Atmadharma magazine - Ank 240a
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page  


PDF/HTML Page 22 of 22

background image
આત્મધર્મ: રજીસ્ટર નં. જી. ૮૨
આનંદજનની
વૈરાગ્યભાવના
અહો, અડોલ દિગંબ૨વૃત્તિને ધારણ કરનારા, વનમાં વસનારા અને ચિદાનંદસ્વરૂપ
આત્મમાં ડોલનારાં મુનિવરો–જેઓ છઠ્ઠે–સાતમે ગુણસ્થાને આત્માના અમૃતકુંડમાં ઝૂલે છે,
તેમનો અવતાર સફળ છે... એવા સંત મુનિવરો પણ વૈરાગ્યની બાર ભાવનાઓ ભાવના
જેવી છે. આ ભાવનાઓને આનંદની જનની કીધી છે; કેમકે વસ્તુસ્વરૂપ અનુસાર વૈરાગ્યની
ભાવનાઓનું ચિંતવન કરતાં ચિતની સ્થિરતા થઈને ભવ્ય જીવને આનંદ થાય છે અને તે
સાંભળતાં જ ભવ્યજીવોને મોક્ષમાર્ગમાં ઉત્સાહ ઊપજે છે. અહા, તીર્થંકરો પણ દીક્ષ વખતે
જેનું ચિંતન કરે એવી વૈરાગ્યરસમાં ઝૂલતી આ બાર ભાવનાઓ ભાવતા ક્યા ભવ્ય
મોક્ષમાર્ગનો ઉત્સાહ ન જાગે? ?
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપે નિત્ય છે તેનું જેને ભાન અને ભાવના નથી, ને દેહના
સંયોગનાં જ આત્મબુદ્ધિ કરીને વર્તે છે એવો અજ્ઞાની જીવ, બંદૂકની ગોળી આવે ત્યાં “હાય!
હાય! હમણાં મારો નાશ થઈ જશે”– એવા અજ્ઞાનથી તીવ્ર ભય પામીને મહા દુઃખી થાય છે.
ત્યારે, નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપની ભાવના૧ક્ષ્ ભાવનાર જ્ઞાની તો નિર્ભય છે કે મારા
જ્ઞાનાનંદસ્વરૂપને વિંધવાની કે નષ્ટ કરવાની તાકાત, બંદૂકની ગોળીમાં કે જગતમાં કોઈ
પદાર્થમાં નથી. –આ રીતે જ્ઞાનાનંદસ્વરૂપની ભાવનાપૂર્વક જ્ઞાનીને સમાધાન વર્તે છે. કદાચિત્
ભયને લીધે રાગદ્વેષ થઈ આવે તોપણ જ્ઞાનાનંદસ્વરૂપની ભાવના ખસીને તો રાગદ્વેષ તેને
થતા જ નથી, તેથી તેના રાગદ્વેષનું પ્રમાણ ઘણું જ અલ્પ હોય છે. અને અજ્ઞાની કદાચિત્ રાષ્ટ્ર
વગેરેના અભિમાનને લીધે હિંમતપૂર્વક સામી છાતીએ બંદૂકની ગોળી ઝીલતો હોય તોપણ,
નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપની ભાવના નહિ હોવાથી ને દેહાદિ પરદ્રવ્યોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના
અભિપ્રાયમાં રાગદ્વેષનું પ્રમાણ ઘણું જ તીવ્ર (અનંતાનુબંધી) છે.
અહા, ભાવનાનું વલણ કઈ તરફ ઝૂકે છે તેના ઉપર આધાર છે. જ્ઞાનીની ભાવનાનું
વલણ આત્મસ્વભાવ તરફ ઝૂકે છે, તે ભાવના આનંદની જનની છે ને ભવની નાશક છે.
અનિત્ય, અશરણ વગેરે બારે પ્રકારની વૈરાગ્યભાવનાઓનો ઝૂકાવ તો નિત્ય–શરણભૂત
ચિદાનંદ સ્વભાવ તરફ જ હોય છે. દેહાદિ સંયોગોને અનિત્ય જાણીને તેનાથી વિરક્ત થઈને
નિત્ય જ્ઞાનાનંદસ્વભાવમાં વળવું–તે જ ખરું અનિત્યભાવનાનું તાત્પર્ય છે. અને આ રીતે
સ્વભાવ તરફના ઝુકાવપૂર્વક વૈરાગ્યભાવનાઓના ચિંતનથી ધર્માત્માને આનંદ વધતો જાય
છે, તેથી બાર વૈરાગ્યભાવનાઓ આનંદની જનેતા છે, આનંદને જન્મ દેનારી માત છે. માટે
આનંદના અભિલાષી જીવોએ વસ્તુસ્વરૂપના લક્ષપૂર્વક એ ભાવનાઓ ભાવવા જેવી છે.
(–દ્વાદશાનુપ્રેક્ષાના પ્રવચનોમાંથી)
____________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટિંગ પ્રેસ –ભાવનગર