: ૧૪ : આત્મધર્મ: ૨૪૦
ણમતું એવું જ્ઞાન જ છે. આમ જાણીને હે ભવ્ય જીવ! તું જ્ઞાનસ્વભાવમાં જ રત થા, ને રાગની રુચિ
છોડ. રાગની જેને રુચિ છે તેને કર્મબંધનની જ રુચિ છે, તેને કર્મથી છૂટકારાની રુચિ નથી. કર્મથી
છૂટકારાની રુચિ હોય તેને બંધના કારણ કેમ ગોઠે? જે રાગને ધર્મનું સાધન માને છે તે મિથ્યાદ્રષ્ટિ
જીવ રાગનો જ પોષક છે ને ધર્મનો અનારાધાક છે, વિરાધક છે, સંસારના જ કારણને તે સેવી રહ્યો છે.
कर्म सर्वमपि सर्वविदो यद् बंध साधनमुशन्त्यविशेषात्।
तेन सर्वमपि तत्प्रतिषिद्धं ज्ञानमेव विहितं शिवहेतुः।। १०३।।
મોક્ષમાર્ગના પ્રધાનઉપદેશક એવા ભગવાન સર્વજ્ઞ દેવોએ શુભ કે અશુભ સમસ્ત કર્મને તફાવત
વગર નિષેધ્યું છે; પરંતુ એમ નથી કે અશુભને તો સર્વથા નિષેધ્યું હોય ને શુભને કથંચિત્ આદરણીય
પણ કહયું હોય! ધર્મીનેય અમુક ભૂમિકામાં શુભ હોય તે જુદી વાત છે પરંતુ તે શુભનેય ભગવાને
બંધનું જ કારણ કહીને, મોક્ષમાર્ગમાંથી તેનો નિષેધ જ કર્યો છે; અને તે રાગથી રહિત એવું જે જ્ઞાન તે
જ મોક્ષનું કારણ છે એમ ભગવાનને ફરમાવ્યું છે.
જુઓ, આ મોક્ષમાર્ગ સાધવા માટે ભગવાનનું ફરમાન! મુનિને કે શ્રાવકને પણ જેટલું
જ્ઞાનપરિણમન છે તેટલો જ મોક્ષમાર્ગ છે, જેટલો શુભ કે અશુભ રાગ છે તે કાંઈ મોક્ષમાર્ગ નથી.
આ રીતે મોક્ષમાર્ગમાંથી સમસ્ત કર્મનો નિષેધ છે.
પ્રશ્ન:– જોઆમ છે તો મુનિઓ તથા શ્રાવકોને કોનું શરણ રહ્યું? શુભરાગનો પણ મોક્ષમાર્ગમાંથી
નિષેધ જ કર્યો, તો હવે નિષ્કર્મ અવસ્થામાં કોનું શરણ રહ્યું? કોના આધારે હવે મોક્ષમાર્ગને સાધવો? તેના
ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે અરે જીવ સાંભળ! શુભ અશુભ બંને કર્મોથી રહિત અવસ્થામાં તો ધર્માત્માઓ
નિર્વિકલ્પ ચૈતન્યરસના અમૃતને અનુભવે છે, તેઓ કાંઈ અશરણ થઈ જતા નથી, પરંતુ ચિદાનંદસ્વભાવના
આશ્રયે જ્ઞાનમયભાવે પરિણમતા થકા તેઓ પરમ જ્ઞાનામૃતને પીએ છે.
સમયસારનાટકમાં આ સંબંધમાં શંકા–સમાધાન કર્યું છે–
“શિષ્ય કહે સ્વામી તુમ કરણી અશુભ શુભ,
કીની હૈ નિષેધ મેરે સંશય મનમાંહી હૈ;
મોક્ષકે સધૈયા જ્ઞાતા દેશવિરતિ મુનિશ,
તિનકી અવસ્થા તો નિરાવલંબ નાંહી હૈ.
શિષ્ય કહે છે: હે સ્વામી! તમે અશુભ તેમજ તેમજ શુભ બંને ક્રિયાનો મોક્ષમાર્ગમાંથી નિષેધ કર્યો છે,
તેથી મારા મનમાં સંશય ઉપજે છે કે મોક્ષના સાધક જ્ઞાની, દેશવ્રતી શ્રાવક કે મુનિ તેમની અવસ્થા
નિરાવલંબી તો નથી; તો કોના અવલંબને તેઓ મુક્તિને સાધશે? ત્યારે શ્રી ગુરુ સમાધાન કરે છે–
કહે ગુરુ–કરમકો નાશ અનુભૌ અભ્યાસ,
ઐસો અવલંબ ઉનહીકો ઉન પાંહી હૈ;
નિરૂપાધિ આતમ સમાધિ સોઈ શિવરૂપ
ઔર દૌડધૂપ પુદ્ગલ પરછાંહી હૈ.
શ્રી ગુરુ કહે છે કે: અનુભવના અભ્યાસ વડે કર્મનો નાશ થાય છે; શુભરાગના અભ્યાસથી કાંઈ
કર્મનો નાશ થતો નથી, કર્મનો નાશ તો રાગરહિત ચૈતન્યના અનુભવના અભ્યાસથી જ થાય છે. જ્ઞાની–
શ્રાવક કે મુનિ પુણ્ય–પાપનું અવલંબન છોડીને પોતાના જ્ઞાનમાં ન સ્વાનુભવ કરે છે, તે સ્વાનુભવમાં
પોતાનું અવલંબન પોતામાં જ છે, શુભ કે અશુભની ઉપાધિથી પાર નિરૂપાધિ આત્મસમાધિ, એટલે કે રાગ–
દ્વેષ–મોહરહિત નિર્વિકલ્પ આત્મધ્યાન તે જ મોક્ષરૂપ છે, તેના અવલંબને જ ધર્માત્મા મોક્ષને સાધે છે, એના
સિવાય બીજી બધી દોડધામ તે તો પુદ્ગલની છાયાસમાન છે. સમિતિ–વ્રત વગેરે શુભક્રિયા