–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ગુરુનામ મહાનનું છે, જેનામાં જે પ્રકારની મહંતતા હોય તેને તે પ્રકારથી
ગુરુસંજ્ઞા સંભવે છે. જેનામાં ધર્મઅપેક્ષાએ મહંતતા હોય, તે જ ગુરુ જાણવા. ગુરુમાં
ખાસ વાત શું હોય છે તે બતાવવા માટે આત્મ અવલોકન ગ્રંથમાં કહ્યું છે કે:–
वियरायं वियरायं जियस्सणिय ससरुओ वियरायं।
मुहुमुहु गणदि वियरायं, सो गुरुपयं भासदि सया।।२।।
અર્થ:–જીવનું નિજ સ્વરૂપ વીતરાગ છે–એમ વારંવાર કહે છે તેને જ ગુરુ પદવી
શોભે છે.
ભાવાર્થ:– ૨૮ મૂળગુણ (નિશ્ચય સમ્યગ્દર્શનાદિ સહિત પાંચ મહાવ્રત, પાંચ
સમિતિ, પાંચ ઈન્દ્રિય નિરોધ, છ આવશ્યક, કેશલોચ, અસ્નાન, નગ્નતા, અદંતધોવન,
ભૂમિશયન, ઊભા ઊભા ભોજન અને દિવસે એકવાર આહાર ગ્રહણ) ૨૨ પરીષહજય,
પંચાચાર આદિ સહિત બિરાજમાન, પરમાણુ માત્ર બાહ્યપરિગ્રહ અને અંતરંગમાં પણ
પરમાણુ માત્ર પરિગ્રહની ઈચ્છા નથી. ઉદાસીન ભાવે જ બિરાજમાન છે, નિજસ્વભાવ
જાતિસ્વરૂપનું સાધન કરે છે, (સ્વરૂપમાં) સાવધાન થઈ સમાધીમાં લવલીન હોય છે.
સંસારથી ઉદાસીન પરિણામ કર્યા છે એવા જૈન સાધુ છે. તેઓ પોતાને તો
વીતરાગરૂપ અનુભવે છે. મનને સ્થિરીભૂત કરીને રહે છે અને જ્યારે કોઈને ઉપદેશ
પણ દે છે ત્યારે બીજું બધું છોડીને જીવનું નિજ સ્વરૂપ એક વીતરાગ તેને જ વારંવાર
કહે છે. અન્ય કોઈ અભ્યાસ તેમને નથી, માત્ર આજ અભ્યાસ છે. પોતે પણ અંતરંગમાં
પોતાને વીતરાગરૂપ અભ્યાસે છે.
બાહ્યમાં પણ જ્યારે બોલે છે ત્યારે“આત્માનું સ્વરૂપ વીતરાગ છે” એ જ બોલ
બોલે છે. એવો વીતરાગનો ઉપદેશ સાંભળી જે આસન્ન ભવ્ય (અલ્પકાળમાં મુક્તિપદ
પામવાની યોગ્યતાવાળા જીવ) ને નિઃસંદેહપણે વીતરાગી નિજ સ્વરૂપનું ભાન–
સ્પષ્ટભાવભાસન–થાય છે. એવું વીતરાગી કથન છે. તે જૈન સાધુને આસન્ન ભવ્ય ગુરુ કહે
છે, કેમકે બીજો કોઈ પુરુષ એવા તત્ત્વનો ઉપદેશ કરતો નથી. તેથી આ જ પુરુષને ગુરુની
પદવી શોભે છે. બીજાને શોભતી નથી. એમ નિઃસંદેહ પણે જાણવું. (આ ઉપરથી વિશેષ એ
સમજવા જેવું છે કે વીતરાગતા, યથાર્થતા, સ્વતંત્રતા બતાવે તે જૈનગુરુને ગુરુપદ શોભે છે,
પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કાર્ય કરી શકે, નિમિત્ત મેળવી શકાય, બીજાનું ભલું–
બૂરું કરી શકાય, પરથી લાભ–નુકશાન થઈ શકે અને શુભરાગથી આત્માનું ભલું થઈ શકે
એમ બતાવે, અથવા માને તેને જૈનધર્મમાં ગુરુપદવી શોભતી નથી.)