Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 42

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૨૪૧
વળી એકલા અનુમાનથી આત્મા જાણવામાં આવી જાય–એવો નથી. આત્માનું
સ્વસંવેદન પ્રત્યક્ષ તે નિશ્ચય છે, ને બીજા આત્માને અનુમાનથી જાણવો તે વ્યવહાર છે.
નિશ્ચય વગર વ્યવહાર હોય નહિ. એટલે જેણે સ્વસંવેદન પ્રત્યક્ષથી પોતાના આત્માને
જાણ્યો નથી તે બીજા આત્માને એકલા અનુમાનવડે ખરેખર ઓળખી શકતો નથી. હે
ભાઈ, આત્માના અંતરના અનુભવને જાણ્યા વગર એકલા બહારના અનુમાનથી તું
જ્ઞાનીનું માપ કાઢવા જઈશ–તો ભ્રમણામાં પડીશ.
‘અનુભવી હોય તે જ અનુભવીને ઓળખે’–એટલે આ આત્મા સર્વજ્ઞ છે, આ
આત્મા સાધકધર્મી છે–એવો ખરો નિર્ણય, તેવી જાતનો અંશ પોતામાં પ્રગટ કરે ત્યારે જ
થાય છે. અંતર્મુખ થઈને આત્માને સ્વસંવેદનમાં લેનાર જ્ઞાનદશા ભલે અધુરી હોય
તોપણ તેને ‘પ્રત્યક્ષ કહેવાય છે. એવા પ્રત્યક્ષ વગર એકલા અનુમાનથી આત્માનો
નિર્ણય થઈ શકતો નથી.
પહેલાં સ્વસંવેદન વગર સાધારણ ઓળખાણ હતી, પણ જ્યાં સ્વસંવેદન થયું
ત્યાં ઓળખાણની જાત જ ફરી ગઈ....“અહા, હવે ભગવાનની ખરી ઓળખાણ થઈ,
હવે જ્ઞાનીને ખરેખરા ઓળખ્યા!” બધા જ્ઞાનીઓને અંતરમાં આત્માના શ્રદ્ધા–જ્ઞાન
એકસરખા હોય તોપણ બહારનો ઉદય બધાને એકસરખો હોતો નથી, એટલે બહારની
ઉદયની ક્રિયા ઉપરથી જ્ઞાનીને ઓળખી શકાતા નથી. કોઈ જીવને અંદર નિર્વિકલ્પ
આનંદની અનુભૂતિ પ્રગટી હોય, ને બહારનો ઉઘાડ કદાચ વિશેષ ન દેખાય, ત્યાં મૂઢ
જીવોને એમ લાગશે કે આને જ્ઞાનચેતના નહિ ઊઘડી હોય! પણ ભાઈ, જ્ઞાનચેતના તો
અંદર આત્માને અનુભવવાનું કામ કરે છે, તેને તું કઈ આંખે દેખીશ?
આચાર્યદેવે આ ચોથા બોલમાં ધર્મની અને ધર્મીની ઓળખાણની રીત
જગત પાસે ખુલ્લી મૂકી છે. અહા, આ રીતે જ્ઞાનીને ખરેખર ઓળખનારો જીવ
પોતે જ્ઞાનીના માર્ગમાં ભળી જાય છે. ભગવાનના માર્ગમાં ભળેલો જ ભગવાનને
ખરેખર ઓળખી શકે. ચૈતન્યમાં ઊંડા ઊતરીને જેણે સિદ્ધના ભેટા કર્યા એવા
સંતોની આ વાણી છે.
રાગ અને ઇન્દ્રિયના સંગથી જરાક દૂર થઈને જ આત્માની કે દેવ–ગુરુ–
ધર્માત્માની સાચી ઓળખાણ થઈ શકે છે. સ્વસંવેદન સહિત અનુમાન સાચું હોય,
પણ સ્વસંવેદન વગર એકલા અનુમાનથી આત્મા જાણવામાં આવી જાય–એમ બનતું
નથી. આ રીતે હે જીવ! તું આત્માને અલિંગગ્રહણ જાણ....એટલે કે સ્વસંવેદનથી
જાણ. આત્માનો વાસ્તવિક અંશ તારામાં પ્રગટયા વગર તું બીજા આત્માનું અનુમાન
કયાંથી કરીશ?