: ૨ : આત્મધર્મ : ૨૦પ
‘પ્રભો! આપે બતાવેલા મોક્ષમાર્ગે અમે ચાલ્યા આવીએ છીએ’
ભ...ગ...વં...તો...ને ન...મ...સ્કા...ર...હો...
અર્હંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિવડે, ઉપદેશ પણ
એમ જ કરી નિર્વૃત્ત થયા; નમું તેમને.
આચાર્યદેવે પોતે સ્વાનુભવથી જે મોક્ષમાર્ગ પ્રગટ કર્યો તેમાં
મતિને વ્યવસ્થિત કરીને નિઃશંકતાથી કહે છે કે: અહો! અનંત તીર્થંકર
ભગવંતોએ પોતે આ જ એક મોક્ષનો માર્ગ અનુભવીને મુમુક્ષુઓને
દર્શાવ્યો છે.
પરમ કલ્યાણરૂપ નિઃશ્રેયસ એટલે કે મોક્ષ, તેની પ્રાપ્તિનો
ત્રણેકાળે એક જ ઉપાય છે કે, સર્વત: શુદ્ધ ભગવાન અર્હંતદેવના દ્રવ્ય–
ગુણ–પર્યાયને ઓળખીને, તેમના જેવા જ પોતાના શુદ્ધઆત્માને
જાણતાં સમ્યગ્દર્શન થાય છે ને દર્શનમોહનો ક્ષય થાય છે. એ રીતે
દર્શનમોહના ક્ષયથી સમ્યક્ આત્મતત્ત્વને પ્રાપ્ત કરીને પછી તેમાં
એકાગ્રતારૂપ શુદ્ધોપયોગવડે રાગ–દ્વેષનો પણ ક્ષય થાય છે. આ રીતે
શુદ્ધોપયોગવડે રાગ–દ્વેષનો સર્વથા નાશ કરીને, સર્વ કર્મના ક્ષયથી
ભગવાન તીર્થંકરો મોક્ષ પામ્યા; અન્ય મુમુક્ષુજીવોને પણ ભગવંતોએ
એ જ માર્ગ ઉપદેશ્યો. આ રીતે ત્રણેકાળે મોક્ષમાર્ગની એક જ ધારા
ચાલી જાય છે.
તીર્થંકરો–તીર્થંકરો વચ્ચે સમયભેદ ભલે હો, પણ ભાવમાં ભેદ નથી. એક તીર્થંકર એક
ભાવથી મોક્ષ પામ્યા ને બીજા તીર્થંકર બીજા ભાવથી મોક્ષ પામ્યા–એમ ભાવભેદ નથી. બધાય
તીર્થંકરો એક જ ભાવથી(–સ્વાશ્રિત શુદ્ધોપયોગથી જ) કર્મક્ષય કરીને મુક્તિ પામ્યા છે, અને
અમને પણ ભગવાને તે જ માર્ગ સાક્ષાત્ ઉપદેશ્યો છે, તે માર્ગમાં અમારી મતિ વ્યવસ્થિત
થઈ છે,–આમ કહીને પ્રમોદપૂર્વક આચાર્યભગવંતો કહે છે કે અહો! તે ભગવંતોને નમસ્કાર
હો...ભગવંતોએ બતાવેલો મોક્ષમાર્ગ અમે અવધારિત કર્યો છે, મોક્ષને સાધવાનું કાર્ય કરાય
છે.–આ રીતે મોક્ષને સાધતાં સાધતાં આચાર્યદેવે અર્હંતો અને સિદ્ધોને અભેદ નમસ્કાર કર્યા
છે...ને મુમુક્ષુભવ્યજીવોને માટે ભગવાનનો માર્ગ પ્રસિદ્ધ કર્યો છે.
અહો જીવો! આ કાળે કે ભવિષ્યકાળે મોક્ષનો આ એક જ પંથ છે. સ્વાશ્રયરૂપ આ
શુદ્ધાત્મપ્રવૃત્તિ તે એક જ મોક્ષનો માર્ગ છે–એમ તમે નિઃસંદેહપણે નક્કી કરો. મોક્ષનો અન્ય
કોઈ માર્ગ નથી. ભગવાને કહેલા કોઈપણ શાસ્ત્રમાં આ એક જ મોક્ષપંથ દર્શાવ્યો છે.
મોક્ષમાર્ગમાં અમારી મતિ વ્યવસ્થિત થઈ છે, તેમાં કોઈ સંદેહ રહ્યો નથી. નિઃસંદેહપણે આવા
મોક્ષમાર્ગમાં અમે પરિણમીએ છીએ. વાહ પ્રભુ! આપે અમને મોક્ષનો સીધો માર્ગ
બતાવ્યો...આપે બતાવેલા મોક્ષપંથમાં અમે ચાલ્યા આવીએ છીએ...અહો! આપને નમસ્કાર
હો...નમસ્કાર હો!