Atmadharma magazine - Ank 227
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 25

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૨૭
ભાવાર્થ:– આ રીતે સમ્યગ્દ્રષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી, અજ્ઞાન વડે જે બંધ થતો હતો તે
થતો નથી. કર્મની નિર્જરા છે અને આત્મા પુષ્ટ થાય છે.
આત્મવીર્યની ગતિ ચૈતન્યમાં ઢળી છે તેથી તેની પર્યાય પુષ્ટ થાય છે.
અલ્પજ્ઞતા, રાગ અને નિમિત્તના માહાત્મ્યની દ્રષ્ટિ છોડ અને નિર્વિકાર સર્વજ્ઞ સ્વભાવનું માહાત્મ્ય
કર. એ સમ્યગ્દર્શન પામવાનો ઉપાય છે.
મોક્ષના રાહે ગયો તે મોક્ષની નજીક થાય છે. અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાની તે તૈયારી કરી રહ્યો છે.
સમ્યગ્દ્રષ્ટિને પર્યાયમાં નિર્બળતા છે પણ અભિપ્રાયમાં નિર્બળતા–કાયરતા કે ઓછપ નથી, અભિપ્રાય
તો પૂર્ણ પરમાત્માનો સ્વીકાર કરનાર છે.
પૂર્ણ સર્વજ્ઞ સ્વભાવની રુચિમાં તે વિભાવની રુચિ થવા દેતો નથી. આ રીતે ત્રિકાળ જ્ઞાયક
સ્વભાવના મહિમાની દ્રષ્ટિ થઈ તેમાં અનંત સવળો પ્રયત્ન (ઉદ્યમ) છે.
અસંગ જ્ઞાનાનંદ સ્વરૂપને ઓળખી તેના શ્રદ્ધા–જ્ઞાનનું અનંત બળ દેનારો આ આત્મા છે, એમ જાણી
અંતરમાં સમાવું તે સુખી થવાનો ઉપાય છે.
દુઃખથી મુક્ત થવું હોય તેણે જ્ઞાન–આનંદસ્વભાવની સમીપ આવી જવું, બાકી કોઈ ઉપાય ત્રણકાળ
ત્રણ લોકમાં નથી. સમાધીના યોગ બળથી દેશને દુઃખથી મુકાવી દેશું, સ્વર્ગ નીચે ઉતારશું એવી અન્યમતની
વાતો અજ્ઞાનીને મીઠી લાગે છે. પણ દુઃખ ક્્યાં છે? કેમ થયું છે? તેની તેને ખબર જ નથી. જીવ નિત્ય આનંદ
સ્વરૂપે છે, આનંદ શક્તિનું સત્ત્વ તું છે, તેનાથી વિરુદ્ધતા તે દુઃખ છે. સંયોગથી સુખ કે દુઃખ નથી. તારી
દશામાં ઊંધા પુરુષાર્થથી આનંદ સ્વભાવને તું ભૂલ્યો છે તે દુઃખ છે. પરસન્મુખ દ્રષ્ટિમાં તારા દુઃખનો સાગર
ભર્યો છે. સ્વ સન્મુખ દ્રષ્ટિમાં તારા સુખનો સાગર ભર્યો છે. શરીરમાં ક્ષુધા, તૃષા કે રોગથી દુઃખ નથી, પણ
તારી દશામાં ઊંધી માન્યતાથી દુઃખ છે.
અંતર દ્રષ્ટિ વડે કર્મોદયને જીતે છે એટલે સ્વભાવને પ્રગટ કરે છે એ જ આનંદનો ઉપાય છે.
ગા. ૨૩૪ ટીકા–કારણ કે ધર્મી જીવ ટંકોત્કીર્ણ જાગતી ચૈતન્યજ્યોત તે હું એવી દ્રષ્ટિ હોવા છતાં નબળાઈથી
ચ્યુત થાય તો તેને સમ્યક્ રત્નત્રયરૂપ અંતરંગના માર્ગમાં સ્થિત કરતો હોવાથી સ્થિતિ કરણ યુક્ત છે.
બીજાને પણ રત્નત્રયથી ભ્રષ્ટ દેખી સ્થિર કરવાનો ભાવ આવે છે તે વ્યવહાર સ્થિતિકરણ છે.
તત્ત્વાર્થ સૂત્રમાં માર્ગથી ન ડગવા નિર્જરાર્થે પરિસહ સહન કરવાનું કહ્યું છે તે નિશ્ચયથી છે. સ્વતંત્ર
સ્વભાવનું ભાન કરે તે ભલે કદાચ ૮ વર્ષની બાલિકા હોય છતાં સમ્યગ્દર્શન પામી જાય. તે ભેદ જ્ઞાનથી
અપૂર્વ આંતરો પાડે કે અમે તો નિત્યજ્ઞાનાનંદ આત્મા છીએ, શરીર અને રાગાદિ અમે નથી, દેહનાં કાર્ય
અમારાં નથી, આમ સ્વભાવ ભાસન રૂપ ભેદજ્ઞાન હોવા છતાં કદાચ કોઈ પરણે પણ ભાન ન ભૂલે.
સમ્યગ્દ્રષ્ટિ રાજ્યમાં હોય કે નરકમાં હોય પણ તેને સ્વલક્ષે શુદ્ધિની વૃદ્ધિ થયા કરે છે.
કોઈને પ્રશ્ન થાય કે ત્યાં તો અશુભ ભાવ પણ આવે છે, તો શુદ્ધિની વૃદ્ધિ કેમ થાય? તો તેને કહે છે કે
ભાઈ! સ્વભાવદ્રષ્ટિની તેને મુખ્યતા છે તેથી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. ચક્રવર્તી રાજાને હજારો રાણીઓ છે માટે
નિર્જરાનો નિયમ તેને લાગુ ન પડે એમ નથી.
સમ્યગ્દ્રષ્ટિ ચારે ગતિમાં ગમે ત્યાં હોય, સ્ત્રી, પુરુષ, કે નપુંસક હોય તો પણ તેને નિર્જરા થયા જ કરે
છે. તે નરકાદિ ક્ષેત્રમાં નથી પણ આત્મામાં છે. શ્રેણિક રાજાનો જીવ ભવિષ્યમાં તીર્થંકર થશે, અત્યારે નરકમાં
છે. ત્યાં પણ તેને ક્ષણે ક્ષણે શુદ્ધિ દ્વારા નિર્જરા થાય છે.
યોગેન્દ્રદેવ કૃત યોગસાર દોહામાં આવે છે કે–“સમ્યગ્દ્રષ્ટિ જીવને દુર્ગતિ ગમન ન થાય, કદિ થાય તો
દોષ નહીં, પૂર્વ બદ્ધ ક્ષય થાય” નરકમાં હોય તો પણ તેની દ્રષ્ટિ રાગાદિમાં અને સંયોગોમાં નથી. તે સર્વથી
પૃથક્ એવા જ્ઞાયક સ્વભાવમાં છે. સ્વભાવની દ્રઢતાથી વારંવાર અંતર અવલોકન કરવાવાળો સમ્યગ્દ્રષ્ટિ હોય
છે. તેથી તેને નિર્જરા થાય છે.