વીરપ્રભુના મોક્ષધામમાં
પાવાપુરીધામમાં પદ્મસરોવરના કિનારે આવેલા જિનમંદિરમાં પૂ.
ગુરુદેવ શ્રી વીરનાથ ભગવાનના દર્શન કરી રહ્યા છે...એ ભગવાનને દેખતાં
જ આનંદથી હૃદય પ્રફૂલ્લિત થાય છે. ગુરુદેવ એકીટશે ભગવાનને જોઈ જ
રહ્યા છે. વાહ! જાણે સાક્ષાત્ મહાવીર ભગવાન ઊભા હોય એવો અદ્ભુત
દેદાર છે. દિવ્ય, પ્રશાંત અને પ્રસન્નતાથી ઝરતી એ મુદ્રા જોતાં, જાણે કે હમણાં
જ મોક્ષમાં જવાની તૈયારી કરીને અયોગીપણે ભગવાન ઊભા હોય–એવા
ભાવો હૃદયમાં જાગે છે. એમના લટકતા લાંબા હાથ જાણે કે ભક્તોનાં શિર
પર મુક્તિના આશીર્વાદ વરસાવી રહ્યા છે. વીરપ્રભુના ચરણે ભક્તિપૂર્વક
ઊભેલા ગુરુદેવ જાણે કે ભગવાનને સંબોધીને કહી રહ્યા છે કે–
પ્રભુજી! તારા પગલે પગલે મારે આવવું રે...
પ્રભુજી! મારે બીજું જોવાનું નહિ કામ...
મારા હૃદયે એક વીતરાગતા વસી રહો રે...