: ૮ : આત્મધર્મ: ૨૨૦
પ્રત્યે તેને બહુમાન–ભક્તિ સહેજે હોય છે; તેથી દેવ–પૂજા, ગુરુસેવા વગેરે છ કર્તવ્ય શ્રાવકને રોજેરોજ હોય
છે.
પ્રશ્ન:– એક તરફથી એમ કહેવું કે ભૂતાર્થ–સ્વભાવના આશ્રયથી જ ધર્મ થાય છે, અને વળી બીજી
તરફથી દેવપૂજા–ગુરુસેવા વગેરે શુભર્ક્તવ્યનો ઉપદેશ આપવો–એ બંનેનો મેળ કઈ રીતે છે?
ઉત્તર:– ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરવાની જેનામાં પાત્રતા જાગી તેને વ્યવહારમાં આવા ભાવો હોય
જ છે, તેથી ભૂતાર્થસ્વભાવના આશ્રયને અને આ છ કર્તવ્યને વિરુદ્ધતા નથી પણ મેળ છે.–આનો અર્થ કાંઈ
એવો નથી કે જે શુભરાગ છે તેના વડે ધર્મ થાય છે.–ધર્મ તો ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ થાય છે–એ નિયમ
છે. ભૂતાર્થસ્વભાવના આશ્રયે જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ્યા તે જ ધર્મ છે–એવું ધર્મનું સ્વરૂપ
સ્થાપીને પછી ગૃહસ્થધર્માત્માની સ્થિતિ કેવી હોય તે અહીં ઓળખાવ્યું છે. ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરનાર
જીવને દેવપૂજા–ગુરુસેવા વગેરે શુભરાગ ન જ હોય–એવું તો નથી; હા, એટલું ખરું કે તે શુભરાગને તે ધર્મ ન
માને; છતાં તે ભૂમિકામાં બીજા અશુભરાગથી બચવા માટે તેને દેવ પૂજા–ગુરુસેવા વગેરે ભાવો જરૂર આવે
છે, તેથી તેને શ્રાવકનું કર્તવ્ય કહ્યું છે. શ્રાવકની ભૂમિકામાં તે પ્રકારનો શુભરાગ હોવાનો નિષેધ કરે તો તે
ધર્મનું સ્વરૂપ સમજ્યો નથી, તેમજ તે શુભરાગને ધર્મ માની લ્યે તો તે પણ ધર્મનું સ્વરૂપ સમજ્યો નથી.
શ્રાવકની ભૂમિકામાં એવો શુભરાગ હોય છે, એટલી આ વાત છે.
(૩) સ્વાધ્યાય:– વળી શ્રાવકનું ત્રીજું કર્તવ્ય શાસ્ત્રસ્વાધ્યાય છે. શ્રાવક હંમેશાં શાંતિથી–નિવૃત્તિ
પરિણામથી શાસ્ત્રસ્વાધ્યાય કરે. શબ્દે– શબ્દે જેમાંથી વીતરાગતા ઝરતી હોય એવા શાસ્ત્રના અભ્યાસનો
ધર્માત્માને પ્રેમ હોય, ને દિનેદિને તે શાસ્ત્રસ્વાધ્યાય–શ્રવણ–મનન કરે.
કોઈ કહે: બીજા કામ આડે અમને શાસ્ત્ર વાંચવાનો વખત નથી મળતો! તો કહે છે કે અરે ભાઈ!
વેપારધંધામાં કે રસોડાના પાપભાવમાં ચોવીસે કલાક તું ડુબ્યો રહે છે–તેમાં તને વખત મળે છે અને શાસ્ત્ર
વાંચવામાં તને વખત નથી મળતો,–તો તને આત્માની દરકાર જ નથી. ભોજનાદિ અન્ય કાર્યોને માટે તો
તને વખત મળે છે, રોજેરોજ છાપાના સમાચાર વાંચવાનો કે રેડિયો સાંભળવાનો ને નોવેલવાર્તા
વાંચવાનો વખત મળે છે અને અહીં કહે છે કે સત્શાસ્ત્ર વાંચવાનો વખત નથી મળતો, તો તારી રુચિની
દિશામાં જ ફેર છે. જે કામની ખરી જરૂરિયાત લાગે તેને માટે વખત ન મળે એમ બને જ નહિ. જેને જે
કામની ખરી લગની હોય તે કામને માટે તેને જરૂર વખત મળે જ છે; બીજે ઠેકાણે પરિણામને રોકવાને
બદલે પોતાને જે પ્રિય લાગ્યું તેમાં તે પોતાના પરિણામને રોકે છે. જીવ પોતાના પરિણામને ક્્યાંક ને
જુઓને, લૌકિક ભણતરમાં પ૦૦ કે ૧૦૦૦નો પગાર લેવા માટે કેટલા વર્ષો ગાળે છે! રાતના ઉજાગરા કરી
કરીને પણ વાંચે છે, તો અનંતભવની ભૂખ ભાંગનાર આ ચૈતન્યવિદ્યા ભણવા માટે કાંઈ ઉદ્યમ ખરો?
લૌકિક કામોમાં તો કલાકોના કલાક ગાળે છે, ત્યાં વખત ન મળવાનું બહાનું નથી કાઢતો, અને ધર્મકાર્યમાં
‘વખત નથી’ એવું બહાનું કાઢે છે–તો તેને ધર્મની ખરી રુચિ જ નથી. પરદેશથી પોતાના સગાવહાલાનો કે
પતિ વગેરેનો પત્ર આવે તો કેટલી ઉત્કંઠાથી વાંચે છે? તો વીતરાગીશાસ્ત્રોમાં ત્રિલોકનાથ તીર્થંકરોનો અને
સંતોનો સંદેશ આવ્યો છે કે અમે આ રીતે આત્માને સાધ્યો ને તમે પણ આ રીતે આત્માને સાધો;
ભગવાનનો આવો સન્દેશ આત્માર્થી જીવ કેટલી ઉત્કંઠાથી ને કેટલી પ્રીતિથી વાંચે? શાસ્ત્રમાં ભગવાને શું
કહ્યું–ને સંતોએ કેવો અનુભવ કર્યો–તે સમજવા માટે શ્રાવક રોજેરોજ પ્રીતિપૂર્વક શાસ્ત્રસ્વાધ્યાય કરે. તેને
જ્ઞાનનો એવો રસ હોય કે શાસ્ત્રસ્વાધ્યાયમાં બોજો ન લાગે ને પ્રીતિ લાગે. આ રીતે શાસ્ત્રસ્વાધ્યાય તે
શ્રાવકનું હંમેશનું કર્તવ્ય છે.
જેમ વેપારની પ્રીતિવાળો હંમેશાં ચોપડાનું નામું તપાસે છે ને લાભનુકશાનનું સરવૈયું કાઢે છે, તેમ
ધર્મની પ્રીતિવાળો હંમેશા ધર્મશાસ્ત્રોની સ્વાધ્યાય કરે, ભગ–