પોષ: ૨૪૮૮ : ૧૭ :
પૂજન કરવા જોઈએ. તેમના સ્વરૂપની ઓળખાણ વગર સાચો લાભ થાય નહિ. શ્રાવકના સંસ્કાર કેવા હોય
તેની વાત છે. જૈનધર્મના ઉપાસક શ્રાવકના હૈયામાં ભગવાન જિનદેવ બિરાજતા હોય, બીજાને તે સ્વપ્નેય
માને નહિ. જે જીવ કુદેવાદિને માનતો હોય તેને તો ખરેખર શ્રાવકના સંસ્કાર જ નથી; જિનદેવનો ઉપાસક
કોઈપણ સરાગી દેવને માને નહિ.
જીવનું ઈષ્ટ–ધ્યેય શું? કે સર્વજ્ઞતા ને પૂર્ણ આનંદરૂપ પરમાત્મદશા પ્રગટ કરવી તે; તો અત્યાર સુધીમાં
એવી પરમાત્મદશા જેમણે પ્રગટ કરી છે તે પરમાત્મા કેવા હોય–તેની ઓળખાણ કરવી જોઈએ. અને
પરમાત્મદશાનો જેને પ્રેમ જાગ્યો તેને એવા પરમાત્માના અથવા તેમની પ્રતિમાના દર્શનનો અને પૂજન–
ભક્તિનો ઉમંગ આવ્યા વગર રહે જ નહિ; એવો ભાવ ન આવે ને તેનો નિષેધ કરે તો સમજવું કે તેને
પરમાત્મપદ વહાલું લાગ્યું જ નથી.
અહીં દેવપૂજાની વાત કરી તેમાં, ભગવાનનું જિનમંદિર બંધાવવું, તેની શોભા વધારવી, તેના મોટા
મહોત્સવ કરવા–એ બધું પણ ભેગું સમાઈ જાય છે. જેમ પોતાને રહેવા માટે મકાન બંધાવવાનો ને તેની
શોભા વધારવાનો ભાવ ગૃહસ્થને આવે છે (તેમાં તો પાપભાવ છે છતાં તેવો ભાવ આવે છે) તેમ ધર્મી
જીવને રાગની દિશા બદલીને, જિનમંદિર બંધાવવાનો ને પ્રતિષ્ઠામહોત્સવ વગેરે કરવાનો ભાવ આવે છે :
અહો! ત્રણલોકના નાથનું જે ઘર, ત્રણલોકના નાથ અરિહંત પરમાત્મા જેમાં બિરાજે એવું જિનમંદિર, તેની
ઉત્કૃષ્ટ શોભા કેમ વધે? તેને માટે હું મારા તન–મન–ધનથી શું–શું સેવા કરું! એવો ભાવ ધર્મીને તેમજ ધર્મના
જિજ્ઞાસુ શ્રાવકને આવ્યા વગર રહેતો નથી.
પૂર્ણધ્યેયરૂપ જે સર્વજ્ઞપદ, પરમાત્મપદ–તેના અચિંત્યમહિમાની શી વાત! આવા પૂર્ણધ્યેયરૂપ
સર્વજ્ઞપરમાત્માને સૌથી પહેલાં હંમેશા યાદ કરીને શ્રાવક તેમનાં દર્શન–પૂજન કરે છે. તે દર્શન–પૂજન કરતાં
પોતાના પરમવીતરાગ–ચૈતન્યબિંબ સ્વભાવનું સ્મરણ અને ભાવના જાગે છે. ભગવાન કુંદકુંદ સ્વામી
પ્રવચનસારમાં કહે છે કે–
જે જાણતો અર્હંતને
ગુણ દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને,
તસુ મોહ પામે લય ખરે. (૮૦)
ભગવાન અર્હંતદેવ જેવું જ પોતાનું શુદ્ધચૈતન્યસ્વરૂપ છે–એમ ઓળખીને જ્યાં અંતર્મુખ વળ્યો ત્યાં
મોહનો ક્ષય થઈને સમ્યગ્દર્શન થાય છે. જે જીવ આવા અર્હંત ભગવાનના દર્શન પૂજનનોય નિષેધ કરે તે તો
તીવ્ર મોહમાં ડુબેલો છે. શ્રાવકે રોજેરોજ કરવાના કર્તવ્યમાં પહેલું જ કર્તવ્ય ભગવાન જિનદેવના દર્શન–પૂજન
કરવા તે છે.
પરદેશથી આવેલા એક ભાઈ પૂછે છે : જે દેશમાં જિનમંદિર વગેરે ન હોય ત્યાં શું કરવું?
તેના ઉત્તરમાં ગુરુદેવ કહે છે કે જે દેશમાં ધર્મની અને સમ્યગ્દર્શનની હાનિ થવાનો પ્રસંગ હોય તે દેશ
છોડી દેવો. જ્યાં દેવ–ગુરુ–શાસ્ત્રનો યોગ ન હોય, જ્યાં ભગવાનનાં દર્શન ન મળે, જ્યાં ધર્માત્માનો સંગ ન
મળે, જ્યાં સાચા શાસ્ત્રની સ્વાધ્યાય ન મળે–એવા ક્ષેત્રને મુમુક્ષુ જીવે છોડી દેવું.–એવા ક્ષેત્રમાં કદાચ લાખો–
કરોડો રૂા. ની પેદાશ થતી હોય તોપણ તેનો લોભ મુમુક્ષુએ જતો કરવો; કેમકે ધનના ઢગલા ખાતર કાંઈ
ધર્મને ન વેચાય. આ અધિકારની જ ૨૬મી ગાથામાં શાસ્ત્રકાર કહેશે કે–સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકો એવા દેશનો,
એવા પુરુષનો, એવા ધનનો કે એવી ક્રિયાનો કદાપિ આશ્રય નથી કરતા કે જ્યાં તેનું સમ્યગ્દર્શન મલિન
થવાનો કે વ્રતોનું ખંડન થવાનો સંભવ હોય.
જુઓ. આ ધર્મનો પ્રેમ! ધર્મનો પ્રેમી જીવ એવા દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવનું સેવન કરે કે જ્યાં પોતાના
ધર્મનું પોષણ મળે. આરાધનાને પુષ્ટિ આપે એવા દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવરૂપ સામગ્રીના સેવનનો શાસ્ત્રમાં ઉપદેશ
છે. મુનિઓને પણ પ્રવચનસારમાં કહે છે કે હે મુનિઓ! તમારા ગુણની રક્ષા માટે તથા તેની વૃદ્ધિ માટે નિત્ય
ગુણીજનોના સત્સંગમાં વસજો...અસત્સંગ ન કરશો. મુમુક્ષુજીવ એવા માણસનો સંગ છોડી દ્યે કે જે સદાય