Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 42

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૧૩ઃ
પણ તે બહારમાં જ ભમે, તે ઉપયોગ અંતરમાં આવે નહિ; આત્માને છોડીને એકલા
બહારમાં ભમતા ઉપયોગને શાસ્ત્રમાં દુર્બુદ્ધિ કહેલ છે.
આ રીતે બીજા બોલમાં આચાર્યદેવે એમ કહ્યું કે હે જીવ તારા ઉપયોગને
અંતરમાં વાળીને સ્વસંવેદન પ્રત્યક્ષથી આત્માને જાણ. ઇન્દ્રિયપ્રત્યક્ષથી આત્મા જણાય
તેવો નથી. ઇન્દ્રિયોથી તો આત્મા અત્યંત વિભક્ત છે, તો તે ઇન્દ્રિયો આત્મામાં
પ્રવેશવાનું સાધન કેમ હોય? સ્વજ્ઞેય આત્મા તો ઇન્દ્રિયાતીત છે. ઇન્દ્રિયો તેનું સાધન
પણ નથી. ઇન્દ્રિયો કે ઇન્દ્રિયો તરફના વલણવાળો રાગ તે કાંઈ આત્મામાં પ્રવેશવાનો
માર્ગ નથી, છતાં તેને જે માર્ગ (કે સાધન) માને છે તે જડને અને રાગને જ આત્મા
માને છે, જડથી ને રાગથી જુદા આત્માને તે જાણતો નથી. ઇન્દ્રિયોથી જ્ઞાન થવાનું જે
માને તેને ઇન્દ્રિયોની પ્રીતિ–મૈત્રી છૂટે નહીં, ને અતીન્દ્રિય આત્માની પ્રીતિ–મૈત્રી–રુચિ
તેને થાય નહીં.
આત્મા કેમ જણાય?–તો કહે છે કે, આત્મારૂપ થઈને આત્મા જણાય. ઇન્દ્રિયરૂપ
થઈને આત્મા ન જણાય. જ્ઞાન જ્યારે ઇન્દ્રિયોથી પાર, રાગથી પાર થઈને આત્મારૂપ
થાય ત્યારે આત્મા જણાય, ને ત્યારે સમ્યગ્દર્શન થાય. અહા, સંતો જંગલમાં બેઠાબેઠા
ખાણ ખોદતા હતા,–શેની?–કે ચૈતન્યના આનંદની.
ઇન્દ્રિયો કે મનના અવલંબને થતું જે શાસ્ત્રજ્ઞાન કે ધારણા તેના વડે પણ
ચૈતન્યસ્વરૂપ પ્રાપ્ત થતું નથી, અનુભવાતું નથી. કોઈ એમ માને કે અમે ઘણા શાસ્ત્રો
વાંચ્યા ને ઘણું ભણ્યા માટે અમે ધર્મમાં બીજા કરતાં કાંઈક આગળ વધ્યા, તો
આચાર્યદેવ કહે છે કે ભાઈ, તારા ભણતર બધા બહારના છે, સ્વનું જ્ઞાન તારા
ભણતરમાં આવ્યું નથી. ધર્મના રાહ તો અંદર ચૈતન્યમાં છે. અંતર્મુખ થઈને
ચિદાનંદતત્ત્વને જાણનાર–અનુભવનાર ધર્માત્મા જ ધર્મમાં આગળ વધ્યા છે. તેને માટે
એવી કોઈ ટેક કે નિયમ નથી કે આટલું ભણ્યો હોય તો જ ધર્માત્મા કહેવાય. જેને
ચૈતન્યનો અનુભવ નથી તેને બીજી ગમે તેટલી ધારણા હોય તોપણ તે સંસારના માર્ગે
જ છે, ધર્મના માર્ગે નથી. છતાં તે એમ માને કે હું ધર્મમાં બીજા કરતાં આગળ વધ્યો છું–
તો એ જાણપણાનું અભિમાન છે, તે ઇન્દ્રિયજ્ઞાનમાં અટકી જાય છે. ભાઈ! ચૈતન્યના
માર્ગ તો ન્યારા છે.
કોઈ ઇન્દ્રિયગમ્ય ચિહ્નદ્વારા પણ આત્મા જણાતો નથી. ઇન્દ્રિયગમ્ય ચિહ્ન
એટલે આંખ કે મોઢાની ચેષ્ટા, વાણી વગેરે ઉપરથી આત્મા જણાય એવો નથી. એ
તો બધા જડ ચિહ્નો છે, તે કાંઈ ચૈતન્યના ચિહ્ન નથી. આ જ્ઞાની છે, આ મુનિ છે–
ઇત્યાદિ પ્રકારે ખરી ઓળખાણ થાય ખરી, પણ તે ઇન્દ્રિયચિહ્નવડે ન થાય,
સ્વસંવેદનના લક્ષણથી જ થાય.