: ૧૨ : : બ્રહ્મચર્ય અંક :
આત્માના લક્ષ વગર સ્પર્શેન્દ્રિયના વિષયને છોડીને કોઈ જીવ શારીરિક બ્રહ્મચર્ય તો પાળે પણ
કડવાશમાં દુઃખ અને લાડવા ખાવામાં સુખ–આનંદ માને તો તેણે ‘રસ’ સાથે વિષય કર્યો છે એટલે તેનું
ખરેખર બ્રહ્મચર્ય જીવન નથી પણ વિષયી જીવન છે.
તેવી રીતે દુર્ગંધમાં દુઃખ અને સુગંધમાં સુખ માને તો તેણે “ગંધ,, સાથે વિષય કર્યો છે.
તેમ, સ્ત્રી આદિની આકૃતિને કારણે વિકાર થવાનું માને અને ભગવાનની મૂર્તિ વગેરેના કારણે
વીતરાગતા થવાનું માને, અગર રૂપને લીધે જ્ઞાન થયું એમ માને તો તેણે ‘રૂપ (વર્ણ) સાથે વિષય કર્યો છે.
વળી, નિંદા વગેરેના શબ્દો દ્વેષ કરાવે અને પ્રશંસાના શબ્દો રાગ કરાવે અથવા દેવ–ગુરુની વાણીથી
મને જ્ઞાન થાય–એ જેણે માન્યું છે તેણે ‘શબ્દ’ સાથે વિષય કર્યો છે.
અને બ્રહ્મચર્યના નામે જેણે માન પોષવાની કે બીજી કોઈ વસ્તુની રુચિ હોય તો તે જીવે માન સાથે
વિષય કર્યો છે.
ઉપર પ્રમાણે જે જીવની પરિણતિ પોતાના સ્વઘરને છોડીને પર ઘરમાં ભમે છે, આત્મવિષય છોડીને
પર વિષયોમાં એક્તા કરે તે જીવ ખરેખર બ્રહ્મચારી નથી પણ અબ્રહ્મચારી છે. સમ્યગ્દર્શનમાં સ્વદ્રવ્યને
વિષય કરનાર છે જે સ્વદ્રવ્યનો વિષય કરે તેને પરદ્રવ્યનો વિષય ટળે, જે સ્વદ્રવ્યને વિષય ન કરે ને પર દ્રવ્ય
સાથે જ વિષય કરે તેને કદી વિષય ટળે નહીં.
કોઈ જીવ શુભરાગના વેગવડે બાહ્ય ત્યાગી–દ્રવ્યલિંગી તો થઈ જાય પણ એમ માનતો હોય કે મને
નિમિત્તથી લાભ–નુકશાન થાય, અથવા તો જે પુણ્યની વૃત્તિ થાય છે તે મને ધર્મનું કારણ છે, તો તે–જીવે પર
વિષયનો અને પરભાવનો સંગ જરા પણ છોડ્યો નથી, ને તેને આત્મિક બ્રહ્મચર્ય જરાપણ પ્રગટ્યું નથી.
પુણ્યભાવ તો પર વિષયના લક્ષે જ થાય છે. તે પુણ્યને જેણે ધર્મ માન્યો તેણે ખરેખર પરવિષયોમાં સુખ છે–
એમ જ માન્યું છે. તેથી તેને અંતરમાં પરવિષયોનો સંગ છોડવાની રુચિ નથી પણ પર વિષયોનો સંગ
કરવાની રુચિ છે. પર વિષયોનોસંગ કરવાની રુચિ તે અબ્રહ્મચર્ય જ છે. જે જીવ દેવ–ગુરુ–શાસ્ત્રથી આ
આત્માને લાભ થાય એમ માને તે જીવને દેવ–ગુરુ–શાસ્ત્રના વિષયને છોડવાની રુચિ નથી પણ દેવ–ગુરુ–
શાસ્ત્રનો વિષય કરવાની રુચિ છે. જેમ સ્ત્રી વગેરેમાં સુખબુદ્ધિ તે વિષય છે, તેમ દેવ–ગુરુ–શાસ્ત્ર પણ
પરવિષય છે; તેમાં સુખબુદ્ધિ તે પણ વિષય જ છે. એક અશુભ છે અને બીજો શુભ છે એટલું જ; પરંતુ છે તો
બન્ને વિષય, એક અબ્રહ્મના જ તે બે પ્રકાર છે.
મારા અસંગ ચૈતન્યતત્ત્વને કોઈ પર દ્રવ્યનો સંગ જરાપણ નથી. પર દ્રવ્યના સંગથી મારામાં જરાપણ
સુખ નથી, પણ પર દ્રવ્યના સંગ વગર જ મારા સ્વભાવથી મારું સુખ છે–એમ જે જીવે પોતાના અતીન્દ્રિય
આત્મસ્વભાવની રુચિ અને લક્ષ કર્યું છે તથા સર્વ ઈન્દ્રિયવિષયોની રુચિ છોડી છે તે ભવ્ય જીવ ખરું
આત્મજીવન–બ્રહ્મજીવન જીવે છે. એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ભગવાન સમાન છે–એમ જ્ઞાનીઓ કહે છે.
આ શરીર તો કાષ્ટની પૂતળી સમાન જડ છે ને ચૈતન્યમૂર્તિ આત્મા તેનાથી જુદો છે એમ જાણે એટલે
કે શરીર અને આત્માનું ભેદજ્ઞાન કરે તેને ભગવાન સમાન કહેવાય છે. બીજાના સુંદર શરીર દેખવાને કારણે
તેને લેશ પણ વિકાર થતો નથી. એટલે તેમાં આત્માના લક્ષે બ્રહ્મચર્ય પાળવાનું જ આવ્યું. બાકી શરીરના
લક્ષે શુભભાવ રૂપ બ્રહ્મચર્ય રાખે ને વિષય ઈચ્છા ન કરે તે પુણ્યબંધનું કારણ છે, પણ માત્ર એવું શુભ
ભાવરૂપ બ્રહ્મચર્ય પાળનારને ‘ભગવાન સમાન’ કહ્યો નથી.
આ રીતે ખરેખર આત્મસ્વભાવની રુચિની સાથે જ બ્રહ્મચર્ય વગેરે સર્વ ગુણોનાં બીજડાં પડેલાં છે. ને
જેમ જેમ તે રુચિનો વિકાસ થતો જાય છે તેમ તેમ આત્મિક બ્રહ્મચર્ય, અહિંસા વગેરે ગુણો પણ વિકસતા જાય
છે. માટે સાચું બ્રહ્મચર્ય જીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું કર્તવ્ય એ છે કે સર્વે પર વિષયોથી ખાલી
ને અતીન્દ્રિય સુખથી ભરપૂર એવા પોતાના આત્મસ્વભાવની રુચિ કરવી, તેનું લક્ષ કરવું અને તેનો
અનુભવ કરીને તેમાં તન્મય થવાનો પ્રયત્ન કરવો.
એ પ્રકારે બ્રહ્મચર્ય જીવન જીવનાર અવસ્ય પરમાત્મા થઈ જાય છે.