–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ ૧૯ અંક ૯) તંત્રી જગજીવન બાઉચંદ દોશી (અષાઢ: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શુદ્ધ ચૈતન્યપ્રકાશનો મહિમા
તે પરમજ્યોતિ સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતના પ્રકાશ જયવંત વર્તે
છે. જે શુદ્ધ ચેતના પ્રકાશમાં બધાય જીવાદિક પદાર્થોની પંક્તિ
પ્રતિબિમ્બિત થાય છે. કેવી રીતે? કે પોતાનાં સમસ્ત અનંત
પર્યાયો સહિત પ્રતિબિમ્બિત થાય છે. ભાવાર્થ–શુદ્ધ
ચૈતન્યપ્રકાશનો કોઈએવો જ મહિમા છે કે જેમાં જેટલા પદાર્થો
છે તે બધાય પોતાના આકાર સહિત પ્રતિભાસે છે.
જેમ દર્પણનાં ઉપરના ભાગમાં ઘટ પટાદિક પ્રતિબિમ્બિત
થાય છે. દર્પણના દ્રષ્ટાંતનું પ્રયોજન એમ જાણવું કે દર્પણને
એવી ઈચ્છા નથી કે હું એ પદાર્થોને પ્રતિબિમ્બિત કરું, જેમ
લોઢાની સોય ચુંબક પાષાણ પાસે સ્વયમેવ જાય છે તેમ દર્પણ
પોતાના સ્વરૂપને છોડી તેમને પ્રતિબિમ્બિત કરવા માટે પદાર્થો
પાસે જતું નથી તથા તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડી તે
દર્પણમાં પેસતા નથી. અને જેમ કોઈ પુરૂષ કોઈને કહે કે
અમારૂં આ કામ કરો જ કરો તેમ તે પદાર્થ પોતાના
પ્રતિબિમ્બિત થવા માટે દર્પણને પ્રાર્થના પણ કરતો નથી, સહજ
એવો જ સંબંધ છે કે જેવો તે પદાર્થનો આકાર છે તે જ
આકારરૂપ થઈને તે દર્પણમાં પ્રતિબિમ્બિત થાય છે.
પ્રતિબિમ્બિત થતાં દર્પણ એમ ન માને કે આ પદાર્થ મને ભલો
છે, ઉપકારી છે, રાગ કરવા લાયક છે. દર્પણને સર્વ પદાર્થોમાં
સમાનતા હોય છે.
દર્પણમાં કેટલાક ઘટ પટાદિક પદાર્થ પ્રતિબિમ્બિત થાય છે
પણ જ્ઞાનદર્પણમાં સમસ્ત જીવાદિક પ્રતિબિમ્બિત થાય છે, પણ
એવું કોઈ દ્રવ્ય અથવા પર્યાય નથી કે જે જ્ઞાનમાં ન આવે.
એવો શુદ્ધ ચૈતન્યપ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા છે અને તે જ
સ્તુતિ કરવા યોગ્ય છે. (શ્રી અમૃતચંદ્રાચાર્ય વિરચિત પુરૂષાર્થ
સિદ્ધિ ઉપાયની સ્વ. પં. ટોડરમલ્લજીકૃત ટીકા માંથી)