બ્રહ્મચર્ય અંક
ચૌદ કુમારિકા બેનોએ અંગીકાર કરેલ આજીવન બ્રહ્મચર્ય
ભારતની આ પુણ્ય ધરા પર જ્યારે શ્રી કહાન કુંવરનો જન્મ થયો, ત્યારે કોને ખબર હતી કે તેમના
જીવન દરમ્યાન સંસારમાં નવું પરિવર્તન–નવી ક્રાંતિ–નવી ચેતના ઉત્પન્ન થશે! પણ એ તો ખૂબ પ્રસિદ્ધ વાત
છે કે તેમના જન્મે અજ્ઞાન અંધકાર નષ્ટ કરી, અનેક ભવ્ય જીવોના અંતરમાં સમ્યગ્જ્ઞાનનો દિવ્ય પ્રકાશ
પ્રસારિત કર્યો છે, અને તેમના ઉજ્જવલ–અત્યુજ્જવલ જીવનના કારણે અને તેમના ચમકતા જ્ઞાનસૂર્યના
પ્રકાશે અનેક મુમુક્ષુ હૈયામાં નવી ચેતના પ્રગટાવી છે. તેનું એક જવલંત ઉદાહરણ છે–ચૌદ કુમારિકા બેનોની
આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા.
પરમ પાવન, કુમાર બ્રહ્મચારી, જ્ઞાન–વૈરાગ્યમય મંગલ આત્મજીવનજીવી, યુગનિર્માતા, પરમ પૂજ્ય
સદ્ગુરુદેવશ્રીની પુરુષાર્થપ્રેરક, આત્મકલ્યાણકારી, વીતરાગી સંદેશો આપતી વાણીનું દીર્ઘકાળ સુધી અમૃતપાન
કર્યા પછી, તેમ જ પૂજ્ય ભગવતી બેનશ્રી ચંપાબેન તથા પૂજ્ય ભગવતી બેન શાંતાબેનની શીતળ છાયામાં
રહી, લાંબો વખત તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યા પછી એકી સાથે ચૌદ કુમારિકા બેનોએ આજીવન બ્રહ્મચર્યની
પ્રતિજ્ઞા પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ભાદરવા સુદ પ તા. ૯–૯–પ૬ રવિવારના શુભ દિને અંગીકાર કરી છે. આ
અગાઉ સંવત ૨૦૦પના કારતક સુદ ૧૩ ના રોજ છ કુમારિકા બેનોએ પૂજ્ય ગુરુદેવશ્રી સમીપે જીવનભર
બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી. સુવર્ણપુરીની અનેક બાબતો અનોખી છે–વિશિષ્ટતાવાળી છે, તેમ જૈન
જગતમાં બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરવાનો આવો મંગલકારી પ્રસંગ ખરેખર વિરલ અને ગૌરવ લેવા યોગ્ય
ગણાય. કુમારી બેનોની આજીવન બ્રહ્મચર્યપાલનની પ્રતિજ્ઞાના મહા સ્તુત્ય પ્રયાસ માટે તેમને અનેક
અભ્યાસ પૂર્વક આત્મહિત સાધવાનો છે. તે હેતુ તેમના બ્રહ્મચર્યને વિશિષ્ટપણે શોભાવે છે. તેમની આ
ભાવનામાં તેઓ પૂર્ણપણે સફળતા પ્રાપ્ત કરો, અને જ્ઞાન–વૈરાગ્ય પૂર્વક સદ્ધર્મની પ્રભાવનામાં વૃદ્ધિ કરો, એ
અમારી આંતરિક અભિલાષા છે.
આ પ્રસંગ જોઈને તો અનેક મુમુક્ષુ હૈયાં અત્યાનંદથી નાચી ઊઠયાં છે, અને ‘ધર્મ કાળ અહો વર્તે!’
એવો અંતરનાદ ગૂંજી રહ્યો છે.
આ બધાનું મૂળ કારણ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી જ છે. મુમુક્ષુઓનું એ મહાન સદ્ભાગ્ય છે કે આ કાળે
પણ તેમના દ્વારા તીર્થંકર પરમાત્માના દિવ્ય ધ્વનિનું રહસ્ય સમજી શકાય છે, અધ્યાત્મ વિદ્યાનો પ્રચાર અને
પ્રસાર અત્યંત વેગપૂર્વક થઈ રહ્યો છે, અને નિરંતર વૃદ્ધિ પામી રહ્યો છે, નિશ્ચય–વ્યવહારની સંધિ પૂર્વકનો,
પરથી ભિન્ન અને સ્વથી અભિન્ન આત્માનો યથાર્થ ઉપદેશ સુણવા મળે છે, અને એ રીતે ભરતક્ષેત્રમાં
વર્તમાન કાળે તીર્થંકર દેવના વિરહા ભૂલી શકાય છે. વળી તેઓશ્રીનું બ્રહ્મચારીપણું અનેક મુમુક્ષુ
ભાઈબેનોના બ્રહ્મચર્ય પાલનમાં નિમિત્તભૂત થયું છે, અને પ્રેરણા આપી રહ્યું છે.
પૂજ્ય સદ્ગુરુદેવશ્રી તો કહે છે કે આવું બ્રહ્મચર્ય પાલન તે શુભભાવ છે, ધર્મ નથી. પ્રતિજ્ઞા લેનાર
બેનો પણ એ વાત બરાબર સમજે છે. આમ છતાં એવો શુભભાવ તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુ જીવોને પૂર્ણ
શુદ્ધતાની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાંસુધી ભૂમિકા અનુસાર આવ્યા વગર રહેતો નથી; પણ તે ધર્મ નથી, તેમ જ
ધર્મમાં સહાયકારી પણ નથી.
ખરેખર તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું ઐકય જ મોક્ષમાર્ગ છે. બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લેનાર બેનોની પણ
તે માટેના પુરુષાર્થની ભાવના છે, તેમની તે ભાવના પરિપૂર્ણ હો, અને સંપૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ હો–એવી ભાવના
ભાવીએ છીએ.