Atmadharma magazine - Ank 228a
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 38

background image
: ૧૮ : : બ્રહ્મચર્ય અંક :
જે પુરુષનું શરીર રૂપાળું છે તેનો સ્ત્રીના હૃદયમાં વાસ છે અને તે પુણ્યવંત છે. પણ એવા
પુણ્યવંતો ય પવિત્રતા પાસે નમી જાય છે. જેમના હૃદયમાં સ્ત્રીઓ સ્વપ્ને પણ વાસ કરતી નથી, સ્ત્રી
સંબંધી જેને વિકલ્પ નથી અર્થાત્ આત્મભાનપૂર્વક સ્ત્રી આદિનો રાગ છોડીને જેઓ વીતરાગી મુનિ
થયા છે તે પુરુષો જ આ જગતમાં ધન્ય છે. જેને સ્ત્રીઓ ચાહે છે એવા ઈન્દ્રો અને ચક્રવર્તી વગેરે મોટા
પુરુષો પણ, જેના હૃદયમાંથી સ્ત્રી ટળી ગઈ છે એવા પવિત્ર પુરુષોને નમસ્કાર કરે છે–સ્તવે છે.
સ્ત્રીઓ પુણ્યવંતને ચાહે છે અને પુણ્યવંતો ધર્માત્મા સંતને નમે છે, માટે પુણ્ય કરતાં પવિત્રતાનો–
ધર્મનો પુરુષાર્થ ઊંચો છે.
ઈન્દ્રાણી ઈન્દ્રને ચાહે છે, પદ્મિણી સ્ત્રી (સ્ત્રી રત્ન) ચક્રવર્તીને ચાહે છે, એ રીતે સ્ત્રીઓ
પુણ્યવંતને ચાહે છે અને પુણ્યવંતને જગતના જીવો શ્રેષ્ઠ માને છે. પરંતુ તે ચક્રવર્તી વગેરે પુણ્યવંત
પુરુષો પણ મુનિરાજ વગેરે પવિત્ર પુરુષોને નમી પડે છે, માટે પવિત્રતા જ શ્રેષ્ઠ છે. પવિત્રતા ઈચ્છવા
યોગ્ય છે, પુણ્ય ઈચ્છવા યોગ્ય નથી.
પૂર્વના પુણ્ય ઊંચાં? કે વર્તમાનમાં સ્વભાવનો આશ્રય કરીને પુણ્યનો વિકલ્પ તોડી નાખ્યો છે
તે ઊંચો? અહીં આચાર્યદેવ એમ બતાવે છે કે જેણે આત્માના સ્વભાવનો આશ્રય કરવાનો પુરુષાર્થ
કર્યો છે તે જ શ્રેષ્ઠ છે, પુણ્ય કરીને સ્ત્રી આદિને પ્રિય થાય તેમાં કાંઈ આત્માની શ્રેષ્ઠતા નથી, તે
આદરણીય નથી. પૂર્વે પુણ્ય કરીને તેના ફળમાં સ્ત્રી આદિ મળી તેના રાગમાં અટકવું તે સારું નથી,
પણ પુણ્યને તરણાં તુલ્ય જાણીને અને સ્ત્રી પ્રત્યેના રાગને છોડીને સ્વભાવના આશ્રયે વીતરાગતા
પ્રગટ કરવી તે જ શ્રેષ્ઠ છે. માટે હે જીવ! તું સ્ત્રી આદિ સંયોગની તેમ જ પુણ્યની પ્રશંસા છોડીને
સ્વભાવનાં શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતાનો પુરુષાર્થ કર, તે ધર્મ છે.
ચૈતન્યરૂપી જહાજમાં ચડીને તેઓ સંસાર સમુદ્રનો પાર પામી રહ્યા છે એવા સંતોના ચરણમાં
ઈન્દ્રો–ચક્રવર્તીઓ પણ નમસ્કાર કરે છે, તે સંતોને સ્વભાવની લીનતાથી પર તરફનો રાગ જ તૂટી
ગયો છે, તેનું જ નામ ઉત્તમ બ્રહ્મચર્ય છે. પર લક્ષે બ્રહ્મચર્યનો શુભરાગ તે તો પુણ્યબંધનું કારણ છે, તે
ઉત્તમ બ્રહ્મચર્યધર્મ નથી.
પુણ્ય અને તેનાં ફળ તો નાશવાન છે અને વર્તમાનમાં પણ આકુળતા–દુઃખનાં કારણો છે, પુણ્ય
રહિત આત્મસ્વભાવ ધ્રુવ છે, તેના આશ્રયે જે બ્રહ્મચર્ય પ્રગટ્યું તે જ પ્રશંસનીય છે, પુણ્ય પ્રશંસનીય
નથી. બ્રહ્માનંદ આત્માના જ્ઞાનસ્વરૂપનો આનંદ–તેનું સેવન કરીને મુનિઓ મોક્ષ રૂપી સ્ત્રીને સાધે છે.
પુણ્યવંતને તો જેટલો કાળ પુણ્ય હોય તેટલો કાળ તે સ્ત્રીના હૃદયમાં પ્રિય લાગશે. પણ ચૈતન્યના
આશ્રયે જેણે બ્રહ્મચર્ય પ્રગટ કર્યું છે. તેને મોક્ષરૂપી સ્ત્રીની સદા કાળ પ્રાપ્તિ રહે છે અને ઈન્દ્ર વગેરે
સર્વે ઉત્તમ જીવો પણ તેને નમસ્કાર કરે છે. માટે તે જ ભવ્ય જીવોએ આદરણીય છે. પહેલાં જ,
આત્મસ્વભાવમાં સુખ છે ને સ્ત્રી આદિ કોઈ વિષયોમાં સુખ નથી એમ સાચી શ્રદ્ધા તથા સાચું જ્ઞાન
કરવું તે ધર્મ છે.
અહીં ઉત્તમ બ્રહ્મચર્યધર્મનું વ્યાખ્યાન પૂરું થયું.
* * *