માગશર: ૨૪૮૮ : ૨૧ :
સ.....મા.....ચા.....ર
પરમકૃપાળુ ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. દીપાવલી અને નુતનવર્ષના પર્વો આનંદથી ઊજવાયા
હતા. સુવર્ણપુરીનું હર્ષભર્યું વાતાવરણ ગુરુદેવ જેવા સંતની છાયાના પ્રતાપે સોનેરી પ્રભાતથી શોભતું હતું:
બંને દિવસે ગુરુદેવના પ્રવચનો અદ્ભુત આનંદકારી હતા; જિનમંદિરમાં સમૂહપૂજન ઘણા ભક્તિભાવથી થયું
હતું. તે વખતે આખું મંદિર ભરાઈ જતું હતું. પૂજન બાદ આરતી વખતે સીમંધર ભગવાનની મુદ્રા ઉપર એવું
અદ્ભુત પ્રભાત ખીલ્યું હતું–જાણે કે સૂર્ય હજાર હજાર કિરણો વડે ભગવાનની આરતી ઉતારતો હોય!
સચતુષ્ટયની દિવ્યપ્રભા જેવા સુપ્રભાતથી શોભતી એ ઝળહળતી વીતરાગમુદ્રા ભક્તજનોના હૃદયને પ્રસન્ન
કરતી હતી.
અષ્ટાહ્નિકા દરમિયાન પંચપરમેષ્ઠી–મંડળ તેમજ નંદીશ્વર મંડળનું પૂજન કરવામાં આવ્યું હતું. એક
તરફ મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રવચનમાં પંચપરમેષ્ઠીની વંદના ચાલતી હતી ને બીજી તરફ પંચપરમેષ્ઠીનું પૂજન
ચાલતું હતું, તેથી આનંદ થતો હતો.
પ્રવચનમાં સવારે અષ્ટપ્રાભૃત વંચાતું હતું તે કારતક સુદ ૧૧ના રોજ પૂર્ણ થયું છે અને મોક્ષમાર્ગ
પ્રકાશકની શરૂઆત થઈ છે; તેમાં પહેલો અધ્યાય પૂર્ણ થયા બાદ સાતમો અધ્યાય શરૂ કરેલ છે. આ અધ્યાય
ઘણો સરસ છે, ને ગુરુદેવને ઘણો પ્રિય છે. ૩૪ વર્ષ પહેલાં જ્યારે મોક્ષમાર્ગ પ્રકાશકની પ્રાપ્તિ મુશ્કેલ હતી
ત્યારે ગુરુદેવે આ અધ્યાય હસ્તાક્ષરે લખાવી લીધેલ હતો. બપોરના પ્રવચનમાં સમયસારનો આસ્રવ
અધિકાર વંચાય છે.
કારતક સુદ ૧૨ના રોજ, સોનગઢના ૬૭ ફૂટ ઊંચા સુશોભિત ભવ્ય જિનમંદિરની તથા તેમાં (ઉપર)
શ્રી નેમીનાથ પ્રભુની પુનઃપ્રતિષ્ઠાને એક યુગ (પાંચ વર્ષ) પૂર્ણ થઈને છઠ્ઠું વર્ષ બેઠું, તે દિવસ ખૂબજ
ઉમંગભર્યા ભક્તિપૂજનથી ઊજવાયો હતો. સાંજે આરતી સમયે નેમનાથ પ્રભુજી સન્મુખ ભક્તિ થઈ હતી, ને
રાત્રે પણ અદ્ભુત ભક્તિ થઈ હતી.–એ જ દિવસે જબલપુર તરફના ૧૧૦ યાત્રિકોની બે બસ આવી હતી.
દક્ષિણ તરફના પણ ઘણા યાત્રિકો સોનગઢ આવ્યા હતા.
સૂચના: પરમકૃપાળુ ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. આગામી માસમા–માગસર વદ ત્રીજ (તા. ૨૪
ડિસેમ્બર) ના રોજ પૂ. ગુરુદેવની જમણી આંખનો મોતિયો ઉતરવાનો છે. મોતિયો ઉતારવાનું કાર્ય મુંબઈના
ડો. ચીટનીસના હાથે સોનગઢમાં થશે. ડો. મનસુખભાઈ પણ સાથે રહેશે. અને મોતિયો ઉતરી ગયા પછી
આંખને આરામ માટે લગભગ છ અઠવાડિયા સુધી પૂ. ગુરુદેવના પ્રવચનો બંધ રહેશે. પૂ. ગુરુદેવની આંખનો
મોતિયો સકુશલ ઉતરી જાય ને તેઓશ્રીને શીઘ્ર આરામ થઈને પ્રવચનોની અમૃત વર્ષા વેલીવેલી શરૂ થાય
એવી ભારતના હજારો ભક્તોની હાર્દિક ભાવના અને પ્રાર્થના છે.–શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર.
* સોનગઢથી પુસ્તક મંગાવનારા ભાઈઓને વિનંતિ કરવામાં આવે છે કે આપના ગામના રેલ્વે
સ્ટેશનનું તથા પોસ્ટ ઓફિસનું નામ સ્પષ્ટ અક્ષરે જણાવશો, જેથી પુસ્તક મોકલવામાં સુગમતા રહે.
* જ્યાં જ્યાં જિનમંદિરો છે ત્યાં ત્યાં તિથિદર્પણ મોકલી આપવામાં આવ્યા છે, ત્યાંથી જિજ્ઞાસુઓએ
મેળવી લેવા વિનંતી છે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વૈરાગ્ય સમાચાર: ભાઈશ્રી ઠાકરશીભાઈ કાળીદાસ મોદી (ચીમનભાઈ વગેરેના પિતાશ્રી, તા. ૧૮–
૧૧–૬૧ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો. તેમના
સુપુત્ર શ્રી ચીમનલાલભાઈ મુંબઈ મુમુક્ષુમંડળના એક સેક્રેટરી છે. તેમના ત્રણે પુત્રો ધર્મપ્રેમમાં સારો રસ
ધરાવે છે. તેઓ તેમના પિતાશ્રીને બિમારી વખતે પણ ટેપરેકોર્ડિંગ દ્વારા પૂ. ગુરુદેવનાં પ્રવચનો વગેરે
સંભળાવતા હતા, તેમજ મોટરદ્વારા ગુરુદેવ સાથેના સંઘમાં તીર્થયાત્રા પણ કરાવી હતી. શ્રી ઠાકરશીભાઈનો
આત્મા ગુરુદેવના પ્રબોધેલા માર્ગે આગળ વધીને આત્મહિત સાધે...ને તેમના સુપુત્રો ધર્મની વધુ ને વધુ
સેવા કરે...એ જ ભાવના.