: ૨૦ : આત્મધર્મ : ૨૨૬
અજ્ઞાની અજ્ઞાનભાવથી માત્ર પોતાના વિકાર ને જ કરતો હતો ને પુદ્ગલકર્મને નિમિત્ત થયો હતો.
હવે તે વાતની ગુલાંટ મારીને જ્ઞાનીનું કાર્ય આચાર્યદેવ સમજાવે છે કે જ્ઞાનીધર્માત્મા પોતાના જ્ઞાનસ્વભાવથી
ભરેલા એવા જ્ઞાનમયભાવને જ કરે છે અને પુદ્ગલદ્રવ્યના પરિણામને તે પોતાના જ્ઞાનનું જ નિમિત્ત બનાવે
છે.
* અજ્ઞાની તો પોતાના ઉપયોગને મલિન કરીને પુદ્ગલનું નિમિત્ત બનાવતો હતો.
જ્ઞાની તો પુદ્ગલના પરિણામને પોતાના નિર્મળ ઉપયોગનું જ્ઞેય બનાવતો થકો–તટસ્થપણે તેને
જાણતો થકો–તેમાં જોડાયા વગર તેનો જ્ઞાતા રહેતો થકો–તેને પોતાના જ્ઞાનનું જ નિમિત્ત બનાવે છે.
જ્ઞેયજ્ઞાયકરૂપ નિર્દોષ સંબંધ સિવાય પર સાથે જ્ઞાનીને બીજો કોઈ સંબંધ નથી, વિકારરૂપ નિમિત્ત–
નૈમિત્તિક સંબંધ તેને તૂટી ગયો છે. જ્ઞેય–જ્ઞાયક સંબંધમાં તો પોતાના સ્વ–પરપ્રકાશક સામર્થ્યની પ્રસિદ્ધિ છે,
તેમાં કાંઈ વિકાર નથી. દ્રષ્ટિના જોરે જ્ઞાનસ્વભાવના આશ્રયે સ્વ–પર પ્રકાશ સામર્થ્યનો જ્ઞાનીને વિકાસ જ
થઈ રહ્યો છે, તે તો પોતાના જ્ઞાનમયભાવમાં (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે ત્રણેય જ્ઞાનમય ભાવ જ છે–
તેમાં) જ પરિણમે છે; તેના જ્ઞાનમયભાવમાં બધા આગમનો સાર આવી ગયો છે, તે જીવ ‘અબંધપરિણામી’
થઈ ગયો છે.
અબંધસ્વભાવી તો બધા આત્મા છે ને જ્ઞાની તો ‘અબંધપરિણામી’ છે, જ્ઞાનીના પરિણામ અબંધ છે–
બંધપરિણામ જ્ઞાનીને છે જ નહિ. અબંધપરિણામ થયા તે કોને નિમિત્ત થાય? અબંધપરિણામ શું કર્મના
નિમિત્ત થાય? અબંધપરિણામ તો જ્ઞાન ને આનંદમય છે; આવા અબંધ પરિણામે પરિણમતો જ્ઞાની વિકારનો
કર્તા નથી. કર્મબંધનો નિમિત્ત નથી. વાહ! વિકારથી ને કર્મથી છુટો જ થઈ ગયો.
પ્રસિદ્ધ હો કે સમ્યગ્દર્શન તે સંવર–નિર્જરા ને મુક્તિ છે, ને સમ્યગ્દ્રષ્ટિ આસ્રવ–બંધ નથી. અને પ્રસિદ્ધ
હો કે મિથ્યાત્વ હી સંસાર હૈ; મિથ્યાદ્રષ્ટિને જ આસ્રવ બંધ છે. આહા, દ્રષ્ટિની આ વાત સમજે તો આખી દશા
ફર જાય.
જ્ઞાનાવરણ વગેરે આઠેય કર્મ, શરીર વગેરે–નોકર્મો કે રાગાદિ ભાવકર્મો તે બધાયને જ્ઞાની પોતાના
જ્ઞાનપરિણામથી ભિન્ન જ દેખે છે. તેનો થઈને તેને નથી જાણતો, પણ તટસ્થ રહીને તેને જાણે છે, જ્ઞાનમય
રહીને જ જાણે છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે. ‘જ્ઞાન’ કયું? કે અંદરમાં વળીને અભેદ થયું તે; એકલા
શાસ્ત્ર વગેરે બહારના જાણપણાને અહીં જ્ઞાન નથી કહેતા; જ્ઞાનસ્વભાવ તરફ વળીને તેમાં તન્મયપણે
આનંદનો અનુભવ કરતું જે જ્ઞાન પ્રગટ્યું તે જ્ઞાનના જ જ્ઞાની કર્તા છે.
દસ લક્ષણી પર્યુષણ પર્વ
સોનગઢમાં દર સાલની જેમ ભાદરવા સુદ પાંચમને મંગળવાર તા. ૪–૯–૬૨થી
ભાદરવા સુદ ૧૪ ગુરુવાર તા. ૧૩–૯–૬૨ સુધીના ૧૦ દિવસ દસ લક્ષણ ધર્મ–પર્યુષણ
પર્વ તરીકે ઉજવાશે આ દિવસો દરમ્યાન દસ લક્ષણ મંડળ વિધાન પૂજન, રત્નત્રય
આદિ પૂજન તથા ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણ ધર્મો ઊપર પૂ. ગુરુદેવનાં ખાસ પ્રવચનો
થશે સુગંધ દસમી આદિ વૃત વિધાન હરસાલ મુજબ ઉજવાશે.
ધાર્મિક પ્રવચનોના ખાસ દિવસો–શ્રાવણ વદ ૧૩ સોમ તા. ૨૬–૮–૬૨ થી
ભાદરવા સુદ ૪ સોમ તા. ૩–૯–૬૨ સુધીના આઠદિવસ દરમ્યાન પૂ. ગુરુદેવના ખાસ
પ્રવચનો થશે
વાર્ષિક બેઠક–શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક ભાદરવા સુદ
બીજના રોજ મળશે સૌ સભ્યોએ હાજર રહેવા વિનંતી છે; ગયે વર્ષે ચૂટાયેલા કાર્ય
વાહકોને પણ હાજર રહેવા વિનંતી છે.