Atmadharma magazine - Ank 220
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page  


PDF/HTML Page 25 of 25

background image
ATMADHARMA Regd. No. B 5669
---------------------------------------------------------------------------------------
જીવ રાગભાવમાં તન્મય વર્તતો થકો સર્વજ્ઞસ્વભાવ એવા પોતાને જાણતો નથી. જુઓ, પોતાના આત્માને
કેવો જાણે તો યથાર્થ જાણ્યો કહેવાય તે પણ આમાં બતાવ્યું. સર્વ પ્રકારે સંપૂર્ણ એવો સર્વજ્ઞસ્વભાવી આત્મા
છે.–એવા આત્માને જાણે તો જ સમ્યગ્જ્ઞાન થયું કહેવાય. આત્માને રાગના કર્તૃત્વવાળો કે બંધનવાળો જાણે
તો તેમાં વાસ્તવિક આત્માનું જ્ઞાન થતું નથી. બીજી રીતે કહીએ તો આત્માને અબંધસ્વભાવી જાણે ને
બંધભાવને ભિન્ન જાણે.–એ રીતે જાણીને બંધથી જુદું અબંધભાવે જ્ઞાન પરિણમે તો જ સમ્યગ્જ્ઞાન છે અને તે
સમ્યગ્જ્ઞાનના પરિણમનમાં સર્વે બંધભાવોનો અભાવ જ છે. જુઓ, આ મોક્ષમાર્ગમાં ગમન કરતું જ્ઞાન!
જેનાથી મોક્ષમાર્ગમાં ગમન થાય–તે જ જીવને પ્રયોજનરૂપ છે, ને તેનો જ જૈનધર્મમાં ઉપદેશ છે. રાગવડે કદી
મોક્ષમાર્ગમાં ગમન થતું નથી, રાગ તો મોક્ષમાર્ગને રોકનાર છે.
* ભાઈ, તારો આત્મા સર્વજ્ઞસ્વભાવી છે–એ વાત તને બેસે છે!
* જો સર્વજ્ઞસ્વભાવ બેઠો તો રાગની રુચિને જરાપણ અવકાશ રહેતો નથી; કેમકે સર્વજ્ઞસ્વભાવમાં
રાગનો અંશ પણ નથી.
* રાગનો અંશ પણ જેની રુચિમાં સારો લાગે છે તેની તે રુચિ તેને સર્વજ્ઞસ્વભાવની રુચિ થવા દેતી
નથી, એટલે રાગની રુચિરૂપ જે મિથ્યાત્વને છે તે જ સર્વજ્ઞસ્વભાવની રુચિરૂપ સમ્યક્ત્ત્વને પ્રતિબંધ કરનાર
છે.
* રાગની રુચિવાળો જીવ રાગના તણખલાં આડે મોટા ચૈતન્ય પહાડને દેખતો નથી.
* જ્યાં દ્રષ્ટિ ખુલી કે હું કોણ? હું તો સર્વજ્ઞસ્વભાવી; મારા સ્વભાવમાં રાગના એક કણને પણ
અવકાશ નથી; ત્યાં જ્ઞાનનું પરિણમન જ્ઞાનસ્વભાવ તરફ વળ્‌યું. જુઓ, આવી અંતર્મુખ પ્રતીત થઈ ત્યાં
શ્રદ્ધારૂપે કેવળજ્ઞાન થયું. અહા, જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં પોતાના આત્માનું કેવળજ્ઞાન પ્રતીતમાં આવી ગયું.
તેની રુચિની દિશા રાગથી પાછી ફરીને કેવળજ્ઞાન તરફ વળી. તે કંકુવરણે પગલે કેવળજ્ઞાન લેવા ચાલ્યો.
અને જે જીવ ચિદાનંદસ્વભાવનો અનાદર કરીને રાગનો આદર કરે છે તે બંધપરિણામી જીવ ઘોરદુઃખમય
સંસારમાં રખડે છે. અરે, જ્ઞાનનો પ્રેમ છોડીને રાગનો પ્રેમ કર્યો તેણે મોક્ષનો માર્ગ છોડીને સંસારનો માર્ગ
લીધો. આચાર્યદેવ કહે છે કે હે ભાઈ, જો તને મોક્ષનો ઉત્સાહ હોય, મોક્ષને સાધવાની લગની હોય તો સમસ્ત
બંધભાવોની રુચિ તું છોડ, ને જ્ઞાનની રુચિ કર; મોક્ષના માર્ગમાં સમસ્ત બંધભાવોને નિષેધવામાં આવ્યા છે,
ને જ્ઞાનસ્વભાવનું જ અવલંબન કરાવવામાં આવ્યું છે.
* * * * * *
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ – ભાવનગર.