વિ... વિ... ધ...
સ... મા... ચા... ર...
પૂ. ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે: સવારના પ્રવચનમાં પ્રવચનસાર–સુખઅધિકાર તથા
બપોરના પ્રવચનમાં સમયસાર–કર્તાકર્મ અધિકાર ચાલે છે. સોનગઢમાં અષાડ માસની અષ્ટાહ્નિકામાં જે
સિદ્ધચક્રવિધાન ચાલતું હતું તે પૂર્ણિમાના રોજ જિનેન્દ્ર અભિષેકપૂર્વક સમાપ્ત થયું હતું. દાહોદથી પણ
સમાચાર છે કે ત્યાં અષ્ટાહ્નિકા દરમિયાન સિદ્ધચક્રવિધાન થયું હતું ને તે વખતે ઘણા જિજ્ઞાસુઓએ
ઉત્સાહથી ભાગ લીધો હતો. ફત્તેપુરવાળા ભાઈશ્રી બાબુભાઈને એ પ્રસંગે બોલાવવામાં આવ્યા હતા.
જામનગરમાં અષ્ટાહ્નિકા દરમિયાન નંદીશ્વર પૂજન વિધાન થયું હતું, તથા લવકુશકુમારના વૈરાગ્યનો
સંવાદ વગેરે કાર્યક્રમો થયા હતા. જેમાં ૩૦૦ જેટલા ભાઈ–બહેનોએ ભાગ લીધો હતો.
સોનગઢમાં શ્રાવણ માસનો શિક્ષણવર્ગ શ્રા. સુદ પાંચમથી શરૂ થઈને તા. ૨–૯–૬૩ (ભાદરવા
સુદ ૧૪ને સોમવાર) સુધી ઉજવાશે. (આત્મધર્મના ગતાંકમાં તારીખ છાપવામાં ભૂલ થઈ ગઈ હતી,
તે ઉપર પ્રમાણે સુધારી લેવી.)
દસ લક્ષણી પર્યુષણપર્વ પ્રસંગે ‘આત્મધર્મ’ નો દશ ધર્મની આરાધનાના ચિત્રો સહિત દસલક્ષણી
પર્યુષણ અંક પ્રગટ થશે. આ સચિત્ર અંક મેળવવા હજી પણ આપ માત્ર ૧) એક રૂપિયો ભરીને જેઠથી
આસો માસ સુધીના આત્મધર્મ મેળવી શકો છો. (વૈશાખ માસના અંકો ખલાસ થઈ જવાથી ઘણા
જિજ્ઞાસુઓને નિરાશ કરવા પડ્યા હતા. જેઠ માસના અંકો સિલકમાં હશે ત્યાંસુધી મોકલાશે.)
આત્મધર્મનું નવા વર્ષનું લવાજમ રૂા. ૪) જેમ બને તેમ પર્યુષણ દરમિયાન મોકલવા અથવા
તો સ્થાનિક મુમુક્ષુમંડળમાં ભરી દેવા વિનંતી છે.
અમરેલીના ભાઈશ્રી રતિલાલ ગાંઠાણીના પિતાજી શ્રી ગોવિંદજી નથુભાઈ તા. ૮–૬–૬૩ના
રોજ અમરેલી મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેમનો આત્મા શ્રી જિનશાસનની ઉપાસનાવડે આત્મશ્રેય
પામે એ જ અભ્યર્થના.
STOP PERSS : છાપતાં છાપતાં સમાચાર મળ્યા છે કે,
આફ્રિકામાં નાઈરોબી મુમુક્ષુમંડળની ભાવનાથી શ્રી જિનેન્દ્રભગવાનની પ્રતિમા લઈને
દેવસીભાઈ ત્યાં ગયેલ છે. આફ્રિકા જેવા વિદેશમાં જિનેન્દ્રભગવાનની પધરામણી થતાં ત્યાંના
મુમુક્ષુભક્તોને અપાર હર્ષ થયો હતો, ને મોમ્બાસા, નાઈરોબી વગેરેમાં ઘણા બહુમાનથી
આનંદોત્સવપૂર્વક ભગવાનનું સ્વાગત થયું હતું.
જ્ઞાનીના અંતરમાં વૈરાગ્યના ધોધ વહેતા હોય છે,
તેમની પરિણતિમાં ઉપશમરસ છવાઈ ગયો છે,
તેમનો આત્મા સંયમભાવનામાં ઝલતો હોય છે.
અહા, એ ઉપશમરસમાં ને સંયમભાવનામાં
ઝલતા સાધકસંતની દશા અલૌકિક છે.