: ૧૮ : આત્મધર્મ: ૨૪૦
(શ્રીમદ્ રાજચંદ્રના લખાણો વગેરેમાંથી)
*સમ્યક્ત્વ હોય ને શાસ્ત્ર માત્ર બે શબ્દ જાણે તો પણ મોક્ષના કામમાં આવે મોક્ષના કામમાં જે
જ્ઞાન ન આવે તે અજ્ઞાન. (શ્રીમદ્ રાજચંદ્ર ઉપદેશમાંથી)
* પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી, અથવા તે વાણી સમ્યક્ પ્રકારે
માથે ચડાવી નથી, એમ સર્વદર્શીએ કહયું છે (માથે ચડાવે તો મુક્તિ થયા વિના રહે નહીં.)
* વીતરાગ વચનની અસરથી ઈન્દ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ
નથી–એમ સમજવું.
* મોક્ષમાં આત્માના અનુભવનો જો નાશ થતો હોય તો તે મોક્ષ શા કામનો? (મોક્ષ દશામાં
દરેક આત્મા પોતપોતાના અતીન્દ્રિય આત્મસુખનો અનુભવ કરે છે, દરેક આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ
છે, કોઈ એકબીજામાં ભળી જતા નથી.)
* શાસ્ત્રકર્તા કહે છે કે અન્ય ભાવો અમે, તમે અને દિવાધિદેવ સુદ્ધાએ પૂર્વે ભાવ્યા છે અને
તેથી કાર્ય સર્યું નથી; એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે. –જે જિનભાવ શાંત છે, આત્માનો
ધર્મ છે અને તે ભાવ્યેથી જ મુક્તિ થાય છે.
* જ્ઞાનીઓ જો કે વાણીયા જેવા હિસાબી (સૂક્ષ્મપણે શોધન કરી તત્ત્વ સ્વીકારનારા) છે તો
પણ છેવટે લોક જેવા લોક (એક સારભૂત વાત પકડી રાખનારા) થાય છે, અર્થાત્ છેવટે ગમે તેમ
થાય પણએક શાંતપણાને ચૂકતા નથી. અને આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે.
* પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. (શ્રીમદ્ રાજચંદ્ર)
* પૂર્વે આ જીવ ક્યાં હતો એવું ભાન કરનારા જીવો અત્યારે પણ છે. (પૂ. ગુરુદેવ)
* સંતપણું અતિઅતિ દુર્લભ છે, આવ્યા પછી સંત મળવા દુર્લભ છે. સંતપણાની જિજ્ઞાસાવાળા
અનેક છે, પરંતું સંતપણું દુર્લભ તે દુર્લભ જ છે.
* જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ
સહજમાત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમ કે અમર થવાને માટે ઝેર પીએ છે.
* રાગ–દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા
તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.
* જેની પ્રત્યક્ષદશા જ બોધસ્વરૂપ છે તે મહાત્પુરુષને ધન્ય છે.