: બ્રહ્મચર્ય અંક : : ૧૭ :
નુકશાન નથી માટે પરનો સંગ કરવામાં બાધ નથી આવી જેની ભાવના છે તે સ્વચ્છંદી મિથ્યાદ્રષ્ટિ છે, તે
તત્ત્વને સમજ્યો નથી. જે તત્ત્વજ્ઞાન વીતરાગતાને પોષે છે તે તત્ત્વજ્ઞાનની ઓથે સ્વચ્છંદી જીવ પોતાના
રાગને પોષે છે, તેને કદી તત્ત્વજ્ઞાન સાચું પરિણમતું નથી. ‘અહો! મારા આત્માને પરથી કાંઈ લાભ કે
નુકશાન નથી’ એમ સમજતાં તો પરની ભાવના છૂટીને સ્વભાવની ભાવના થાય, તેને બદલે, જેને
સ્વભાવની ભાવના ન થઈને પરના સંગની રુચિ થઈ–તે મિથ્યાદ્રષ્ટિ છે, વીતરાગ માર્ગથી ભ્રષ્ટ છે, તેણે
વિકારને વિઘ્નકારક માન્યો નથી. પહેલાં તો સ્ત્રી આદિના સંગથી પાપ માનીને તેનાથી ભયભીત રહેતો, અને
હવે તો પરથી નુકશાન નથી એમ માનીને ઊલટો નિઃશંકપણે રાગના પ્રસંગમાં જોડાઈને સ્વચ્છંદને પોષે છે.
તેવા જીવને વિકાર અને સ્વભાવનું ભેદજ્ઞાન કરવાનો મહિમા નથી. તેનામાં સત્ સમજવાની કે સાંભળવાની
પણ પાત્રતા નથી.
જ્ઞાનમૂર્તિ ચૈતન્ય સ્વભાવના ભાનપૂર્વક જે નવ વાડ છે તે તેવા પ્રકારના અશુભ રાગનો અભાવ
બતાવે છે. બ્રહ્મચારી જીવને તેવા પ્રકારનો અશુભરાગ સહેજે ટળી ગયો હોય છે. બ્રહ્મચારી હોય અને સ્ત્રીના
પરિચયનો ભાવ આવે એમ બને નહિ. કોઈ જીવ બ્રહ્મચર્યની વાડ તોડીને સ્ત્રીનો સંગ પરિચય કરે, તેની
સાથે એકાંત વાસ સેવે અને એમ કહે કે ‘હું તો બ્રહ્મચર્યની પરીક્ષા કરું છું!’ તો એવો જીવ પરાશ્રયની
રુચિથી સંસારમાં રખડશે. હે ભાઈ! તને સ્ત્રીનો પરિચય કરવાની હોંશ થઈ ત્યાં જ તારી પરીક્ષા થઈ ગઈ છે
કે તને બ્રહ્મચર્યનો ખરો રંગ નથી, તારે પરીક્ષા કરવી હોય તો સ્વભાવના આશ્રયે કેટલો વીતરાગભાવ ટકે
છે તે ઉપરથી પરીક્ષા કર.
અહીં તો સમ્યગ્દર્શનપૂર્વક મુનિઓને કેવું ઉત્તમ બ્રહ્મચર્ય હોય તેની ઉત્કૃષ્ટ વાત છે. ખરેખર તો
વીતરાગ ભાવ તે જ ધર્મ છે, પણ તેની પૂર્વે નિમિત્તરૂપે બ્રહ્મચર્યનો શુભ રાગ હતો તેને છોડીને વીતરાગભાવ
થયો એમ બતાવવા તે વીતરાગભાવને ઉતમ બ્રહ્મચર્ય ધર્મ કહ્યો છે. મુનિરાજને જ્યારે શુદ્ધોપયોગમાં
રમણતા ન રહે અને વિકલ્પ ઊઠે ત્યારે બ્રહ્મચર્ય વગેરે પંચ મહાવ્રત પાળે છે; તે વખતે કદાચ સ્ત્રી તરફ લક્ષ
જાય તો કોઈ અશુભવૃત્તિ ન થતાં તે પ્રત્યે માતા, બહેન કે પુત્રી તરીકેનો વિકલ્પ થાય અને તે શુભ
વિકલ્પનો પણ નિષેધ વર્તતો હોય છે. તેથી ત્યાં પણ ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ છે. સ્ત્રી આદિ પરના લક્ષે જે વિકલ્પ
ઊઠ્યો છે તે તો રાગ છે, તે પરમાર્થે બ્રહ્મચર્ય નથી, પણ ત્રિકાળી શુદ્ધ સ્વભાવની રુચિના જોરે તે સ્ત્રી આદિ
તરફના વિકલ્પની રુચિ ઉડાડતો વિકલ્પ થયો છે તેથી તેને બ્રહ્મચર્ય કહેવાય છે અને તે વિકલ્પ પણ છેદીને
સાક્ષાત્ વીતરાગભાવ પ્રગટાવે તે પરમાર્થે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે, તે કેવળજ્ઞાનનું સાક્ષાત્ કારણ છે.
સ્વભાવદ્રષ્ટિ છોડીને જેણે સ્ત્રીમાં જ સુખ માન્યું છે તેને અનંત સંસારનું ભ્રમણ થાય છે, અને તેને
માટે સ્ત્રી જ સંસારનું કારણ છે એમ કહેવામાં આવે છે. ભરત ચક્રવર્તી ગૃહસ્થદશામાં ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ હતા
અને હજારો રાણીઓ હતી છતાં તેમાં સુખની માન્યતા સ્વપ્નેય ન હતી; તેમ જ તેમાં જે રાગ હતો તેને પણ
પોતાનું સ્વરૂપ માનતા નહિ. તેથી સ્વભાવદ્રષ્ટિના જોરે તે રાગ છોડીને ત્યાગી થઈ તે જ ભવે કેવળજ્ઞાન
અને મુક્તિ પામ્યા.
એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સંબંધ છે એવી જે બે પદાર્થના સંબંધની બુદ્ધિ તે વ્યભિચારિણી બુદ્ધિ છે,
તે મિથ્યાત્વ છે, તે જ અબ્રહ્મચર્ય છે અને તે જ ખરેખર સંસારપરિભ્રમણનો આધાર છે. જેને એક પણ અન્ય
દ્રવ્યની સાથે સંબંધની વૃત્તિ છે તેને ખરેખર બધાય પદાર્થોમાં એકત્વબુદ્ધિ રહેલી છે, તેને ભેદજ્ઞાન નથી, અને
ભેદજ્ઞાન વગર બ્રહ્મચર્ય ધર્મ હોતો નથી માટે, આચાર્યદેવ કહે છે કે, સ્વ પરનું ભેદજ્ઞાન કરીને સ્ત્રી આદિમાં
સુખ કિંચિત્ નથી એમ સમજીને બ્રહ્મચારીસંતો–મુમુક્ષુઓએ સ્ત્રી આદિ સામું જોવું નહિ, તેનો પરિચય–સંગ
કરવો નહિ. સર્વ પર દ્રવ્યો તરફની વૃત્તિ તોડીને સ્વભાવમાં સ્થિરતાનો અભ્યાસ કરવો.
હવે આચાર્યદેવ વીતરાગી બ્રહ્મચારી પુરુષોનો મહિમા બતાવે છે–
આચાર્યદેવ પુણ્ય અને પવિત્રતાને જુદાં પાડીને સમજાવે છે. આ સંસારમાં જેને સ્ત્રીઓ ચાહે તેવું
સુંદર રૂપ છે તે પુણ્યવંત છે; પરંતુ એવા પુણ્યવંતો–ઈન્દ્રો, ચક્રવર્તીઓ વગેરે–પણ, જેમના હૃદયમાં સ્ત્રી સંબંધી
જરા પણ વિકલ્પ નથી એવા વીતરાગી સંતના ચરણમાં શિર ઝુકાવી ઝુકાવીને નમસ્કાર કરે છે. માટે પુણ્ય
કરતાં પવિત્રતા જ શ્રેષ્ઠ છે. તેથી જીવોએ પુણ્યની અને તેના ફળની–સ્ત્રી આદિની–રુચિમાં ન રોકાતાં
આત્માના વીતરાગી સ્વભાવનાં રુચિ અને મહિમા કરવાં જોઈએ.