Atmadharma magazine - Ank 233
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 25

background image
(સજોદમાં) ભોંયરામાં પ્રવેશીને જિનમુદ્રાના દર્શન કરતાંજ ગુરુદેવ ‘જે ભગવાન’ કહેતાંક
ભગવાનની સામે ઘડીભર આશ્ચર્યથી થીજી ગયા. એ શીતલનાથ ભગવાનની પ્રતિમા અત્યંત સૌમ્ય
વીતરાગ મુદ્રાધારી અને ઘણી પ્રાચીન છે... ગુરુદેવે જીવનમાં ૬૭ વર્ષે પહેલીજ વાર અર્ઘ ચડાવવાની
શરૂઆત અહીંથી કરી. (અંકલેશ્વર)... શ્રુતધર સન્તોની આ પાવન ભૂમિ બહુ વહાલી લાગતી હતી.. જે
ભૂમિમાં શ્રુતનો મહાન ઉત્સવ ઊજવાયો અને જ્યાં મહાન શ્રુતધર સંતમુનિવરો વિચર્યા તે શ્રુતભૂમિમાં
આજે ગુરુદેવ જેવા શ્રુતધર સંતને વિચરતા દેખીને સૌ ભક્તો બહુ આનંદિત થતા હતા.
... મુંબઈનગરીના મુમુક્ષુઓ ઘણા કાળથી ગુરુદેવના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા, તેમની
ભાવના આજે પૂરી થતાં સૌનાં હૃદય ઉલ્લાસથી હાલકડોલક થઈ રહ્યા હતા.. લાખો લોકોએ ગુરુદેવના
દર્શન કર્યા.. જાણે ગુરુદેવના આગમને આખા મુંબઈને આશ્ચર્યથી થંભાવી દીધું હતું. જેમ આત્માની ધૂન
આડે સંસારનો મોહ ઊડી જાય તેમ તીર્થયાત્રાની ધૂન આડે મોહમયી મુંબઈ નગરીનો મોહ ઊડી ગયો.
આખો દિવસ બધા યાત્રિકો યાત્રાની તૈયારીમાં જ ગુંથાઈ ગયા– જેમ ખરા આત્માર્થીનું હૃદય આત્માની
શોધમાં જ ગુંથાઈ જાય તેમ. યાત્રિકોને ભણકાર વાગતા કે જાણે સમ્મેદશિખર ઉપરથી કોઈ સંતો સાદ
પાડીને બોલાવી રહ્યા છે... ને વિપુલાચલના શિખરેથી’ કારધ્વનિના મોજા કાને અથડાઈ રહ્યા છે!
પોષ સુદ પૂર્ણિમા: પૃથ્વી આનંદથી નાચી રહી છે.. ભક્તોના હૈયામાં સિદ્ધિધામના સ્મરણથી
હર્ષનો સાગર ઉલ્લસી રહ્યો છે... ને ગુરુદેવની પાવનમુદ્રા પ્રસન્નતાથી શોભી રહી છે.. અહા!
ભરતક્ષેત્રના શાશ્વત તીર્થધામની મંગલયાત્રા માટે આજે પ્રસ્થાન થાય છે... ભક્તોના હૃદયની ભાવના
આજે પૂરી થાય છે.
તીર્થધામમાં વિચરતા ગુરુદેવને પણ જાણે કે આ બધો દેશ પોતાનો જાણીતો જ હોય એમ લાગે
છે. પ્રવાસ દરમિયાન તેઓ પણ ખૂબ જ પ્રસન્નતાથી યાત્રાસંબંધી ચર્ચા કરે છે, આપણા ધર્મપિતા સંત–
મુનિવરો અહીં વિચર્યા છે ને ગુરુદેવ સાથે આપણા ધર્મપિતાના ધામમાં જ આપણે આવ્યા છીએ– એમ
જ સૌને લાગે છે.
... પર્વતનું ચઢાણ બહુ અઘરું છે પણ ઉપરનો દેખાવ એટલો બધો રળિયામણો છે કે ચઢાણનો
થાક ભૂલાઈ જાય છે, જેમ નિર્વિકલ્પ વેદન વખતે વિકલ્પનો થાક ભૂલાઈ જાય તેમ. અહા! ગુરુદેવ
સાથે અપૂર્વ યાત્રા થાય છે ને અમને સિદ્ધભગવાન દેખાડે છે– એવા અનંદતરંગથી સૌનાં હૃદય
ઉલ્લસતા હતા. ગુરુદેવ સાથે યાત્રા કરવાની હોંસમાંને હોંસમાં યાત્રિકો વિકટ માર્ગને ઓળંગી જતા,
જેમ મોક્ષાર્થી જીવ મોક્ષ લેવાનાં ઉત્સાહમાં વચ્ચે આવી પડતા વિભાવોને ઓળંગી જાય છે તેમ.
... અહા, ગુરુદેવના પ્રવચનમાં સાધકભાવનો અદ્ભુત પ્રવાહ વહેતો હતો... સાધકભાવની ધારા
ઉલ્લસી–ઉલ્લસીને જાણે કે સિદ્ધપદને અભિનંદતી હતી... સાધકના અંતરમાં સિદ્ધપદની કેવી લગની
હોય છે તે વ્યક્ત થતી હતી... ને મુમુક્ષુ શ્રોતાઓ તો મુગ્ધ બની જતા હતા.
ગુરુદેવ દેરી પાસે જઈને અંદર ઘૂસી ગયા.. ને ભક્તિથી સ્તબ્ધ થઈને કુંદકુંદપ્રભુના ચરણ પાસે
બેસી ગયા... ગુરુશિષ્યના મિલનનું એ દ્રશ્ય અદ્ભુત હતું... મોટા ભગવાનના ચરણ વચ્ચે ઊભેલા
ગુરુદેવ ભગવાનના નાનકડા નંદન જેવા શોભતા હતા... જિનેન્દ્રદેવ અને તેમના લઘુનંદનના મિલનનું
આ ભાવભીનું દ્રશ્ય જોઈને યાત્રિકો હર્ષથી જયજયકાર કરતા હતા.
... સિદ્ધિધામમાં વિચરતા આત્મા ઘણો પ્રસન્ન થાય છે... અહા, જાણે કે સિદ્ધભગવંતોનો દેશ
ગુરુદેવ દેખાડી રહ્યા છે, સાધક સંતો સાથે સિદ્ધભગવંતોની નગરીમાં વિચરતા ભક્તો સંસારને ભૂલી
ગયા છે.. ને તીર્થસ્વરૂપ સંતોની સાથે મંગલ તીર્થયાત્રાનો મહાન લાભ લઈ રહ્યા છે.