ATMADHARMA Regd. No. B 5669
---------------------------------------------------------------------------------------
હિ....ત....શિ....ખા.....મ....ણ
* સંતો કહે છે: હે ભાઈ! પંચમકાળમાં પ્રતિકૂળતા તો હોય, માટે તું બહુ
સાવચેતીથી ક્ષમાભાવને જાળવજે...ને આત્મહિત કેમ સધાય–એ એક જ લક્ષ રાખજે.
* કોઈને પૂર્વનાં કાંઈક પુણ્ય હોય ને જગતમાં લાખો–કરોડો માણસો પાસેથી
માન–મોટાઈ મળે તેથી કરીને કાંઈ આત્માની આરાધનામાં તેને તે મદદરૂપ થાય એવું
નથી.
* અને કોઈને પૂર્વનાં પુણ્ય ઓછાં હોય ને જગતમાં અનેકવિધ પ્રતિકૂળતાઓ
હોય તેથી કરીને કાંઈ આત્માની આરાધનામાં તેને વિઘ્ન થાય એમ નથી. કેમ કે–
* આત્માની આરાધના બહારના સંયોગને આધીન નથી, આત્માની આરાધના
તો પોતાના સ્વભાવને જ આધીન છે. જ્યાં સ્વભાવ તરફ વળ્યો ત્યાં સંયોગ તો બહાર
જ રહી જાય છે.
* ધર્માત્માને અંતરમાં પોતાનો આખો સ્વભાવ અનુકૂળ છે, ત્યાં બહારની કોઈ
પ્રતિકૂળતા તેને નડી શકતી નથી.
* અરે આ કાળે આરાધક જીવો થોડા ને ઊંધુંં પોષનારા ઘણા, તેમાંથી
સત્યમાર્ગ શોધવો જગતને દુર્લભ થઈ પડ્યો છે. વેદાંતાદિ અન્ય મતમાં અધ્યાત્મના
શબ્દો દેખે ત્યાં જાણે કે આમાં પણ કંઈક છે!–અરે ભાઈ, ભગવાન જિનેશ્વરદેવ સર્વજ્ઞ
પરમાત્માનો જૈનમાર્ગ પામીને તું બીજે ક્્યાં અટક્યો? નિયમસારમાં તો કહે છે કે હે
ભગવાન! તું હોતાં હું બીજાને કેમ નમું? જે જીવ, પારખું થઈને, પાત્રતાપૂર્વક સત્
સમજવા માંગે તેને આ કાળે પણ સત્ અનુભવગમ્ય થઈ શકે તેવું છે. સંતગુરુઓના
પ્રતાપે આ કાળે સત્ય બહાર આવ્યું છે. અહો! સંતોએ માર્ગ સુગમ કરી દીધો છે.
* આપણે માટે કેટલા મહા ભાગ્યની વાત છે કે, આવો હળહળતો પંચમકાળ
હોવા છતાં, જેમની છાયામાં આત્મહિત સાધી શકાય એવા સાક્ષાત્ સંતોનો સુયોગ
મળ્યો...તો હવે એ સુયોગ કેમ સફળ થાય–તે માટે હે જીવ! તું દિનરાત સંભાળ કર
આવા મહાન સુયોગમાં એક ક્ષણ પણ પ્રમાદ કરવા જેવું નથી.
* જેમ કોઈ મહાન દરિદ્રીને ચિંતામણિની પ્રાપ્તિ થાય છતાં તે ન અવલોકે, તથા
જેમ કોઈ કોઢિયાને અમૃતપાન કરાવવા છતાં તે ન કરે, તેમ સંસારપીડિત જીવને સુગમ
મોક્ષમાર્ગના ઉપદેશનું નિમિત્ત બને છતાં તે અંગીકાર ન કરે તો તેના અભાગ્યનો
મહિમા કોણ કરી શકે?
–મુમુક્ષુ આત્માર્થીને તો એમ થાય કે અહા, અમને સદ્ગુરુગમે મોક્ષમાર્ગનો
ઉપદેશ મળ્યો. પરમ ભાગ્યથી આત્મકલ્યાણનો મહાન ઉપદેશ મળ્યો ચિંતામણિ પ્રાપ્ત
થયો...અમૃત મળ્યું.–આમ સમજી ઉત્સાહપૂર્વક તે પોતાના હિતોપદેશનું શ્રવણ–મનન
કરીને તેને અંગીકાર કરે છે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર.