છે તે કાંઈ ધર્મ નથી, તે શુભને કારણે કાંઈ ધર્મ કે સાધકદશા ટકેલી નથી.
છઠ્ઠાગુણસ્થાનવર્તી મુનિને શુભયુક્ત કહ્યા તેથી કાંઈ તે શુભરાગને કારણે મુનિદશા
ટકેલી છે એમ નથી. ત્યાં પણ જે શુદ્ધપરિણતિ છે તેનાથી જ મુનિદશા ટકેલી છે
શુદ્ધપરિણતિ વગરનો એકલો શુભ– ઉપયોગ હોય તો તેને કાંઈ મુનિદશા કે ધર્મ
હોતો નથી. ધર્મરૂપે પરિણમેલા મુનિઓને (કે બીજા સમ્યગ્દ્રષ્ટિ જીવોને) શુભ
ઉપયોગ હોય છે–એમ કહ્યું તેથી કાંઈ તે શુભઉપયોગ પોતે ધર્મ નથી. હા, એટલું ખરું
કે સાધકને એક જ પર્યાયમાં ધર્મ અને શુભોપયોગ એ બંને સાથે રહી શકવામાં
વિરોધ નથી. જેમ સમ્યક્શ્રદ્ધા અને મિથ્યાશ્રદ્ધા સાથે રહી શકતી નથી, કેમકે તેમને
સાથે રહેવામાં વિરોધ છે; પરંતુ તેમ શુદ્ધપરિણતિરૂપ ધર્મ અને શુભઉપયોગને સાથે
રહેવામાં વિરોધ નથી, તે બંને સાથે રહી શકે છે. ભલે સાથે રહેવામાં વિરોધ ન હોય
છતાં જે શુભરાગ છે તે શુદ્ધતાનો વિરોધી જ છે; કેમકે શુદ્ધતા તો સંવર નિર્જરાનું
કારણ છે ને શુભરાગ તો આસ્રવનું કારણ છે શુદ્ધોપયોગદશા તો નિરાસ્રવ, શાંત,
અકષાયરૂપ છે, ને શુભોપયોગ તે સાસ્રવ, કષાયકલેશથી સહિત છે. શુભોપયોગી
છઠ્ઠાગુણસ્થાનવર્તી મુનિ પણ રત્નત્રયસહિત હોવાથી શ્રમણ તો છે જ, પણ તે મુખ્ય
નથી, મુખ્ય તો શુદ્ધોપયોગી શ્રમણો જ છે, તેઓ સાક્ષાત્ ધર્મરૂપ પરિણમેલા છે;
શુભોપયોગી શ્રમણો તેમની પાછળ છે,– ગૌણ છે; તેઓ શુદ્ધોપયોગના કિનારે રહેલા
છે. સાતમા ગુણસ્થાનવાળા શ્રમણો તો સાક્ષાત્ શુદ્ધોપયોગમાં લીન છે, ને છઠ્ઠા
ગુણસ્થાનવાળા શ્રમણોને હજી શુભ વૃત્તિ હોવા છતાં તેઓ પણ શુદ્ધપરિણતિરૂપ ધર્મ
સહિત હોવાથી, ક્ષણમાં વિકલ્પ તોડીને શુદ્ધોપયોગ પ્રગટ કરશે. આ રીતે
શુદ્ધપરિણતિ સહિત હોવાથી તે પણ શ્રમણ છે, મોક્ષમાર્ગી છે.