ભાદરવા : ૨૪૮૮ : ૯ :
એવા ત્રિકાળી સ્વભાવની મહત્તા અને ક્ષણિક વિભાવની તુચ્છતા વડે ચૈતન્યધ્રુવધામ અખંડ એક
જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી તેને નિર્જરા થાય છે.
મૂળગાથામાં દોષને–સર્વ વિભાવધર્મને ગોપવે છે એમ કહ્યું હતું, અહીં ટીકામાં અસ્તિથી નિર્મળતા
શુદ્ધિની વૃદ્ધિથી ઉપબૃંહણ કહેલ છે.
જેને વર્તમાન વિભાવ અને ત્રિકાળી સ્વભાવનું ભેદજ્ઞાન થયું છે, શુભાશુભ વૃત્તિ ઊઠે તે મારી ચીજ
નથી. અંતરમાં અનંતજ્ઞાન, દર્શન, આનંદ, વીર્યશક્તિ છે તે મારું સ્વ છે. એવા અનંતગુણનિધાન સ્વરૂપને જે
જાણે તે જ્ઞાની છે. આત્મામાં એકાગ્ર થઈ સ્વને પકડવાની તાકાત સહિત જે પ્રગટ થાય છે એ જ્ઞાનની
પર્યાયને સમ્યગ્જ્ઞાન કહેવાય છે.
સમ્યગ્દ્રષ્ટિએ સ્વસન્મુખજ્ઞાનવડે અનંત ગુણના પિંડરૂપ આત્માને લક્ષમાં લઈને નિજશક્તિને
અંતરમાં વાળી છે તેથી નિર્મળ પર્યાય શક્તિ વધતી જાય છે, તેને નિર્જરા કહે છે. ઉપવાસની સંખ્યાના
આધારે નિર્જરા નથી પણ પરિણામ અનુસાર નિર્જરા છે.
ઉપયોગમાં શુભ–અશુભ હોય તે અનુસાર બંધ છે. ગ્રહણ–ત્યાગના વિકલ્પ રહિત, જ્ઞાન દર્શનમય
એકાકાર સ્થિર ઉપયોગ તે શુદ્ધ પરિણામ છે તે અનુસાર નિર્જરા છે. નિત્ય જ્ઞાનસ્વરૂપના આશ્રયે પોતામાં
નિઃશંક થયો તે જીવ હિત–અહિતરૂપ પોતાનાભાવોને બરાબર જાણે છે. સ્વશક્તિને સંભાળી સાવધાન થયો
પછી કોઈનો ડગાવ્યો ડગે નહિ. શક્તિવાનનું જોર–અંદર અભેદ સ્વભાવ ઉપર હોવાથી સમ્યગ્દ્રષ્ટિ
આત્મશક્તિને વધારનાર છે. તેથી તેને પર્યાયમાં નબળાઈના કારણે બંધ થતો હતો તે થતો નથી.
સર્વ ભેદને ગૌણ કરનાર અખંડ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં એવું જોર વર્તે છે કે કોઈ પણ સમયે ચૈતન્ય
એકરૂપ સ્વભાવથી જે વિરૂદ્ધભાવ તેનો આદર થવા દેતો નથી, તેમજ સ્વસન્મુખજ્ઞાતાપણાની ધીરજમાં
સાવધાન રહે છે તેથી પૂર્વે અજ્ઞાનદશામાં જે પોતાને ભૂલી અંશમાં શુભાશુભરાગમાં પોતાપણું માનતો તેથી
બંધ થતો હતો તે થતો નથી.
દ્રષ્ટિ બદલી કે હું ક્ષણિક નબળાઈ રાગદ્વેષ હર્ષ–શોક જેવો ને જેટલો નથી પણ બેહદ સબળ જ્ઞાન
સ્વભાવી છું, વિકારનો નાશક છું એવા મહાન સામર્થ્યમય અનંતઆત્મબળનું ભાન થતાં પામરતાને કારણે
બંધ થતો હતો તે હવે થતો નથી.
દ્રવ્ય–ગુણ તો સદા પરિપૂર્ણ છે. માત્ર પર્યાયમાં હીનાધિકતા છે, તેને ગૌણ કરી ત્રિકાળી પૂર્ણ છું તે
દ્રષ્ટિથી અભેદનો અનુભવ કરતાં સમ્યગ્દર્શન થાય છે. અકષાય પૂર્ણ આનંદના લક્ષે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. જે
પ્રકારે વસ્તુ છે તેનું તે પ્રકારે જ્ઞાન અને માહાત્મ્ય ન આવે તો દુઃખ સાગરમાં બૂડે છે.
ચૈતન્યમાં સંકલ્પ–વિકલ્પની જાળ નથી. નિશ્ચય સ્વભાવ વિકલ્પથી ખાલી છે ને શુદ્ધ સ્વભાવથી
પરિપૂર્ણ છે. એ સ્વભાવની દ્રષ્ટિના બળથી જ્ઞાનીને શુદ્ધિની વૃદ્ધિ ને અશુદ્ધિની હાનિરૂપ નિર્જરા થાય છે.
ગા. ૨૩૩નો ભાવાર્થ:–
પોતાના શુદ્ધ સ્વભાવમાં લીનતા તે સિદ્ધ ભક્તિ છે. ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં દ્રષ્ટિ જોડી એટલે અન્ય
જ્ઞેયો તરફ દ્રષ્ટિ રહી નહિ, અને તેમ થતાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે.
આવી વસ્તુસ્થિતિ ભગવાને જોઈ છે. એ દ્રષ્ટિ જેને પ્રગટે તેને નિર્જરા છે.
શુદ્ધ ચૈતન્ય ધ્રુવ ધામ ઉપર જેની દ્રષ્ટિ છે તે ઉપગૃહન આદિ ગુણ વડે શુદ્ધિને વધારનારો છે.
વહેવારમાં કોઈ અલ્પજ્ઞતાનો દોષ દેખી તેનો અનાદાર કરી નાખે એવું ધર્માત્મામાં હોય નહિ.
“સાચું સગપણ સાધર્મી તણું અવર સવિ જંજાળ રે લાલ.
ભવિકજન સાચું સગપણ સાધર્મી તણું રે લાલ.”
ધર્મી જીવને પોતાના ધર્મનું બહુમાન આવ્યું છે તે બીજાના દોષ ગોપવે, ધર્મની નિંદા થાય તેવું કોઈ
કાર્ય તે કરે નહિ. તે પોતાના ગુણ ગોપવે, પણ પોતાના દોષ ગોપવે નહિ, તે બીજાના દોષ ગોપવે છે.
સમ્યગ્દ્રષ્ટિની ભૂમિકામાં આવતા વિકલ્પો તેની યોગ્યતાથી વિરુદ્ધ ન હોય.