Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 42

background image
કારતકઃ૨૪૯૦ઃ ૧ઃ
પૂ. ગુરુદેવની મંગલનિશ્રામાં આપણું ‘આત્મધર્મ’ માસિક આ અંકની સાથે
પંચમયુગમાં પ્રવેશે છે,–વીસ વર્ષ પૂરાં કરીને એકવીસમા વર્ષનો પ્રારંભ કરે છે.
‘આત્મધર્મના વધુને વધુ વિકાસ અને પ્રચારને માટે અમે પ્રયત્નશીલ છીએ...ને તેના જ
એક પગલાં તરીકે આ અંકથી ‘આત્મધર્મ’ની સાઈઝમાં ફેરફાર થઈ રહ્યો છે. આ સુંદર
કદ સર્વે પાઠકોને જરૂર ગમશે. ‘આત્મધર્મ’માં બીજા અનેક ઉપયોગી વિભાગો પણ શરૂ
કરવાની ભાવના છે–જે માટે પ્રયત્ન ચાલી રહ્યો છે.
‘આત્મધર્મ’નો ઉદે્શ છે–“આત્માર્થીતા, વાત્સલ્ય અને દેવગુરુધર્મની
સેવા” સંતજ્ઞાનીજનો આત્માના અનુભવનો જે માર્ગ પરમ કરુણાથી ઉપદેશી
રહ્યા છે તેને ઝીલીને અંતરપરિણમન કરવા–યોગ્ય આત્માર્થીતા પોષાય,
સાધર્મીઓમાં પરસ્પર વાત્સલ્ય વિસ્તરે, અને આત્માર્થમાં અનન્ય સહાયક એવા
દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે પરમ ઉલ્લાસ–ભક્તિ–અર્પણતા જાગે–એવા લક્ષપૂર્વક આ
‘આત્મધર્મ’નું સંચાલન થાય છે. આ નવા વર્ષના પ્રારંભમાં સમસ્ત વાચકવર્ગ
તરફથી ગુરુદેવના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ. આ જગતમાં સંતચરણનો
કેટલો મહિમા છે તે સંબંધમાં ‘મંગલ તીર્થયાત્રા’ના છેલ્લા થોડાક વાક્યોનું
સ્મરણ થતાં અહીં તેનું ઉદ્ધરણ કર્યું છેઃ “ સમ્યગ્દર્શનાદિરૂપ પરિણમીને
ભવસાગરથી તરી રહેલા જીવો તે સ્વયં ‘તીર્થ’ છે, ને એવા મંગલ–તીર્થસ્વરૂપ
સંતના ચરણોમાં વસતો મુમુક્ષુ પોતાનું આખુંય જીવન જ યાત્રામય સમજે છે.
અહા, જે સન્તોની ચરણરજે પહાડોને પૂજ્ય બનાવ્યા તે સન્તોના સાક્ષાત્
ચરણની શી વાત! સંતોમાં બધુંય સમાય છે, એના હૃદયમાં ભગવાન છે, એની
વાણીમાં શાસ્ત્ર છે, એની કૃપાદ્રષ્ટિમાં કલ્યાણ છે, ને જ્યાં એનાં ચરણ છે ત્યાં
તીર્થ છે. આથી આરાધક જીવોના દર્શનને પણ તીર્થયાત્રા જ ગણવામાં આવી છે.
આવા અપાર મહિમાવંત તીર્થસ્વરૂપ પૂ. ગુરુદેવ જેવા સંતચરણોની શીતલ
છાયામાં નિશદિન રહીને આત્મહિત સાધીએ–એજ ભાવના.”