: ૧૬: આત્મધર્મ: ૨૩૬
૭૯. અહા, જુઓ તો ખરા આ વીતરાગની વાણી! ચૈતન્યનો અભ્યાસ ન હોય એટલે અઘરું
લાગે, પણ પોતાના સ્વઘરની વાત છે તે સત્સમાગમે ચૈતન્યના પરિચયથી સુગમ થાય છે.
૮૦. ભગવાન કહે છે કે સાંભળ! મોક્ષપુરીના પંથમાં તારે અમારી સાથે આવવું હોય તો
ચિદાનંદસ્વભાવની સન્મુખતાનો પુરુષાર્થ કરજે. અમારા સાર્થવાહમાં પુરુષાર્થહીન જીવોનું કામ નથી.
સ્વસન્મુખ પુરુષાર્થને અમારો પંથ છે.
૮૧. રાગનો આદર કરીને જે જીવ અટક્યો ને ચૈતન્ય સ્વભાવ તરફનો પુરુષાર્થ ન કર્યો તે જીવ
કાયર છે, એવા કાયર જીવોનું અમારા માર્ગમાં કામ નથી.
૮૨. રાગને મોક્ષનું સાધન માનીને તેમાં જે એકત્વબુદ્ધિથી અટકી જાય છે ને રાગથી ભિન્ન
જ્ઞાનને ઓળખતા નથી –એવા જીવો ક્રિયાકાંડમાં કે શુષ્કજ્ઞાનમાં જ રાચે છે.
૮૩. આત્મા જ્ઞાતા છે, તેમાં અંતર્મુખ થતાં રાગથી ભિન્ન પરિણમન થાય છે. એવા
જ્ઞાનપરિણમનને જ અહીં ભેદજ્ઞાન કહ્યું છે.
૮૪. જે જ્ઞાન દુઃખરૂપ આસ્રવોથી છૂટીને આત્માના આનંદમાં આવ્યું ન હોય તેને જ્ઞાન કહેતા
નથી, તે અજ્ઞાન જ છે.
૮પ. જે ભેદજ્ઞાન છે તે ચૈતન્યસ્વભાવ તરફ વળેલું છે ને આસ્રવો આસ્રવોથી પાછું વળેલું છે. –
એવું જ્ઞાન તે મોક્ષનું કારણ છે.
૮૬. જ્ઞાનની વાતો કરે પણ જ્ઞાનરૂપ પરિણમન ન કરે તો તે જીવ શુષ્કજ્ઞાની છે. એક ક્ષણનું
ભેદજ્ઞાન જીવને અપૂર્વ આનંદનો અનુભવ કરાવે છે, ને અલ્પકાળમાં મોક્ષ પમાડે છે.
૮૭. ચૈતન્યની ગતિ અગાધ છે, તે અગાધગતિનો પાર રાગથી પામતો નથી. વ્રત–તપ વગેરે
રાગનું ફળ તો સંસારમાં જ છે, તે કાંઈ મોક્ષનું સાધન થતું નથી.
૮૮. અંતરસ્વભાવ તરફ વળેલું જ્ઞાન જ મોક્ષનું કારણ થાય છે. તે જ્ઞાન બંધભાવોથી છૂટું પડ્યું
છે ને આનંદમાં એકમેક થયું છે. જ્ઞાન તેને કહેવાય કે જે આસ્રવોથી નિવર્તે ને સ્વભાવમાં પ્રવર્તે.
૮૯. પરપરિણતિને છોડતું ને ચિદાનંદ તત્ત્વને વેદતું જે જ્ઞાન પ્રગટ થયું, અહો! તે જ્ઞાનમાં
વિકાર સાથે કર્તાકર્મપણાનો અવકાશ ક્્યાં છે? અને તેને બંધન પણ કેમ હોય? તે જ્ઞાન વિકારનું
અકર્તા થઈને અબંધપણે મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે; તે કલ્યાણરૂપ છે ને તે મોક્ષનું સાધન છે.
૯૦. જુઓ, આ પંચકલ્યાણકમાં આત્માના કલ્યાણના અપૂર્વ વાત છે. જેણે આ વાત સમજીને
પોતામાં આવું ભેદજ્ઞાન પ્રગટ કર્યું તેણે પોતામાં અપૂર્વ મંગલ કલ્યાણ કર્યું.
૯૧. અરે, આ ચાર ગતિનાં દુઃખો તે કેમ ટળે ને ચૈતન્યની શીતળ શાંતિનો સ્વાદ કેમ આવે–
તેની વાત જીવે કદી પ્રીતિથી સાંભળી નથી. એકવાર આ વાત સાંભળીને લક્ષગત કરે તો અલ્પકાળમાં
ભવનો અંત આવી જાય, ને પરમાનંદ દશા પ્રાપ્ત થાય.
૯૨. ભેદજ્ઞાન સાબુ ભયો, સમરસ નિર્મળ નીર, ધોબી અંતર આત્મા ધોવે નિજગુણ ચીર.
જુઓ, આ ધર્માત્માધોબી ભેદજ્ઞાનરૂપ સાધુ વડે, ચૈતન્યના પરમ શાંત રસરૂપ જળથી નિજગુણરૂપી
વસ્ત્રો ધોઈને ઉજવળદશા પ્રગટ કરે છે.
૯૩. ભેદજ્ઞાનની ભાવના વડે મોહના મેલને ધર્માત્માએ ધોઈ નાખ્યો છે, અંદરમાં પોતાના
આત્માને શુદ્ધ ચૈતન્યરસથી ભરેલો અનુભવે છે; તે સમ્યક્ વિદ્યા છે.
૯૪. ભેદજ્ઞાન તે જ સાચું જ્ઞાન છે. રાગ અને ચૈતન્યની ભિન્નતાના વેદનરૂપ ભેદજ્ઞાન તે જ
મોક્ષના સાધનરૂપ સાચું જ્ઞાન છે; એના વિના વકીલ–ડોકટર વગેરે બધાનાં ભણતર તે કુજ્ઞાન છે; અરે,
શાસ્ત્રનાં ભણતરને પણ ભેદજ્ઞાન વગર સમ્યગ્જ્ઞાન કહેતા નથી.