એમ જ્ઞાનીઓ સ્વસંવેદનથી અનુભવે છે, –એ સ્વરૂપ અમે ઘણા પ્રકારે સ્પષ્ટ સમજાવ્યું. આવા
સ્વરૂપને સમજવાનો પ્રયત્ન તું કર... મરીને પણ તું આવા તત્ત્વને જાણ..... એકવાર તેને ખાતર
જીવન અર્પી દે. જેનો આવા નિજ ચૈતન્યતત્ત્વને નથી જાણતા તેઓ ચૈતન્યના વીર્યરહિત
નપુંસકપણે અત્યંત વિમૂઢ છે; ચૈતન્યની વિરાધના કરીને તેઓ નિગોદની અત્યંત નપુંસકદશાને
સાધી રહયા છે. સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા તો ચૈતન્યના પુરુષાર્થ વડે સિદ્ધપદને સાધી રહ્યા છે. આમ
સામસામી બે મુખ્યગતિ છે. ચૈતન્યના આરાધક સમકિતી સિદ્ધપદને સાધે છે, ને ચૈતન્યની
વિરાધના કરનાર જીવો નિગોદ તરફ જઈ રહ્યા છે. અરે, નિગોદના દુઃખોની શી વાત! સાતમી
રૌરવ નરકના દુઃખો કરતાંય નિગોદનું દુઃખ અનંતુ છે, એ દુઃખને તો એ જ જીવ વેદે, ને કેવળી
પરમાત્મા જ જાણે. જેનું વચનથી વર્ણન ન થાય. જેમ એક તરફ સિદ્ધનું સુખ તેનું પણ વચનથી
વર્ણન ન થાય, તેમ નિગોદનું દુઃખ–તેનું પણ વચનથી વર્ણન થઈ ન શકે. નિગોદમાં અનંતાનંત
જીવો છે. સંસારમાં જીવનો ઘણોકાળ તો આવા નિગોદના દુઃખોમાં જ વીત્યો. તેમાંથી અનંતકાળે
માંડ માંડ ત્રસપર્યાય પામ્યો, મનુષ્ય થયો, જૈનધર્મ મળ્યો, સત્સમાગમ–સાચા જ્ઞાની
સંતધર્માત્માનો મહાન યોગ મળ્યો, સતનું શ્રવણ મળ્યું, બુદ્ધિ મળી, –તો હે જીવ! આવા
અવસરમાં પરમ પ્રયત્ન કરીને તારા ચૈતન્યતત્ત્વને તું સમજ. અનંતકાળનું સંસારભ્રમણ–
નરકનિગોદના મહા દુઃખોથી ભરેલુ–તેનાથી છૂટવાનો આ અવસર છે. આ અવસર ચૂકીશ તો
ક્યાંય ઉગરવાનો આરો નથી. ચૈતન્યને સમજવા તરફ જો પ્રયત્ન ન કર્યો તો તારું વીર્ય હણાઈ
જશે; દ્રવ્યલિંગી સાધુઅનંતવાર થયો, અનેક લબ્ધિઓ ને ચમત્કારો અનેકવાર પ્રગટ્યા, ઘણો
બાહ્ય ત્યાગ કર્યો, વ્રત–તપ કર્યા, એ રીતે શુભરાગમાં જ તન્મયપણે વર્તતા થકા તેને જ પુરુષાર્થ
માને છે, પણ રાગથી ભિન્ન એવા ચૈતન્યતત્ત્વને શ્રદ્ધા–જ્ઞાનમાં લેવાનો પ્રયત્ન જેઓ કરતા નથી–
એવા જીવને આચાર્યદેવ નપુંસર કહે છે, ભલે પુરુષ હોય કે મોટો દેવ હોય, પણ ચૈતન્યના
પુરુષાર્થ રહિત છે તેથી નપુંસર છે, ને ચૈતન્યની વિરાધનાથી તે અલ્પકાળે નિગોદનો નપુંસર થશે.
સંસારમાં ત્રસપર્યાયનો કાળ થોડો છે, તેમાં જો ચૈતન્યની આરાધના કરી લ્યે તો સિદ્ધપદ પામે, ને
જો ચૈતન્યની વિરાધના કરે તો નિગોદ પર્યાયમાં જાય. નિગોદમાં જીવ પોતાના પ્રચૂર ભાવકલંકથી
જ રહ્યો છે, પ્રચૂર ભાવકલંક કહો કે ચૈતન્યની વિરાધના કહો, તેનું ફળ નિગોદ છે.