શુદ્ધાત્માના આશ્રયે જ મોક્ષમાર્ગ;
નિશ્ચયવ્યવહારની મર્યાદા
મોક્ષમાર્ગ પ્રકાશક અ૦ ૭ પૃ–૨પ૭ ઉપર પૂ૦ ગુરુદેવનું
પ્રવચન વીર સં–૨૪૮૮ ચૈત્ર સુદી–૧૩ મહાવીર જયંતિ
(મોક્ષમાર્ગ તો વીતરાગ ભાવ છે. તે શુદ્ધ
નિશ્ચયનયના વિષયભૂત ત્રિકાળીપૂર્ણ જ્ઞાનઘન
જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરવાથી પ્રગટે છે.
સંયોગ, શુભરાગ, વ્યવહાર–ભેદના આશ્રયે કોઈને
મોક્ષમાર્ગ પ્રગટે નહી. આ નિયમને જેઓ માનતા
નથી તેને નિમિત્તાધિન દ્રષ્ટિ હોવાથી સંયોગ અને
વિકાર (શુભરાગ) પણ આત્માના હિતમાટે
કાર્યકારી છે; બેઉ નય સમકક્ષી છે; ઉપાદેય છે એમ
તેઓ માને છે તેથી તેઓ કદિ પણ વીતરાગની
આજ્ઞા માનતા નથી, મોક્ષમાર્ગ શું છે, નવ તત્ત્વોના
ભિન્ન લક્ષણ શું છે કેમ છે તે જાણતા જ નથી.)
નિશ્ચયનય અને વ્યવહારનય એ બે નયોના અર્થમાં કેમ ભૂલ્યા છે? જૈન મતમાં રહીને પણ, શાસ્ત્રના
અર્થ નહીં સમજવાથી કેમ ભૂલ્યા છે તેનું વર્ણન ચાલે છે.
નિમિત્ત નૈમિત્તિકનો યથાયોગ્ય મેળ ગુણસ્થાનક અનુસાર હોય છે. ત્યાં જ્ઞાનીજીવને સ્વદ્રવ્યનું
આલંબન જેટલું વધારે છે તેટલો રાગ અને રાગનું નિમિત્ત મટે છે. ત્યાં નિમિત્તનું આલંબન છોડવાની
અપેક્ષાએ ભૂમિકાનુસાર આણે આનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કથન આવે. ગુણસ્થાન મુજબ ઉપાદાન
કાર્ય પરિણત થાય ત્યાં કેવું નિમિત્ત અને કેવો રાગ હોય તે બતાવવા નિમિત્તનું કથન આવે છે. શાસ્ત્રમાં
જ્યાં શુભરાગ વ્યવહાર રત્નત્રયનું સ્વરૂપ બતાવવા માટે તેને નિમિત્ત ગણીને ઉપચારથી–વ્યવહારથી
મોક્ષમાર્ગપણે નિરૂપણ કરવામાં આવે છે ત્યાં તેને જ મોક્ષમાર્ગ ન માની લેવો કારણ કે તે તો બંધના
કારણરૂપ આસ્રવભાવ છે.