ATMADHARMA Regd. No. B 5669
---------------------------------------------------------------------------------------
આ....રા....ધ....ના....
* રત્નત્રયની આરાધનામાં સ્વદ્રવ્યનું જ જતન છે, પરદ્રવ્યનું સેવન નથી. આવા
રત્નત્રયને જે જીવ આરાધે છે તે આરાધક છે અને એવા આરાધક જીવ રત્નત્રયની આરાધના
વડે કેવળજ્ઞાન પામે છે. એ વાત જિનમાર્ગમાં પ્રસિદ્ધ છે. રત્નત્રયની આરાધના પરના
પરિહારપૂર્વક આત્માના ધ્યાનથી થાય છે.
* સમ્યગ્દર્શનથી જે શુદ્ધ છે તે જ શુદ્ધ છે.
સમ્યગ્દર્શનનો આરાધકજીવ અલ્પકાળે સિદ્ધિ પામે છે.
સમ્યગ્દર્શન વગરનો જીવ ઈષ્ટસિદ્ધિને પામતો નથી.
આ રીતે મોક્ષની સિદ્ધિ માટે સમ્યગ્દર્શનની આરાધના પ્રધાન છે.
* જિનવર ભગવાને ગણધરાદિ શિષ્યજનોને ઉપદેશમાં એમ કહ્યું છે કે હે ભવ્યજીવો!
ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વગર કોઈ ધર્મ હોતો નથી. જગતમાં પ્રસિદ્ધ છે કે જે
વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તેની પ્રીતિ–રુચિ–ઓળખાણ કરે છે, તેમ મોક્ષની પ્રાપ્તિ માટે પહેલાં
તેની પ્રતીતિ–રુચિ–ઓળખાણ કરવી જોઈએ. મોક્ષ કહો કે શુદ્ધઆત્મા કહો, તેની પ્રતીતિ તે
સમ્યગ્દર્શન છે.
* સમ્યગ્દર્શન થયા પહેલાં શું કરવું?
સમ્યગ્દર્શન પહેલાં તેને માટેનો પ્રયત્ન કરવો. શ્રાવકે સમ્યગ્દર્શનનું ધ્યાન કરવું, તેના
ધ્યાનથી દુષ્ટકર્મોનો ક્ષય થાય છે; અને જેને સમ્યગ્દર્શન થયું ન હોય તેને સમ્યક્ત્વનું સ્વરૂપ
ઓળખીને તેના ધ્યાનથી સમ્યગ્દર્શન થાય છે. સર્વે જીવોને માટે સમ્યગ્દર્શન તે સારભૂત છે. સર્વ
ઉપદેશનો તે સાર છે. સત્ની શરૂઆત, ધર્મની શરૂઆત કે મોક્ષમાર્ગની શરૂઆત સમ્યગ્દર્શનથી
થાય છે. માટે પહેલાં સમ્યગ્દર્શનની આરાધના કર્તવ્ય છે.
* સમ્યગ્દર્શનના પ્રયત્ન માટે અંતરમાં રાત–દિન એક જ ઘોલન અને મંથન કરી કરીને
અંદર સ્વરૂપનો નિર્ણય કરે; પોતાનું કાર્ય સાધવા માટે પરમ ઉત્સાહથી ગાઢ રંગથી દિનરાત તે
માટે મંથન કરીને નિર્ણય કરે. નિર્ણયનું જોર દ્રષ્ટિને અંતર્મુખ કરે છે.
* હે જીવ! સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રની આરાધના પણ થઈ શકે તો તો તે ઉત્તમ જ છે, તે
તો સાક્ષાત્ મોક્ષનું કારણ છે, અને જો એવું ચારિત્ર આરાધવાની તારી શક્તિ અત્યારે ન હોય
તો, યથાર્થ માર્ગની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શનની આરાધના તો તું અવશ્ય કરજે. સમ્યગ્દર્શનની
આરાધનાથી પણ મોક્ષમાર્ગનું આરાધન ટકી રહેશે. સમ્યગ્દર્શનનો આરાધક અલ્પકાળમાં ચારિત્ર
પ્રગટ કરી, કેવળજ્ઞાન અને મોક્ષ પામશે. સમ્યગ્દર્શનની આરાધનાથી જે ભ્રષ્ટ છે તે તો મોક્ષના
માર્ગથી જ ભ્રષ્ટ છે માટે હે જીવ! તું સર્વ ઉદ્યમથી સમ્યગ્દર્શનની આરાધના જરૂર કરજે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક–પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ આનંદ પ્રિન્ટીંગ પ્રેસ–ભાવનગર.