: ૨૦ : આત્મધર્મ: ૨૪૮૮
– પરમ શાંતિ દાતારી–
*અધ્યાત્મભાવના *
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં
અધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપે્રરક પ્રવચનોનો સાર
(વીર સં. ૨૪૮૨ અષાડ શુદ ૧૩ શુક્રવારથી ચાલુ)
* * *
જ્ઞાની અંતરાત્મા નિરંતર પોતાના આત્માને દેહથી ભિન્ન જ દેખે છે–એમ કહ્યું. ત્યાં હવે કોઈ પ્રશ્ન
પૂછે છે કે: જો અંતરાત્મા સ્વયં પોતાના આત્માને આવો અનુભવે છે તો મૂઢ આત્માઓને તેનું પ્રતિપાદન
કરીને કેમ સમજાવી દેતા નથી–કે જેથી તે અજ્ઞાનીઓ પણ તેને જાણે!–જો પોતે સમજ્યાં તો બીજાને પણ કેમ
સમજાવી દેતા નથી?–તેના ઉત્તરમાં આચાર્યદેવ પૂજ્યપાદ સ્વામી કહે છે કે–
अज्ञापितं न जानति यथा मां ज्ञापितं तथा।
मूढात्मानस्ततस्तेषां वृथा मे ज्ञापना श्रमः।। ५८।।
જેણે દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપ જાણ્યું છે એવા અનુભવી ધર્માત્મા વિચારે છે કે: અહો, આ
અચિંત્ય આત્મતત્ત્વ જગતને દુર્લભ છે, વચન અને વિકલ્પથી તે પાર છે. આવા સ્વાનુભવગમ્ય
ચૈતન્યતત્ત્વને મૂઢ જીવો જેમ મારા જણાવ્યા વગર નથી જાણતા, તેમ મારા જણાવવાથી પણ તેઓ નથી
જાણતા; માટે બીજાને સમજાવવાનો મારો શ્રમ (–વિકલ્પ) વ્યર્થ છે.
તીર્થંકરો તો સમવસરણમાં ધમધોકાર ઉપદેશ આપીને સમજાવતા હતા, છતાં બધા જીવો ન સમજ્યા.
જેમની લાયકાત હતી તેઓ જ સમજ્યા, ને બીજા જીવો ન સમજ્યા. તીર્થંકરના ઉપદેશથી પણ તે જીવો ન
સમજ્યા તો મારાથી શું સમજશે? મારા પ્રતિપાદન કરવાથી પણ તે મૂઢાત્માઓ આત્મસ્વરૂપને જાણતા નથી;
માટે બીજાને સમજાવવાનો મારો શ્રમ વૃથા છે. સામાની લાયકાત વગર કોઈની તાકાત નથી કે તેને સમજાવી
શકે! ધર્મીને ઉપદેશાદિનો વિકલ્પ ઊઠે પણ તે વિકલ્પનેય તે વૃથા જાણે છે, મારા વિકલ્પ વડે બીજો સમજી
જશે–એમ માનતા નથી. એટલે વિકલ્પ ઉપર જોર નથી; તે વિકલ્પનેય તોડીને ચિદાનંદ સ્વરૂપમાં જ ઠરવા
માંગે છે.
આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપમાં રહેવું તે જ સમાધિ છે; બીજાને સમજાવવાનો જે વિકલ્પ ઊઠે તે રાગ છે,