અશાડ : ૨૪૮૮ : પ :
આત્મા તો સદાય અતીન્દ્રિય જ્ઞાનમય છે છતા તેને મૂર્તિક કહેવો; પરનો કર્તા, હર્તા કે સ્વામી કહેવો તે સ્થૂળ
વ્યવહારનયનું કથન છે. કોઈ જીવ પરનો કર્તા, પ્રેરક કે સ્વામી થઈ શકતો નથી પણ એવો વિકલ્પ–રાગભાવ
કરે છે. તે વિકલ્પનો પણ જ્ઞાની સ્વામી થતો નથી, કોઈપણ પ્રકારનો રાગ કરવા જેવો માને નહિ, પરવડે,
જડકર્મ વડે રાગદ્વેષ સુખદુઃખ થવાનું માને નહીં. નિમિત્ત નૈમિત્તિકનો મેળ બતાવવા શાસ્ત્રમાં વ્યવહારના
કથન ઘણા આવે છે. જોઈને ચાલવું–ઊઠવું–બેસવું, આમ લેવું મુકવું વગેરે, રાત્રી આહાર પાણી છોડું એમ
રાગ આવે ખરો, પણ ખરેખર આત્મા પરની ક્રિયાને કરી શકતો નથી. અજ્ઞાનથી બે દ્રવ્યમાં એકતાબુદ્ધિ
વાળો માને છે કે મેં વનસ્પતિ ખાવી છોડી છે, મેં આજે આહાર છોડયો, અમુક દ્રવ્યનો ત્યાગ કર્યો, એમ
ત્યાગનું અભિમાન કરે છે. હું આહાર લઈ શકું–છોડી શકું, હાથ ઊંચે ઉઠાવી શકું છું, હું પરવસ્તુને મેળવી શકું
છોડી શકું એ માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે.
આત્મા સદાય પોતાના ભાવનો કર્તા–હર્તા છે. પણ આહાર પાણી આદિ પર દ્રવ્યના ગ્રહણ ત્યાગનું
કાર્ય પરનું કાર્ય છે તેને કરવાનું સામર્થ્ય કોઈ આત્મામાં નથી.
પ્રશ્ન:– તો જ્ઞાની આ બધા કાર્યો કેમ કરે છે?
ઉત્તર:– સંયોગને દેખનાર બે દ્રવ્યની એકતા બુદ્ધિથી એમ માને છે પણ તેનો એ મિથ્યા પ્રતિભાસ છે.
તેના વિકલ્પ વ્યવહારથી એમ બોલાય કે આણે આનું કર્યું પણ ખરેખર એમ નથી. કેમકે જીવ તો શરીરથી
તદ્ન જુદા સ્વરૂપે છે.
જીવ પોતાનાં જ્ઞાનરૂપે હોવાથી પોતાના ભાવને જ કરી શકે છે. અમુક દશામાં રાગ મંદ પડે છે, જ્યાં
સુદેવાદિના આલંબનરૂપ રાગ હોય છે ત્યાં કુદેવ–કુશાસ્ત્ર–કુગુરુ આદિના આલંબનનો ત્યાગ થઈ જાય છે,
અમુક આહાર ન લઉં, આનો ત્યાગ કરૂં એ પ્રકારે ચરણાનુયોગ શાસ્ત્રના કથન છે અને એવો રાગ જ્ઞાનીને
પણ આવે છતાં ખરેખર તે મોક્ષમાર્ગ નથી પણ બંધમાર્ગ છે.
કોઈ નિમિત્તને લાવી છોડી શકે એવી તાકાત આત્મામાં નથી છતાં વ્યવહારથી એમ બોલાય છે–તે
કહેવા માત્ર છે, આવો રાગ લાવું અને છોડું એ પણ વ્યવહારનું કથન છે. જો રાગનું ગ્રહણ–ત્યાગ આત્મામાં
(ત્રિકાળી સ્વભાવમાં) હોય તો તે કદિ છૂટી શકે નહિ, પણ તે પરાશ્રયવડે થતો ક્ષણિક અને વિશુદ્ધભાવ
હોવાથી સ્વાશ્રય વડે છૂટી જાય છે માટે રાગાદિ આત્માનો સ્વભાવ નથી. જે સ્વભાવમાં નથી તે પોતાના
હિતમાં મોક્ષમાર્ગમાં મદદ કેમ કરે?
બહુ મુદની વાત આવી છે. આજે મહાવીર ભગવાનની જન્મ કલ્યાણક જયંતિનો દિવસ છે. જન્મ
જયંતિ તો સાધારણ પ્રાણીની પણ ઉજવાય છે પણ તીર્થંકરભગવાનના જન્મ કલ્યાણક પ્રસંગે ઈન્દ્રો આવીને
મહોત્સવ ઉજવે છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું ત્યારથી જ્ઞાયક સ્વભાવની વીરતા પ્રગટ થાય છે. સર્વજ્ઞ ભગવાન
ક્ષુધા તૃષાદિ ૧૮ દોષ રહિત હોય છે, સર્વજ્ઞ દશા પ્રાપ્ત થતાં તીર્થંકરને તો વાણીનો યોગ હોય છે. પાત્ર જીવને
આત્મ સ્વભાવ તરફ પ્રેરે, વીતરાગતા અને જ્ઞાતાપણું એ જ કર્તવ્ય છે એમ બતાવે, એવા આત્માને વીર
કહેવામાં આવે છે.
વીર પ્રભુનો માર્ગ અંદરમાં છે પૂર્ણ સ્વરૂપની રુચિ મહિમા વડે–મિથ્યાત્વ રાગાદિની ઉત્પતિ થવા ન દે
રાગની રુચિરૂપ દિનતા થવા ન દે એટલે કે જ્ઞાતા રહે તેમાં વીર પ્રભુનો માર્ગ છે.
મહાવીર ભગવાને કહેલો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ હિતનો ઉપાય–મોક્ષમાર્ગ છે, તેને
અનિયટ્ટગામી એટલે પાછા ન ફરે એવા વીર ધર્માત્મા સંતો અંદર આત્મતત્ત્વમાં એકાગ્રતાના બળ વડે
(મોક્ષમાર્ગને) સાધે છે. વીરપ્રભુના પંથે ચડેલા મહાપુરુષાર્થી અફર ગામી હોય છે. જે પંથે ચડયા તે ચડયા
કેવળજ્ઞાન લીધ્યે છુટકો એવો નિઃસંદેહ અપૂર્વમાર્ગ આ કાળે પણ સ્પષ્ટ સમજી શકાય છે. મુનિ હો કે ગૃહસ્થ
હો, દેવ, નારકી અથવા પશુનું શરીર હોય પણ હું પરનું ગ્રહણ ત્યાગ કરી શકું, પરથી કોઈનું કાર્ય થઈ શકે,
રાગથી ભલું થઈ શકે એવો અભિપ્રાય કોઈ જ્ઞાનીનો હોતો નથી. શુભાશુભ રાગ નીચલી દશામાં હોય પણ
તેનાથી આત્માનું હિત થાય; ભગવાનની ભક્તિથી કલ્યાણ થાય એમ કોઈ જ્ઞાની માને નહીં. છતાં અશુભ
રાગમાં ન જવા ભક્તિ વગેરેનો રાગ આવે ખરો.