કારતકઃ ૨૪૯૦ઃ ૧પઃ
આચાર્યદેવે આ બોલમાં એ સિદ્ધાંત સમજાવ્યો કે સ્વને જાણ્યા વગર પરને જાણી
શકાય નહીં. પંચપરમેષ્ઠી કે સમ્યગ્દ્રષ્ટિ વગેરેના આત્માનો સ્વભાવ એવો નથી કે એકલા
અનુમાનથી કે રાગથી તે જણાય. અરિહંતને કે સિદ્ધ વગેરેને સાચા ભાવનમસ્કાર કયારે
થાય? કે તેમને ઓળખે ત્યારે; તેમની સાચી ઓળખાણ કયારે થાય? કે સ્વસંવેદનથી
પોતાને ઓળખે ત્યારે.
વળી આત્મા એકલા અનુમાનથી જાણનારો નથી. સાધકને અનુમાન હોય ખરું,
પણ સાથે સ્વસંવેદન–પ્રત્યક્ષનો અંશ પણ વર્તે છે, એટલે એકલું અનુમાન નથી. સાધકને
અંશે પ્રત્યક્ષ ને અંશે પરોક્ષ બંને સાથે છે, સ્વાશ્રયે પ્રત્યક્ષપણું વધતું જાય છે, ને
પરોક્ષપણું તૂટતું જાય છે. સાધક જાણે છે કે જેટલું પરોક્ષપણે કામ કરે તે મારું વાસ્તવિક
સ્વરૂપ નહિ, આત્માને અવલંબીને જ્ઞાનમાં જેટલું પ્રત્યક્ષપણું (અતીન્દ્રિયપણું) થાય તે
જ મારું સ્વરૂપ છે.
એકલું અનુમાન જેનો સ્વભાવ નથી પણ પ્રત્યક્ષજ્ઞાન જેનો સ્વભાવ છે–એવા
આત્માને હે શિષ્ય! તું જાણ. આત્મા તો પ્રત્યક્ષજ્ઞાતા છે. અરે, પરોક્ષજ્ઞાન પણ એનો
સ્વભાવ નથી તો પછી રાગ કે ઇન્દ્રિયોની વાત તો ક્યાં રહી? કોઈ પરાશ્રય વડે નહિ,
પરંતુ સ્વભાવ વડે જ જાણનારો આત્મા છે. અહા, આવા આત્માને લક્ષમાં લ્યે ત્યાં
પરાશ્રયબુદ્ધિ ક્યાં રહી?
સીમંધરનાથ સર્વજ્ઞપરમાત્માનો સાક્ષાત્ સન્દેશો લાવીને કુંદકુંદાચાર્યદેવ કહે છે કે
હું તો ભગવાન પાસેથી આવો સન્દેશો લાવ્યો છું....જેને સુખશાંતિ જોઈતી હોય તેઓ
આ સન્દેશ ઝીલીને જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં ઉપયોગને વાળો.
“અલિંગગ્રહણ”ની આ ગાથા સમયસારમાં છે, નિયમસારમાં છે,
પંચાસ્તિકાયમાં છે, અષ્ટપ્રાભૃતમાં છે, ને ધવલામાં પણ છે. આ ગાથા ઘણી મહત્વની
છે. (ચાલુ)
* * *