–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
નિર્ગ્રંથનો પંથ ભવ
અંતનો ઉપાય છે
ત્રિકાળ નિર્વિકાર જ્ઞાતા સ્વરૂપના અવલંબન વડે ક્ષણિક વિકારથી
પોતાને ભેદજ્ઞાન થઈ શકે છે. ભવનું કારણ વિકાર છે. નિત્ય એકરૂપ સામાન્ય
સ્વભાવમાં વિકાર નથી માટે ઉપાદેયરૂપ નિજ અખંડ સ્વરૂપની નિર્વિકલ્પ
શ્રદ્ધા કરવાથી સમસ્ત સંસારની રુચિ છૂટી જાય છે. બેહદજ્ઞાયક સ્વભાવ ઉપર
એકત્વની દ્રષ્ટિથી જાગ્યો તે અલ્પકાળમાં વિકાર ટાળી મોક્ષ લેશે.
જ્ઞાની ચિંતવે છે કે હું પરિપૂર્ણ જ્ઞાયક સ્વભાવી આત્માનો સદા આદર
કરનારો છું, સ્વપ્નામાં પણ અસત્ (તત્ત્વથી વિરુદ્ધ) ભાવનો આદર કરનારો
નથી. સર્વ વિભાવથી જુદો જે ત્રિકાળ નિર્મળ સ્વભાવ તે જ હું છું, એવી
નિઃશંક રુચિ સાધક જીવને નિરન્તર વર્તે છે. તેને વિકલ્પનું વ્યવહારનું જરાય
આલંબન નથી. દ્રષ્ટિ બધા ભેદ (વ્યવહાર) ઉપરથી ઉઠાવીને એકરૂપ પૂર્ણ
સ્વભાવમાં સ્થાપી, પછી ભવનાં કારણોમાં–ક્ષણિક વિકારમાં ઉત્સાહ રહેતો
નથી.
શુદ્ધિનું કારણ અખંડ સ્વવસ્તુનો આશ્રય છે. સ્વાશ્રયના જોરે વિકલ્પ
તૂટે છે.
સ્વરૂપમાં ઉગ્ર અવલંબન રૂપ એકાગ્રતાના બળથી ચારિત્ર પ્રગટે છે.
મુનિને વારંવાર છઠું સાતમું ગુણસ્થાન આવે છે. મહાવ્રતાદિના વિકલ્પ આવે
છે તેમાં તેઓ મોક્ષમાર્ગરૂપ ધર્મ માનતા નથી. મુનિદશામાં કે તે પહેલાં
શુભરાગ આવે છે તે આત્માને હિતકર છે, મદદગાર છે એમ તેઓ માનતા
નથી. પણ નિજ કારણ પરમાત્મામાં નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–લીનતા રૂપે,
એકાકારપણે, નિર્વિકલ્પ આનંદ રસને મોક્ષમાર્ગ માને છે ને તેમાં વર્તે છે એવા
નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.
યથાર્થ દ્રષ્ટિ અને વિપરીત દ્રષ્ટિનો આધાર તથા તેનું ફળ
યથાર્થ દ્રષ્ટિનો આધાર આત્મા છે તેનું ફળ શુદ્ધ સિદ્ધ દશા છે;
વિપરીતદ્રષ્ટિનો આધાર અજ્ઞાનભાવ છે અને તેનું ફળ સંસારમાં એકેન્દ્રિય
દશા છે. આ સંસારરૂપી રથને મિથ્યાત્વરૂપી ધુરી છે અને પુણ્ય–પાપરૂપી બે
ચક્ર છે.
(પૂ. ગુરુદેવ)