આત્મધર્મ : ૨૩ :
મંગલ જન્મોત્સવ અંક
છે, બીજાની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી. અહો, આવો નિજસ્વભાવ છે,
તેને ભૂલીને બાહ્ય સામગ્રી શોધવાની વ્યગ્રતાથી અજ્ઞાની જીવો નકામા પરતંત્ર
આકુળવ્યાકૂળ થાય છે.
અહીં, આચાર્યદેવ આત્માનું ‘સ્વયંભૂ’ પણું બતાવીને ચૈતન્યસ્વભાવનું જ
અવલંબન કરાવે છે. ભાઈ, સર્વજ્ઞતારૂપે બીજા કોઈની મદદ વિના પરિણમે એવી
આત્માની તાકાત છે, સર્વજ્ઞતાનો સ્વભાવ જેમાં ભર્યો હોય તે જ સર્વજ્ઞતાનો કર્તા થાય.
રાગાદિમાં સર્વજ્ઞસ્વભાવ નથી કે તે સર્વજ્ઞતાનું સાધન થાય. સર્વજ્ઞતાના કર્તા થવાનું કે
સર્વજ્ઞતાનું સાધન થવાનું સામાર્થ્ય સર્વજ્ઞસ્વભાવી આત્મામાં છે; તેથી પોતાના સ્વતંત્ર
સામર્થ્યથી શુદ્ધોપયોગ પ્રગટ કરીને પોતે જ સર્વજ્ઞતાનો કર્તા થાય છે. ઉગ્ર
શુદ્ધોપયોગરૂપે પરિણમવું તેનું નામ શુદ્ધોપયોગની ભાવના છે, તે ભાવનામાં વિકલ્પ
નથી. આવા શુદ્ધોપયોગરૂપે પરિણમતાં આત્મા નિજસ્વભાવસામર્થ્ય પ્રગટ કરીને સર્વજ્ઞ
થાય છે. તેમાં પોતે જ સ્વતંત્ર કર્તા છે. અને પોતે જ તે–રૂપે પરિણમીને પોતાનું પ્રાપ્ય
થાય છે, એટલે પોતે જ પોતાનું કર્મ છે. વળી તેનું સાધન પોતે જ છે. પોતે જ સ્વયમેવ
જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે ઉત્કૃષ્ટ સાધન છે; બીજું કોઈ જુદું સાધન છે જ
નહિ. તે કાળે જ્ઞાનરૂપે પરિણમતું આત્મદ્રવ્ય પોતે જ સાધકતમ છે; બહારનું તો સાધન
નથી, રાગ પણ સાધન નથી ને પૂર્વપર્યાય પણ ખરેખર સાધન નથી. તે કાળે તે
ભાવમાં તન્મય પરિણમતું દ્રવ્ય જ સાધન છે. વળી તે નિર્મળપરિણતિ પોતાને જ
દેવામાં આવતી હોવાથી આત્મા પોતે જ તેનું સંપ્રદાન છે, તે કાર્યમાં ધ્રુવપણે પોતે જ
રહેતો હોવાથી આત્મા જ તેનું અપાદાન છે, ને તે પરિણતિનો આધાર પણ પોતે જ
હોવાથી પોતે જ અધિકરણ છે. આ રીતે આત્મા સ્વયમેવ છકારકરૂપ થઈને પોતાની
નિર્મળપરિણતિરૂપે પરિણમે છે, તેથી તે ‘સ્વયંભૂ’ છે.
અરે જીવ! તારા જ્ઞાન–આનંદરૂપે પરિણમે એવી તાકાત તારા આત્મામાં જ છે,
તેનું અવલંબન લે. બીજે બહારમાં ન શોધ. આવા સ્વાવલંબી સ્વભાવમાં વળ્યા વગર
સમ્યગ્દર્શન થાય નહિ, ને સ્વભાવ ખીલે નહિ. પરભાવમાં તો અનાદિનો પડ્યો જ છે,
પણ સ્વભાવની ખીલવટ કેમ થાય? તે વાત કદી સમજ્યો નથી. આચાર્યદેવ સમજાવે છે
કે અરે જીવ! મોક્ષમાર્ગ તો આત્માના અવલંબને છે, બહારના અવલંબને મોક્ષમાર્ગ
નથી. સ્વસત્તાનું અવલંબન જ મોક્ષમાર્ગ છે, અર્થાત્ શુદ્ધાત્માનુભૂતિ તે મોક્ષમાર્ગ છે.
જ્યાં શુદ્ધાત્માનુભૂતિ છે ત્યાં બારઅંગનું જ્ઞાન હો કે ન હો. એવો કોઈ નિયમ નથી કે
બાર અંગનું જ્ઞાન હોવું જ જોઈએ. શુદ્ધાત્માની અનુભૂતિમાં બારે અંગનું રહસ્ય આવી
ગયું. મધ્યબિંદુથી ચૈતન્યદરિયો ઉલ્લસ્યો ત્યાં પર્યાયમાં જ્ઞાન–આનંદની ભરતી આવી.
અનુભૂતિ વગર એકલા શાસ્ત્રના જાણપણા વડે કે રાગની મંદતા વડે પર્યાયમાં
અતીન્દ્રિય જ્ઞાન–આનંદની ભરતી આવતી નથી. જ્યાં શુદ્ધોપયોગથી આત્મસ્વભાવમાં
એકાગ્ર થયો ત્યાં તે સ્વભાવ પોતે જ ઉલ્લસીને પર્યાયમાં પ્રગટે છે. માટે અંતર્મુખ થઈને
પોતાના આવા સ્વભાવને પ્રતીતમાં લેવો–જ્ઞાનમાં લેવો–અનુભવમાં લેવો–તે મોક્ષાર્થીનું
કર્તવ્ય છે.