ છીએ.
* * *
સં. ૨૦૧૩ ના ફાગણ સુદ એકમ–બીજે પાવાપુરી સિદ્ધિધામની ઉલ્લાસભરી યાત્રા
કરતાં ગુરુદેવને ઘણી પ્રસન્નતા થઈ હતી. પદ્મસરોવરની વચ્ચે વીરપ્રભુના નિર્વાણ–ધામમાં
વીરપ્રભુનાં ચરણોને ભાવથી ભેટીને ઉલ્લાસથી પૂજન કરીને..ગદગદભાવે અદ્ભૂત ભક્તિ
કરાવી હતી–
આજે વીર પ્રભુજી નિર્વાણ પદને પામીઆ રે...
શ્રી ગૌતમ ગણધરજી પામ્યા કેવળ જ્ઞાન...સુરનર આવે નિર્વાણકલ્યાણકને ઊજવવારે.
પ્રભુજી! આપે તો આપનો સ્વારથ સાધીઓ રે...
અમ બાળકની આપે લીધી નહિ સંભાળ...અમને કેવળના વિરહામાં મુકી ચાલીયા રે.
ગુરુદેવની ભક્તિબાદ બેનશ્રી–બેને પણ પાવાપુરીધામમાં નિર્વાણ મહોત્સવ સંબંધી
અદ્ભુત ઉલ્લાસકારી ભક્તિ કરાવી હતી. અહા! જ્ઞાનીઓનાં હૃદયમાં કોતરાયેલી
સિદ્ધભગવંતોની ભક્તિ તે વખતે વ્યક્ત દેખાતી હતી. પ્રવચનસારમાં આચાર્યદેવે કહ્યું જ છે કે
જેમને આત્મતત્ત્વની ઉપલબ્ધિ નિકટ છે એવા ગણધરદેવાદિ બુધજનોના મનરૂપી
શિલાસ્તંભમાં દિવ્ય આત્મસ્વરૂપવાળા સિદ્ધભગવાનની (અથવા ભગવાન આત્માની)
દિવ્યતા–મહિમાની સ્તુતિ કોતરાયેલી છે.
નમસ્કાર હો સિદ્ધભગવંતોને અને સિદ્ધપદસાધક સંતોને...