: ૧૪ : આત્મધર્મ : ૨૦૭
જુઓ, આ મોક્ષમાર્ગની રીત! અહા, મોક્ષને સાધતા સાધતા સંતોએ આ મોક્ષને સાધવાની કળા
બતાવીને જગતના જિજ્ઞાસુઓ ઉપર પરમ ઉપકાર કર્યો છે.
* મોક્ષને સાધવાનો એક જ કાયદો...એક જ નિયમ *
મોક્ષને સાધવાનો એક જ કાયદો છે કે જે નિશ્ચયનો આશ્રય કરે છે તે જ મોક્ષને સાધે છે. માટે
મોક્ષાર્થીએ નિશ્ચયનો આશ્રય કરવો ને વ્યવહારનો આશ્રય છોડવો. સમ્યગ્દ્રષ્ટિ ભેદવિજ્ઞાનની આવી કળા વડે
સ્વાશ્રયે મોક્ષને સાધે છે. આવી ભેદજ્ઞાન કળા વગર જીવ બીજી ગમે તેટલી કળા ભણ્યો હોય તોપણ તે
મોક્ષને સાધી શકતો નથી. નિશ્ચય અને વ્યવહારની વહેંચણી (પૃથક્કરણ) કરવાની કળા અજ્ઞાનીને આવડતી
નથી. અહીં તો નિશ્ચય વ્યવહારનું સ્પષ્ટ પૃથક્કરણ કરીને આચાર્યદેવે મોક્ષ માટેનો અફર નિયમ બતાવ્યો છે
કે સ્વાશ્રિત એવા નિશ્ચયનું અવલંબન તે જ મોક્ષને સાધવાની રીત છે, ને પરાશ્રિત એવા વ્યવહારના
અવલંબને કદી પણ મોક્ષને સાધી શકાતો નથી.
અભવ્ય જીવ કદીપણ સમ્યગ્દર્શનાદિ કેમ પામતો નથી?–કારણકે તે કદી પણ શુદ્ધાત્માનો આશ્રય
કરતો નથી અને વ્યવહારના આશ્રયનો અભિપ્રાય છોડતો નથી; રાગાદિરૂપ વ્યવહારનો જ આશ્રય કરીને
તેને તે મોક્ષનું (ધર્મનું) સાધન માને છે, પણ મોક્ષનું (ધર્મનું) ખરું સાધન જે સ્વાશ્રય છે તેને તે અંગીકાર
કરતો નથી તેથી તે સમ્યગ્દર્શનાદિ પામતો નથી. આ વાત કોને માટે કરી? શું એકલા અભવ્ય જીવોને માટે જ
આ વાત છે? –ના; અહીં અભવ્યનું તો દ્રષ્ટાંત છે, તે દ્રષ્ટાંત ઉપરથી જગતના બધાય જીવોને માટે આચાર્યદેવ
એમ નિયમ સમજાવે છે કે જે કોઈ જીવો શુદ્ધાત્માનો આશ્રય કરે છે તેઓ જ મુક્તિને પામે છે; અને જેઓ
વ્યવહારનો આશ્રય કરે છે તેઓ બંધાય છે. માટે જે ખરેખર મુમુક્ષુ હોય...જેણે મોક્ષને સાધવો હોય તેણે
નિશ્ચયનય વડે શુદ્ધાત્માનો આશ્રય કરવો ને પરાશ્રયરૂપ વ્યવહારનો આશ્રય છોડવો.–આ જ મોક્ષનો પંથ
છે...આજ મોક્ષને સાધવાની રીત અને કળા છે.
* સ્વઘરમાં વસવું તેનું નામ વાસ્તુ *
જેમ અભવ્ય જીવ મોક્ષપરિણામ માટે અલાયક છે, તેમ પરના આશ્રયે થતા રાગાદિ વ્યવહારભાવો
પણ મોક્ષપરિણામ માટે અલાયક છે,–મોક્ષનું સાધન થાય એવી લાયકાત તેમનામાં નથી, એટલે તેમના વડે
મોક્ષ પમાતો નથી. જેમ જગતના પરદ્રવ્યો આ આત્માના સ્વભાવથી જુદા છે તેમ પરાશ્રિતભાવો પણ આ
આત્માના સ્વભાવથી જુદા જ છે, આત્માના સ્વભાવમાં તેમનો પ્રવેશ નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ તો
અબંધ છે ને રાગાદિ પરાશ્રિત ભાવો તો બંધરૂપ છે,–તેમને એકતા નથી, પણ ભિન્નતા છે. મોક્ષપંથ એકલા
ચિદાનંદસ્વભાવના આશ્રયે જ વર્તે છે.–આવા ચિદાનંદસ્વભાવને જાણીને તેના આશ્રયમાં વસવું તે જ
સ્વઘરમાં સાચું વાસ્તુ છે.
* સંતોનો ઉપકાર *
અહો, ચિદાનંદસ્વભાવ અલૌકિક...અને તેના આશ્રયે થતો મોક્ષનો માર્ગ પણ અલૌકિક...તે અલૌકિક
મોક્ષમાર્ગ પ્રસિદ્ધ કરીને સંતોએ મુમુક્ષુઓ ઉપર અલૌકિક ઉપકાર કર્યો છે.
(આસો વદ ૧૧ ના પ્રવચનમાંથી)
ङ्क