જીવો! તમે આવા પરમ આનંદમય આત્મતત્ત્વને પામો; આ ચૈતન્યના
શાંતરસમાં મગ્ન થાઓ. આ પરમાત્માની પ્રસાદી છે, તેના સ્વાદને
અનુભવો. ચૈતન્યને ભૂલીને જગતને રાજી કરવામાં જીવ રોકાયો–તેમાં
કાંઈ કલ્યાણ નથી; માટે અરે જીવ! તું પોતે અંતરમાં વળીને
સ્વાનુભવથી રાજી થાને! પરમાત્માની આ પ્રસાદી સંતો તને આપે છે–
માટે તું રાજી થા–આનંદિત થા. તું રાજી થયો તો બધાય રાજી જ છે.
બીજા રાજી થાય કે ન થાય–તે તેનામાં રહ્યા; તું તારા આત્માને
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનથી રીઝવ. તારો આત્મા રીઝીને રાજી થયો–આનંદિત
થયો ત્યાં જગત સાથે તારે શું સંબંધ છે? દરેક જીવ સ્વતંત્ર છે... માટે
બીજાને રીઝાવવા કરતાં તું તારા આત્માને રીઝવ. ત્રણ લોકનો નાથ
જ્યાં રીઝયો ત્યાં તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ને પરમ આનંદનો દાતાર
છે. અરે જીવો! એકવાર તો આવો અનુભવ કરીને આત્માને રીઝવો.
આત્મજ્ઞ સંતોની ઉપાસના વડે આત્માને રીઝવતાં અતીન્દ્રિયઆનંદરૂપ
પરમાત્માની પ્રસાદી પ્રાપ્ત થાય છે.