(શ્રાવકનાં કર્તવ્યનું વર્ણન)
(ગતાંકથી ચાલુ)
ઉપાસક એટલે ઉપાસના કરનાર; ધર્મની ઉપાસના કરનાર
શ્રાવક કેવા હોય ને તેનું હંમેશનું કાર્ય શું છે? તેનું આમાં વર્ણન છે.
સાતમી ગાથામાં દેવપૂજા વગેરે છ કર્તવ્યનું વર્ણન છે. તેમાંથી
દેવપૂજાસંબંધી વિસ્તાર આગલા લેખમાં થઈ ગયો છે, ગુરુઉપાસના
સંબંધી વિસ્તાર ચાલે છે.
દેવપૂજા પછી શ્રાવકનું બીજું કર્તવ્ય છે ગુરુઉપાસના; ગુરુઉપાસના એટલે નિર્ગ્રંથ મુનિવરોની તેમજ
ધર્માત્મા–સંતોની સેવા, તેમનો સત્સંગ, તેમનું બહુમાન, તેમની ભક્તિ, તેમની પ્રસંશા, તેમની પાસેથી
ઉપદેશનું શ્રવણ; તે બધું ગુરુસેવામાં સમાય છે, ને તે ગૃહસ્થ–શ્રાવકોનું હંમેશનું કર્તવ્ય છે. ધર્મમાં જે મોટા છે
એવા ધર્માત્માઓની સેવા તે ગુરુઉપાસના છે.
ભગવાનની પૂજામાં ને ગુરુની સેવામાં તો રાગ છે ને!–એમ કહીને કોઈ તેની ઉપેક્ષા કરે, તો તેને
ધર્મનો પ્રેમ જાગ્યો નથી. જો કે તેમાં છે તો શુભરાગ, અને પરમાર્થદ્રષ્ટિમાં તે ઉપેક્ષા યોગ્ય છે, પરંતુ જેને
ધર્મનો પ્રેમ જાગ્યો હોય તેને ધર્મના દાતાર એવા વીતરાગી દેવ–ગુરુ પ્રત્યે, તેમજ ધર્મના સાધક જીવો પ્રત્યે
પરમ પ્રેમ અને ભક્તિ ઉછળ્યા વગર રહે નહિ. શ્રાવકને હજી રાગની ભૂમિકા છે એટલે તેનો રાગ વીતરાગી
દેવ–ગુરુ–શાસ્ત્ર તરફ વળી ગયો છે. હજી તો જેને રાગની દિશા પણ સંસાર તરફથી બદલીને ધર્મ તરફ નથી
વળી–તે જીવને ધર્મનો પ્રેમ કેમ કહેવાય? ધર્મનો જેને પ્રેમ જાગ્યો તે તો ધર્મના સાધક મુનિવરોને કે ધર્માત્મા
જીવોને દેખતાં જ પ્રમોદથી ઉલ્લસી જાય કે ‘વાહ! આ ધર્માત્મા મોક્ષમાર્ગને કેવા સાધી રહ્યા છે!!’ તેને
તનથી–મનથી–ધનથી સર્વ પ્રકારે તેની સેવાનો ભાવ આવે. જમવાના સમયે ધર્માત્માને રોજ એમ ભાવના
થાય કે અરે, કોઈ મોક્ષસાધક મુનિરાજ કે કોઈ ધર્માત્મા મારા આંગણે પધારે તો તેમને ભોજન કરાવીને
પછી હું જમું. અરે, આ પેટમાં કોળિયો પડે તેના કરતાં કોઈ મુનિરાજ–ધર્માત્માના પેટમાં કોળિયો જાય તો
મારો અવતાર સફળ છે. હું પોતે જ્યારે મુનિ થઈને કરપાત્રી બનું તે ધન્ય અવસરની તો શી વાત? પરંતુ
મુનિ થયા પહેલાં બીજા મુનિવરોના હાથમાં હું ભક્તિથી આહરદાન કરું તો મારા હાથની સફળતા છે.–આમ
રોજરોજ શ્રાવક ભાવના ભાવે; તેમજ ધર્માત્માશ્રાવકો પ્રત્યે પણ બહુમાન અને વાત્સલ્ય આવે.
જે પોતામાં સમ્યગ્દર્શનાદિ ગુણ પ્રગટ કરવા માંગે છે તેને તે ગુણોનું બહુમાન આવ્યા વગર રહેતું
નથી, એટલે જેમને એવા ગુણો પ્રગટ્યા છે એવા દેવ–ગુરુ